કાગિસો રબાડા IPL 2025 માં ગુજરાત ટાઈટન્સનો ભાગ હતો. તેને ગુજરાત માટે બે મેચ રમી હતી. તેને પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં 1 વિકેટ લીધી હતી, જ્યારે રબાડાએ મુંબઈ ઈન્ડિયન્સ સામે પણ 1 વિકેટ લીધી હતી.
આ પછી તે સીઝનની મધ્યમાં ઘરે પાછો ફર્યો. પરંતુ કાગીસો રબાડા પર હવે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેને પોતે એક નિવેદન બહાર પાડીને માફી માંગી છે.
રબાડા પર પ્રતિબંધ
દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર કાગિસો રબાડાને હાલ માટે ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પ્રતિબંધિત દવાઓના સેવનને કારણે આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કાગિસો રબાડાએ પોતે શનિવારે આ માહિતી આપી હતી.
કાગિસો રબાડાએ કહ્યું કે હું કેટલાક અંગત કારણોસર IPL છોડીને દક્ષિણ આફ્રિકા પાછો ફર્યો છું. આનું કારણ એ છે કે મેં ભૂલથી એક દવા લીધી જે નિયમોની વિરુદ્ધ છે. મેં જેમને નિરાશ કર્યા છે તે બધાની હું માફી માંગુ છું. ક્રિકેટ રમવું મારા માટે ખૂબ જ મોટું સન્માન છે અને હું તેને ક્યારેય હળવાશથી નહીં લઉં. આ મારા અંગત સપના કરતાં પણ મોટું છે. અત્યારે હું સસ્પેન્શન પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છું, પણ હું જલ્દી પાછો આવવા માંગુ છું અને મને સૌથી વધુ ગમતી રમત રમવા માંગુ છું.
રબાડાએ અધવચ્ચે જ છોડી દીધી IPL 2025
ગુજરાત ટાઈટન્સના ફાસ્ટ બોલર કાગિસો રબાડાએ 3 એપ્રિલના રોજ IPL 2025 સીઝન અધવચ્ચે જ છોડી દીધી. હવે તેના પાછા ફરવા પાછળનું સાચું કારણ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ, રબાડાએ SA20 લીગ દરમિયાન પ્રતિબંધિત પદાર્થનું સેવન કર્યું હતું. તે સમયે તે MI કેપ ટાઉન ટીમનો ભાગ હતો. પરંતુ આ દવા કાર્યક્ષમતા વધારનાર ન હતી.
રબાડાએ પોતે એક નિવેદન જાહેર કરીને આ વાતની પુષ્ટિ કરી છે. જ્યારે તે ભારત છોડીને પોતાના વતન દક્ષિણ આફ્રિકા પાછો ફર્યો, ત્યારે ગુજરાત ટાઈટન્સે કહ્યું હતું કે તે “પર્સનલ કારણોસર” પરત ગયો છે. તે સમયે તેમના પાછા ફરવા વિશે કોઈ માહિતી આપવામાં આવી ન હતી. દક્ષિણ આફ્રિકન ક્રિકેટર્સ એસોસિએશન (SACA) દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં, રબાડાએ કહ્યું કે તે હાલમાં “અસ્થાયી સસ્પેન્શન”નો સામનો કરી રહ્યો છે.


