જળસંચયના શંખનાદ સાથે ગીરગંગા પરિવાર ગોંડલના ગામોમાં પહોંચ્યું
દેરડી-કુંભાજી, માંડલ કુંડલા અને બંધીયા ગામનો જળસંચયના ભગીરથ કાર્યમાં જોડાવા મક્કમ નિર્ધાર
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના દેરડી-કુંભાજી, માંડલ કુંડલા અને બંધીયા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળસંચય અંગે ગ્રામજનો અને આગેવાનો સાથે મહત્વની બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકોમાં ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ ઉપસ્થિત રહી જળસંચયની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
દેરડી-કુંભાજી, માંડલ કુંડલા અને બંધીયા ગામે અલગ અલગ બેઠકને સંબોધતા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ જણાવ્યું હતું કે, પાણી એ જ પરમાત્મા છે અને તેને ધરતીના પેટાળમાં ઉતારવું એ આજના સમયની સૌથી મોટી ભક્તિ છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જે જે ગામોમાં ચેકડેમ ઊંડા ઉતારવા કે નવા બનાવવાના કાર્યો થયા છે, ત્યાં આજે ખેડૂતોના કૂવા અને બોરના તળ ઊંચા આવ્યા છે, જેનાથી ખેતી અને પશુપાલન સમૃદ્ધ બન્યા છે. જો આપણે અત્યારે જાગૃત થઈ વરસાદી પાણીનો સંગ્રહ નહીં કરીએ, તો આવનારી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે.
દેરડી-કુંભાજી ગામે યોજાયેલી મિટિંગમાં ગ્રામજનોએ જળસંચયના કાર્યમાં ખભેખભા મિલાવી સહયોગ આપવાની તૈયારી દર્શાવી હતી. આ પ્રસંગે શૈલેશભાઈ છાત્રા સરપંચ, લેવા પટેલ સમાજ પ્રમુખ સવજીભાઈ વિશાવડીયા, કડવા પટેલ સમાજ પ્રમુખ મકન નશેડીયા, તાલુકા પંચાયત સદસ્ય ચિરાગભાઈ ગોળ, ગોંડલ માર્કેટિંગ યાર્ડ ડીરેકટર મનીષભાઈ ગોળ, બેરા સાહેબ વગેરે આગેવાનોએ ઉપસ્થિત રહી આ કાર્યમાં સંપૂર્ણ સહકાર આપવા તત્પરતા બતાવી હતી.
માંડલ કુંડલા ગામે પણ જળસંચયના આ એશ્વરીક કાર્યને વેગ આપવા માટે ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં યોજાયેલી બેઠકમાં સરપંચ શ્રી એડી રામાણી સાહેબ, ભરતભાઈ પારખીયા, વિઠલભાઈ સેખડા, અમૃતભાઈ સેખડા, ગીરધરભાઈ સખીયા, સાગરભાઈ ઠુંમર, હિતેશભાઈ જોગાણી, કૌશિકભાઈ વોરા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી ગામના જળસ્તર સુધારવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટની કામગીરીને બિરદાવી હતી અને જરૂરી સહયોગની ખાતરી આપી હતી.
બંધીયા ગામે પણ જળસંચયના આ એશ્વરીક કાર્યને વેગ આપવા માટે ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં યોજાયેલી બેઠકમાં સરપંચ રધુરાજસિહ વાધેલા, માજી સરપંચ હોમદેવસી વાધેલા, ધીરુભાઈ રાણપરીયા, ચંદુભાઈ પરમાર અને તમામ ગ્રામજનો ઉપસ્થિત રહી ગામના જળસ્તર સુધારવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટની કામગીરીને બિરદાવી હતી અને જરૂરી સહયોગની ખાતરી આપી હતી.ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા છેવાડાના ગામો સુધી જળસંચયનો સંદેશ પહોંચાડવાનું આ અભિયાન બગસરા પંથકમાં જન-આંદોલન બની રહ્યું છે.


