એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સને 20 રનથી હરાવ્યું. આ સાથે, મુંબઈની ટીમ બીજા ક્વોલિફાયરમાં એન્ટ્રી મારી છે, જ્યાં તેનો સામનો પંજાબ કિંગ્સ સામે થશે.
એલિમિનેટર મેચમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 228 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં, ગુજરાત છેલ્લી ઓવર સુધી ચાલેલી મેચમાં ફક્ત 208 રન બનાવી શક્યું. આ મેચમાં રોહિત શર્મા અને સાઈ સુદર્શને જોરદાર અડધી સદીની ઈનિંગ્સ રમી હતી.
બીજા ક્વોલિફાયરમાં મુંબઈની એન્ટ્રી
મુંબઈ ઈન્ડિયન્સ હવે બીજા ક્વોલિફાયરમાં પહોંચી ગયું છે. MI 1 જૂને ક્વોલિફાયર-2 મેચમાં પંજાબ કિંગ્સનો સામનો કરશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ એલિમિનેટર મેચમાં, ગુજરાત ટાઈટન્સને 228 રનનો ટાર્ગેટ મળ્યો. ગુજરાત ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી કારણ કે કેપ્ટન શુભમન ગિલ માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગયો. ત્યારબાદ સાઈ સુદર્શન અને કુસલ મેન્ડિસે મળીને 64 રનની પાર્ટનરશિપ કરી, પરંતુ મેન્ડિસ 20 રન બનાવીને આઉટ થઈ ગયો.
સાઈ સુદર્શને વોશિંગ્ટન સુંદર સાથે મળીને 84 રનની ઝડપી પાર્ટનરશિપ કરી હતી પરંતુ તેઓ ગુજરાતની જીત સુનિશ્ચિત કરી શક્યા ન હતા. સુંદરે 24 બોલમાં 48 રનની તોફાની ઈનિંગ રમી. સુંદરના આઉટ થયા પછી, ગુજરાતે નિયમિત અંતરાલે વિકેટો ગુમાવી. શેરફન રૂધરફર્ડ 24 રન બનાવીને આઉટ થયો હતો અને શાહરૂખ ખાન 13 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે રાહુલ તેવતિયા સેટ હોવા છતાં માત્ર 16 રન બનાવી શક્યો.
રોહિત શર્માએ મચાવી ધૂમ
સાઈ સુદર્શને એલિમિનેટર મેચમાં 49 બોલમાં 80 રન બનાવીને ગુજરાતની જીતની આશા જીવંત રાખી. સુદર્શને તેની ઈનિંગમાં 10 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો. પરંતુ તેની શક્તિશાળી ઈનિંગ રોહિત શર્માના 81 રનને ઢાંકી શકી નહીં. રોહિતે 50 બોલમાં 81 રન બનાવ્યા, જેમાં તેને 9 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા.
બેયરસ્ટોએ માત્ર 22 બોલનો સામનો કરીને 47 રનની ઝડપી ઈનિંગ રમી. ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા સૂર્યકુમાર યાદવે 20 બોલમાં 33 રન બનાવ્યા. તિલક વર્માએ માત્ર 11 બોલમાં 25 રન ફટકાર્યા હતા, જ્યારે કેપ્ટન હાર્દિકે 9 બોલમાં અણનમ 22 રન ફટકારીને મુંબઈનો કુલ સ્કોર 228 રન સુધી પહોંચાડ્યો હતો.


