એલિમિનટર મેચમાં ગુજરાત ટાઈટન્સના સામે મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ શાનદાર પ્રદર્શન કર્યું, આ મેચમાં રોહિત શર્માએ ગુજરાતનો બોલરોને હેરાન કર્યા.
રોહિત શર્મા ક્વોલિફાયર 2 માં પંજાબ કિંગ્સ સામે ધૂમ મચાવવા માટે તૈયાર છે. આ મેચ પહેલા રોહિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બાળકો સાથે મસ્તી કરતો જોવા મળ્યો, જે દરમિયાન બાળકો સાથેની તેની વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
રોહિતે બાળકોને આપ્યો આવો જવાબ
મુંબઈ ઈન્ડિયન્સ હવે તેમના છઠ્ઠા આઈપીએલ ટાઈટલ પર નજર રાખી રહી છે, જેના માટે હાર્દિક પંડ્યાની ટીમે પહેલા પંજાબ કિંગ્સ અને પછી આરસીબીને ફાઈનલમાં હરાવવું પડશે, જે મુંબઈ માટે એટલું સરળ નહીં હોય. ક્વોલિફાયર 2 પહેલા રોહિત શર્માનો બાળકો સાથેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બાળકે રોહિતને પૂછ્યું કે “સર, હું તમને કેવી રીતે આઉટ કરી શકું?”, રોહિતે મજાકમાં જવાબ આપ્યો કે “ના, એવું ન થઈ શકે”.
એલિમિનેટરમાં રોહિતે રમી શાનદાર ઈનિંગ
IPL 2025માં રોહિત શર્મા માટે મિશ્ર પ્રતિસાદ રહ્યો છે. આ સિઝનમાં તે મોટે ભાગે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમતો જોવા મળ્યો છે. ગુજરાત ટાઈટન્સ સાથે રમાયેલી એલિમિનેટર મેચમાં, રોહિતે શાનદાર બેટિંગ કરી અને 50 બોલમાં 81 રન બનાવ્યા. જેના લીધે મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા 228 રન બનાવ્યા.
જેના જવાબમાં ગુજરાત ટાઈટન્સ ફક્ત 208 રન બનાવી શક્યું અને MI એ મેચ 20 રનથી જીતી લીધી. રોહિતને તેની શાનદાર ઈનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો. હવે ફેન્સ પંજાબ કિંગ્સ સામે ક્વોલિફાયર 2 માં રોહિત પાસેથી આવા જ શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખશે.
નવી ઓપનિંગ જોડી સાથે મેદાનમાં ઉતર્યું મુંબઈ ઈન્ડિયન્સ
એલિમિનેટર મેચમાં, રોહિત શર્મા અને જોની બેયરસ્ટોની જોડી મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ઈનિંગની શરૂઆત કરવા આવી હતી, કારણ કે રિયાન રિકલ્ટન દક્ષિણ આફ્રિકા પાછો ફર્યો છે અને તે હાલમાં ટીમનો ભાગ નથી. મુંબઈએ બેયરસ્ટોને તેના સ્થાને ટીમમાં સામેલ કર્યો છે અને આ સિઝનની તેની પહેલી જ મેચમાં જોની બેયરસ્ટોએ શાનદાર ઈનિંગ રમી હતી.


