હાલ ગણેશ ઉત્સવના દિવસો ચાલી રહ્યા છે. ગણેશ સ્થાપનાનો આજે બીજો દિવસ છે. વિઘ્નહર્તા મંગલમૂર્તિ ગણપતિની આરાધનાનું અનોખું માહાત્મ્ય છે. મનુષ્યથી માંડીને દેવી-દેવતાઓ પણ ગણેશજીનું સ્મરણ કરીને જ કાર્યોનો પ્રારંભ કરે છે. ગણેશોત્સવના પાવન સમયે આપણે પણ ગણેશજીનું સ્મરણ કરી, આશીર્વાદ મેળવીને કૃતકૃત્ય થઈએ.
શુભ પ્રસંગોનો શુભારંભ જેનાથી થાય છે, તેવા વિઘ્નહર્તા મંગલમૂર્તિના અવતરણનો દિવસ એટલે ગણેશ ચતુર્થી. ભાદરવા માસની ચતુર્થીના દિવસથી અનંત ચૌદશ સુધી એટલે કે દસ દિવસ સુધી ગણેશોત્સવ મનાવવામાં આવે છે. ગણેશ ઉત્સવ સાથે રાષ્ટ્ર એકતાનો ઉદ્દેશ પણ જોડાયેલો હોવાથી મહારાષ્ટ્રમાં રાષ્ટ્રીય પર્વ જેટલું જ માહાત્મ્ય ગણેશ ચતુર્થીનું છે. તેથી રાષ્ટ્રનાયક તરીકે પણ તેમની આરાધના કરવામાં આવે છે. ગજાનનના આવિર્ભાવના સંદર્ભે અનેક કથાઓ પણ પ્રચલિત છે. ગણેશનું અનોખું પ્રતીકાત્મક સ્વરૂપ જ દિવ્ય સંદેશ આપનારું છે. ગણેશના આવિર્ભાવની ઘડીને ખૂબ જ હર્ષોલ્લાસ અને શ્રદ્ધાપૂર્વક મનાવવામાં આવે છે, પરંતુ તેમના અવતાર અંગે આપણા ગ્રંથોમાં વિભિન્ન કથાઓ પ્રચલિત છે.
ગણેશજીનું સ્વરૂપ અને શુભ સંદેશ
ગણપતિની ઝીણી આંખો એ સૂચવે છે કે દરેક વસ્તુનું બારીકાઈથી નિરીક્ષણ કરવું જોઈએ યા દરેક વાતનો ઝીણવટથી ઊંડાણપૂર્વક વિચાર કરવો જોઈએ. ગણપતિનું મોટું નાક એ સમજાવે છે કે લાંબેથી સૂંઘવું એટલે કે કોઈ પણ બાબતનો દીર્ઘદૃષ્ટિથી વિચાર કરવો અને તપાસ કરીને નિર્ણય કરવો. વળી, નાક એ પ્રતિષ્ઠાનું સૂચક હોવાથી નાક સાચવીને કામ કરવું. નાક કપાય એટલે કે પ્રતિષ્ઠાને ઝાંખપ લાગે તેવું કામ ન કરવું જોઈએ. ગણપતિનું નાનું માથું નિરાભિમાની સ્વભાવનું સૂચક છે. તેમનું મોટું પેટ ઉદારતાનું સૂચક છે. કોઈ ગમે તે કહે પણ બધું પેટમાં ઉતારી દે, ગળી જાય અને શાંત રહે. વળી, તેમનું વાહન ઉંદર છે. એનો અર્થ એ કે ઉંદર અવાજ કર્યા વિના ઉપર-નીચે-ઊંડે બધે જ બરાબર ફરી શકે. મહેલમાં પણ સમાય અને ઝૂંપડીમાં પણ ફરી શકે. આમ, સમાજનો આગેવાન કે નેતા પણ કોઈ પણ બાબતની ઝીણવટથી તપાસ કરીને દીર્ઘદૃષ્ટિથી વિચારનાર હોવો જોઈએ. તે નિરાભિમાની અને ગમે તેવી ટીકાઓ ગળી જાય તેવો હોવો જોઈએ. ઉંદરની માફક ઉપલા-નીચલા થરમાં, ઉપર-નીચે, મહેલ અને ઝૂંપડીમાં બધે જ શાંતિપૂર્વક જઈ શકે તેવો હોવો જોઈએ. મા-બાપની સેવા એ જ શ્રેષ્ઠ સેવા છે એવો માતા-પિતાની પ્રદક્ષિણા કરીને સમાજને ઉત્તમ સંદેશ આપ્યો છે.
ગણપતિને કારણે આપણને મહાભારત જેવો ધાર્મિક-સામાજિક ગ્રંથ મળ્યો છે. તેમના માથા પર ચંદ્રમાની શોભા શાંત, શીતળ અને સમતુલિત સ્વભાવનું પ્રતીક છે. ગણપતિનાં બે હથિયાર છે, પાશ અને અંકુશ. પાશ બંધનનું પ્રતીક હોવાથી તે સંસારના બંધનથી દૂર રહેવા સૂચવે છે. જ્યારે અંકુશ ખરાબ વૃત્તિઓ, કુટુવો અને દુર્ગુણોથી દૂર રહેવાનો સંદેશ આપે છે. ગણપતિની પ્રિય વાનગી લાડુ છે, જે સંગઠન શક્તિનું પ્રતીક છે અને સામાજિક એકતા અને સમરસતાનો સંદેશ આપે છે. સાથે સાથે સમાજમાં સૌ સાથે મીઠાશપૂર્વક રહેવાનો અને આનંદ તથા મૌલિક આહારનો પ્રેરક સંદેશ આપે છે. ગણપતિનું મૌન એ વાણીના સંયમનો ઉપદેશ આપે છે અને સમજાવે છે કે સંયમથી જ સિદ્ધિ મળે છે. ગણપતિને કૃષિદેવતા પણ કહેવામાં આવે છે. ઉંદર કૃષિ માટે નુકસાનકારક હોવાથી તેઓ તેને નીચે દાબી રાખે છે. તેમના કાન એ હળનું અને મોટા કાન એ સૂપડાનું પ્રતીક છે. ગણપતિની જીભ દેખાતી નથી એ સૂચવે છે કે જીભનો વધારે પડતો ઉપયોગ અનેક આફતો નોતરે છે. એટલે જીભને નછૂટકે બહાર કાઢવી જોઈએ. ગણેશજીનું પ્રત્યેક અંગ જીવનબોધક અને ચિંતનાત્મક ઉપદેશ આપે છે.
ગણેશ આરાધનાનું અનેરું મહત્ત્વ
ગણપતિ મનોકામનાના દેવતા છે. તે શિવજીના પુત્ર હોવાથી મહાદેવની જેમ ગણદેવતા પણ બહુ સરળ પૂજાવિધિથી પ્રસન્ન થઈ જાય છે. જીવનના દરેક વળાંકે અડચણ અને સંકટો મોં ફાડીને ઊભાં જ હોય છે ત્યારે આ સાચી શક્તિથી જ જીવનની નૈયા નિર્વિઘ્ને પાર થઈ શકે છે. ગણેશજીની સાધના, આરાધના, ઉપાસનાથી વિઘ્નોનો નાશ થાય છે. સંકટો દૂર થતાં જીવન સરળ બની જાય છે. ગણેશ માનસિક સુખ, શાંતિના દાતા હોવાની સાથે તે ભૌતિક ક્ષેત્રે પણ ભક્તને સમૃદ્ધિ પ્રદાન કરે છે, કારણ કે ગણેશના આવાહનની સાથે સાથે રિદ્ધિ સિદ્ધિનું પણ આગમન થાય છે, તેથી ગણેશની આરાધના ભૌતિક સંપદાનું વરદાન પણ આપે છે. પારદ ગણેશની પૂજા કરવાથી કે તેની ઘર, ઓફિસ કે દુકાનમાં સ્થાપના કરવાથી આર્થિક લાભ થાય છે. પારદ ગણેશ પર બુધવારે ગુલાબનું ફૂલ ચઢાવવાથી ધન પ્રાપ્તિના માર્ગ ખૂલે છે. સર્વત્ર વિજય મળે છે. આ રીતે ગણેશનું મંગલમય સ્વરૂપ સંકટોને દૂર કરીને જીવનને હર્ષોલ્લાસ અને આનંદથી ભરી દે છે.
ઉજવણી અને વિસર્જન
આઝાદી પહેલાં રાષ્ટ્રને સંગઠિત કરવાનું પાયાનું કામ ગણેશ મહોત્સવ દ્વારા કરવામાં આવ્યું. પેશવાએ ગણેશોત્સવની શરૂઆત કરી. પૂનામાં કસ્બા ગણપતિ નામથી પ્રસિદ્ધ ગણપતિની સ્થાપના શિવાજી મહારાજની માતા જીજાબાઈએ કરી. લોકમાન્ય તિલકે ગણેશ ઉત્સવને એક નવું જ સ્વરૂપ આપ્યું, જેનાથી ગણેશ રાષ્ટ્રીય એકતાનું પ્રતીક બની ગયા. લોકમાન્યના પ્રયાસ પહેલાં ગણેશપૂજા પરિવાર સુધી સીમિત હતી, પરંતુ તેને સાર્વજનિક મહોત્સવ બનાવતાં તે રાષ્ટ્રીય એકતાનું માધ્યમ બની ગયો. લોકમાન્ય તિલકે 1893માં ગણેશ ઉત્સવને સાર્વજનિક બનાવવાનાં બીજ રોપ્યાં અને બસ ત્યારથી જ પરંપરાગત રીતે આજે ભારતભરમાં અને વિદેશોમાં પણ `ગણેશોત્સવ’ ધામધૂમથી ઊજવાય છે.
ગણેશ ચતુર્થીએ ગણેશની માટીની મૂર્તિ બનાવીને કે લાવીને પધરામણી-સ્થાપના કરાય છે. ષોડ્શોપચારે પૂજા કરી નૈવેદ્ય ધરાવાય છે. એ જ દિવસે કે ત્રીજા, પાંચમા કે દશમા દિવસે સાંજે ધામધૂમપૂર્વક ગણેશજીની વિદાયયાત્રા કાઢીને, મૂર્તિનું જળમાં વિસર્જન કરાય છે. ગણપતિ વિસર્જન એટલે ગણેશની માટીની મૂર્તિનું વિસર્જન, નહીં કે એ મૂર્તિમાં વિરાજમાન ભગવાન ગણપતિનું! માનવદેહ વિલીન થાય, નાશ પામે કે એનું મૃત્યુ થાય, પરંતુ એ દેહમાં રહેલ આત્મા તો અજરાઅમર છે. એનો કદાપિ નાશ થતો નથી. એનો અર્થ એ થયો કે આપણે માટીની મૂર્તિનું વિસર્જન કરીએ છીએ, ભગવાન ગણપતિનું નહીં.
ગણેશ મૂર્તિનું જળમાં વિસર્જન કેમ કરાય છે?
સર્જનની પ્રક્રિયામાં પાંચ તત્ત્વોમાં જળ મુખ્ય ભાગ ભજવે છે. પૌરાણિક કથાઓ પ્રમાણે સમુદ્રના જળમાંથી કૂર્માવતારી શ્રીવિષ્ણુએ પૃથ્વીને પીઠ ઉપર ઊંચકીને બહાર કાઢી છે અને એ જ પૃથ્વી પુનઃ પ્રલયકાળે જળમાં નિમગ્ન થઇ જાય છે, જેમાંથી સર્જન થયું હોય એમાં જ વિસર્જન થાય છે. શિવના પુત્ર ગણેશનો જન્મ પણ પાર્વતીના સ્નાન જળમાંથી થયો છે. તેથી ગણપતિનું સર્જન પણ જળમાંથી થયેલું ગણાય અને તેથી જ તેમનું વિસર્જન પણ જળમાં કરાય છે. ગણપતિ વિસર્જન પાછળ અનેક તાત્ત્વિક રહસ્યો છુપાયેલાં છે. ઘરમાંથી કે શેરીના પંડાલમાંથી ગણપતિ મૂર્તિનું ઉત્થાપન થાય છે અને વિસર્જન માટે ભાવપૂર્વક વિદાય અપાય છે. એવી માન્યતા છે કે વિદાય લેતી વખતે વિઘ્નહર્તા ભગવાન ગણપતિ ઘરની, પરિવારની કે શેરી-મહોલ્લાની તમામ મુસીબતો અને સમસ્યાઓ પોતાની સાથે લઇ વિદાય લે છે અને જળમાં વિસર્જિત કરી દે છે. પરિણામે ઘર વિઘ્નરહિત બને છે અને સુખ-શાંતિ તેમજ સમૃદ્ધિનું આગમન થાય છે.


