સાઈ સુદર્શને IPLના દિગ્ગજોમાં પોતાનું નામ નોંધાવ્યું છે. સુદર્શન એક જ સિઝનમાં 700 થી વધુ રન બનાવનાર ઈતિહાસનો માત્ર 9મો ખેલાડી બન્યો છે. સુદર્શને મુંબઈ ઈન્ડિયન્સ સામેની એલિમિનેટર મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.
તે IPL 2025 માં 700 રનનો આંકડો સ્પર્શનાર પ્રથમ ખેલાડી બન્યો છે, તેથી તેની પાસે હજુ પણ ઓરેન્જ કેપ છે. મુંબઈ ઈન્ડિયન્સ સામેની એલિમિનેટર મેચ પહેલા સુદર્શને 14 મેચમાં 679 રન બનાવ્યા હતા. MI સામેની મેચમાં 21 રન બનાવીને તેને 700 રનનો આંકડો પાર કર્યો છે.
સાઈ સુદર્શને ફટકારી છઠ્ઠી અડધી સદી
સાઈ સુદર્શન પહેલા વિરાટ કોહલી અને શુભમન ગિલ એકમાત્ર બે ભારતીય બેટ્સમેન છે જેને IPL સીઝનમાં 700 કે તેથી વધુ રન બનાવ્યા છે. સાઈ સુદર્શને મુંબઈ સામેની એલિમિનેટર મેચમાં પણ અડધી સદી ફટકારી છે, જે IPL 2025માં તેની કુલ છઠ્ઠી અડધી સદી છે. આ સિવાય તેને સદી પણ ફટકારી છે.
એક સિઝનમાં 700 કે તેથી વધુ રન બનાવનારા બેટ્સમેન
વિરાટ કોહલી (2 વખત), ક્રિસ ગેલ (2 વખત), ડેવિડ વોર્નર, ફાફ ડુ પ્લેસિસ, શુભમન ગિલ, જોસ બટલર, કેન વિલિયમસન અને માઈક હસી એ 8 ક્રિકેટરો છે જેમને અત્યાર સુધી IPL સીઝનમાં 700 કે તેથી વધુ રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી છે.
વિરાટ કોહલી – 973 રન (2016)
શુભમન ગિલ – 890 રન (2023)
જોસ બટલર – 863 રન (2022)
ડેવિડ વોર્નર – 848 રન (2016)
વિરાટ કોહલી – 741 રન (2024)
કેન વિલિયમસન – 735 રન (2018)
ક્રિસ ગેલ – 733 રન (2012)
માઈક હસી – 733 રન (2013)
ફાફ ડુ પ્લેસિસ – 730 રન (2023)
ક્રિસ ગેલ – 708 રન (2013)
સાઈ સુદર્શન ઓરેન્જ કેપની રેસમાં ઘણો આગળ છે. બીજા સ્થાને રહેલા સૂર્યકુમાર યાદવે 673 રન બનાવ્યા છે, જ્યારે સુદર્શને તેમના પર 60 રનથી વધુની લીડ સ્થાપિત કરી છે. સુદર્શનનું વ્યક્તિગત પ્રદર્શન દર સીઝનમાં સુધરતું રહ્યું છે. ગયા સિઝનમાં તેને 527 રન બનાવ્યા હતા. તમને જણાવી દઈએ કે સાઈ સુદર્શનને શાનદાર ફોર્મના આધારે તેને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે.


