આજે ફક્ત વયસ્ક લોકો અને બીમાર લોકો જ યોગ કરી શકે તે માન્યતા દૂર થઈ છે. આજની ભાગદોડવાળી લાઈફમાં યોગ પદ્ધતિ વરદાન બની છે. કારણ કે હવે વૈજ્ઞાનિકો પણ માનવા લાગ્યા છે કે યોગ કરવાથી બીમારીઓને દૂર રાખી શકાય છે. બાળકોની પણ કેટલીક સમસ્યામાં યોગ ઉપયોગી થાય છે. ખાસ કરીને જે બાળકોની હાઈટ વધતી ના હોય તો આ આસન જરૂર તેમના માટે ફાયદાકારક બનશે. યોગ ફક્ત માનસિક તણાવ જ નહીં શરીરના વિકાસ માટે પણ મદદરપ બને છે.
તાડાસન બનશે ઉપયોગી
અનેક માતાઓ ચિંતિત રહેતી હોય છે કે બીજા બાળકો કરતા તેમના બાળકની હાઈટ ઓછી છે. જો તેઓ નિયમિત તેમના બાળકને તાડાસન કરાવશે તો થોડા જ સમયમાં તેઓ ઠીંગણા રહેવાની સમસ્યાને માત આપી હાઈટ વધારી શકશે. આજે અમે તમને તાડાસન કરવાની રીત અને તેના લાભ પણ જણાવીશું. જેથી ખ્યાલ આવે કે બાળકોના ઠીંગણા કદની સમસ્યામાં કેટલું ઉપયોગી છે આ આસન.
આ રીતે કરો તાડાસન
આ આસન કરવા માટે તમે સૌ સીધા ઉભા રહો. પછી તેમાં બંને પગ વચ્ચે યોગ્ય અંતર રાખીને ઉભા રહો. જેથી સંતુલન જળવાઈ રહે. ત્યારબાદ બંને હાથ આકાશ તરફ લઇ જઇને આંગળીઓ પરસ્પર એકબીજામાં ફસાવી દો. અને પછી કોઇ એક વસ્તુ અથવા કેન્દ્રબિંદુ પર નજર સ્થિર કરો. ત્યારબાદ બંને પગની એડી જમીનથી આકાશ તરફ સપ્રમાણ ઉઠાવો અને થોડીવાર ત્યાં રોકો. યાદ રાખો કે જ્યારે આ આસન કરો ત્યારે પગની એડીને ઉપર તરફ ઉઠાવો ત્યારે શ્વાસ ભરવાની ક્રિયા કરવી અને નીચે આવો ત્યારે શ્વાસ બહાર કાઢવાની ક્રિયા કરવી.
તાડાસનના ફાયદા
આ આસનમાં શરીર આ દરમિયાન શરીર તાડના ઝાડની જેમ ઉંચું અને મજબૂત દેખાય છે, તેથી તેને તાડાસન કહેવામાં આવે છે. તાડાસન કરવાથી આખા શરીરમાં ખેંચાણ પેદા થાય છે. જેથી તે શરીરનો એક્સ્ટ્રા ફેટ ઘટાડવામાં મદદ મળે છે અને બોડી શેપમાં આવે છે. બાળકો ઉપરાંત જે લોકોને સાંધા અને પીઠના દુઃખાવાની ફરિયાદ રહેતી હોય તેમના માટે પણ આ આસન વધુ રાહત આપશે. દરરોજ કરવાથી જાંઘ, ઘૂંટણ અને પગની ઘૂંટી મજબૂત થાય છે.