જેતપુર નજીક આખલો આડો ઉતરતાં અકસ્માતમાં રાજકોટના યુવકનું મોત
એકને ગંભીર ઇજા થતા સારવારમાં ખસેડાયો : જેતલસર પાસે બનેલો બનાવ
અગ્ર ગુજરાત, રાજકોટ
જેતપુરના જેતલસર પાસે આવેલા ગલગલીયા ધાબા નજીક એક અત્યંત હૃદયદ્રાવક અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર અચાનક એક રખડતો આખલો વાહનની આડે આવી જતાં સર્જાયેલી આ દુર્ઘટનામાં રાજકોટના ૧૮ વર્ષીય આશાસ્પદ યુવકનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે તેની સાથે સવાર અન્ય એક યુવકને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે.
મળતી વિગતો મુજબ, રાજકોટથી જૂનાગઢ તરફ મામા-ફઈના બે પિતરાઈ ભાઈઓ પોતાનું એક્ટિવા બાઈક લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમનું વાહન જ્યારે જેતલસર હાઈવે પર ગલગલીયા ધાબા પાસેથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે રસ્તાની વચ્ચે અચાનક એક આખલો આવી ગયો હતો. વાહનની ગતિ વધારે હોવાને કારણે ચાલક કશું સમજે તે પહેલાં જ એક્ટિવા આખલા સાથે ધડાકાભેર અથડાયું હતું અને બંને યુવકો રોડ પર પટકાયા હતા.
આ ગંભીર અકસ્માતમાં એક્ટિવા સવાર ૧૮ વર્ષીય શક્લેન સાબિતભાઈ આદમાંણીને શરીરે અને માથાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચી હતી. જ્યારે તેની સાથે મુસાફરી કરી રહેલા તેના જ મામા-ફઈના ભાઈ ૧૬ વર્ષીય નવાજભાઈ મેહમુબાઈ ખાડાને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.
ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક 108ને જાણ કરવામાં આવી હતી અને બંને ઇજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક જેતપુરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસ કર્યા બાદ ૧૮ વર્ષીય શક્લેન આદમાંણીને મૃત જાહેર કર્યો હતો, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા નવાજ ખાડાની હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી છે.
આ દુર્ઘટનાને પગલે મૃતક યુવકના પરિવારમાં ભારે આક્રંદ અને શોકનું મોજું ફરી વળ્યું છે. બનાવ અંગેની જાણ થતાં જ જેતપુર તાલુકા પોલીસની ટીમ હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.


