દેશ ફરી એક વખત મોંઘવારીના મહાચક્રવ્યૂહમાં
દિવસની શરૂઆતથી રાત સુધી વપરાતી દરેક વસ્તુ મોંઘી
રસોડાથી બાથરૂમ સુધી મોંઘવારીના ડબલ એટેકથી હવે સામાન્ય માણસ માટે ઘર ચલાવવું બનશે પડકાર ; સાબુ, શેમ્પુ, ખાદ્ય વસ્તુઓ, સોફ્ટ ડ્રિન્ક્સ અને ટાયરોમાં ભાવવધારો; કંપનીઓના ખર્ચે તોડ્યો કાબૂ
હવે MRP વધારવાનો સિલસિલો શરૂ,
પેટ્રોલ-ડિઝલ મોંઘું બન્યું તો દરેક ચીજવસ્તુના ભાવમાં આવશે આગ જેવી તેજી
અગ્ર ગુજરાત, નવી દિલ્હી
દેશમાં મોંઘવારીનો નવો રાઉન્ડ શરૂ થવાના એંધાણ વચ્ચે હવે સામાન્ય માણસ માટે રોજબરોજની જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવી વધુ મોંઘી બનવાની દિશામાં છે. મધ્યપૂર્વમાં વધતા યુદ્ધના તણાવ, ખાસ કરીને ઈરાન સાથેના સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. તેની સીધી અસર હવે ભારતના બજારમાં દેખાવા લાગી છે. FMCG એટલે કે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ ક્ષેત્રની મોટી કંપનીઓએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે વધેલા ઉત્પાદન ખર્ચનો બોજ હવે ગ્રાહકો પર જ મૂકવો પડશે.
સાબુ, શેમ્પુ, ડીટરજન્ટ, બિસ્કીટ, ચા-કોફી, પેકેટવાળા નાસ્તા, સોફ્ટ ડ્રિંક્સ, ટૂથપેસ્ટ, ખાદ્ય તેલ, દૂધથી બનેલા ઉત્પાદનો, પ્લાસ્ટિક વસ્તુઓ અને ટાયરો સુધીમાં આગામી મહિનાઓમાં ભાવવધારો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. છેલ્લા એક વર્ષ દરમિયાન GST ઘટાડા અને ડિસ્કાઉન્ટની અસરથી ગ્રાહકોને જે થોડી રાહત મળી હતી તે હવે ફરી પાછી ખેંચાઈ જવાની ભીતિ ઉભી થઈ છે.
અર્થશાસ્ત્રીઓના મતે હાલની સ્થિતિ માત્ર સામાન્ય ભાવવધારો નથી પરંતુ “કોસ્ટ પુશ ઈન્ફ્લેશન”નું ગંભીર સ્વરૂપ છે, જેમાં ઉત્પાદન ખર્ચ વધતા કંપનીઓ પાસે ભાવ વધારવા સિવાય બીજો રસ્તો રહેતો નથી. સૌથી વધુ અસર મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ પર થવાની શક્યતા છે કારણ કે તેમની આવક સ્થિર છે પરંતુ ખર્ચ સતત વધી રહ્યો છે.
ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 85 ટકા ક્રુડ ઓઈલ આયાત કરે છે. મધ્યપૂર્વમાં યુદ્ધના કારણે સપ્લાય ચેઈન પર દબાણ વધ્યું છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં બેરલદીઠ ક્રુડના ભાવ સતત ઊંચા જઈ રહ્યા છે. ક્રુડ માત્ર પેટ્રોલ અને ડિઝલ પૂરતું મર્યાદિત નથી; પ્લાસ્ટિક, કેમિકલ, પેકેજિંગ, ટ્રાન્સપોર્ટેશન અને અનેક ઉદ્યોગો તેની સાથે સીધા જોડાયેલા છે. કંપનીઓનું કહેવું છે કે માત્ર ઈંધણ જ નહીં પરંતુ પેકેજિંગ માટે વપરાતા પ્લાસ્ટિક ગ્રેન્યુલ્સ, પામ ઓઈલ, કેમિકલ્સ, રબર અને આયાતી કાચા માલના ભાવમાં પણ ભારે વધારો થયો છે. ડોલર સામે રૂપિયો નબળો પડતાં આયાત વધુ મોંઘી બની છે. પરિણામે ઉત્પાદન ખર્ચમાં 8થી 15 ટકા સુધીનો વધારો નોંધાયો છે.
હવે કંપનીઓ માટે બે જ રસ્તા બચ્યા છે, એક તો પેકેટ નાના કરવાના અને બીજો સીધો ભાવ વધારવાનો. પરંતુ હવે નાના પેકેટ બનાવવાની રીત પણ મોંઘી પડી રહી છે. નવા પેકેજિંગ, પ્રિન્ટિંગ, ડિસ્ટ્રિબ્યુશન અને માર્કેટિંગમાં વધારાનો ખર્ચ આવતો હોવાથી કંપનીઓએ સીધા MRP વધારવાનો રસ્તો પસંદ કર્યો છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ગ્રાહકોને ખબર પણ ન પડે તેવી રીતે કંપનીઓએ શ્રિંકફ્લેશન ની નીતિ અપનાવી હતી. એટલે કે ભાવ એ જ રાખીને પેકેટનું વજન ઓછું કરવું. ઉદાહરણ તરીકે 100 ગ્રામના બદલે 90 ગ્રામ, 1 લિટરના બદલે 850 મિલી જેવા ફેરફારો કરવામાં આવ્યા હતા. પરંતુ હવે ઉદ્યોગકારો કહી રહ્યા છે કે વારંવાર પેકેજિંગ બદલવું ખર્ચાળ બની ગયું છે. તેથી હવે સીધા MRP વધારવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. એટલે કે ₹10માં મળતી વસ્તુ હવે ₹12 કે ₹15માં મળી શકે છે.
બિસ્કીટ, નૂડલ્સ, વેફર્સ, સોફ્ટ ડ્રિન્ક્સ અને નાના FMCG પેકેટોમાં આ ફેરફાર ઝડપથી જોવા મળી શકે છે. ગામડાઓ અને નાના શહેરોમાં ₹5 અને ₹10ના પેકેટ સૌથી વધુ વેચાય છે. તેથી ત્યાં સીધી અસર ગ્રાહકોની ખરીદ શક્તિ પર પડશે. હાલમાં કેટલાક બ્રાન્ડેડ સાબુ અને ડીટરજન્ટ કંપનીઓએ હોલસેલ માર્કેટમાં ભાવ વધાર્યા છે. શેમ્પુ અને કોસ્મેટિક્સ ક્ષેત્રે પણ 3થી 7 ટકા સુધીનો વધારો નોંધાઈ રહ્યો છે. આગામી તબક્કામાં બિસ્કીટ, બ્રેડ, નાસ્તા, કોલ્ડ ડ્રિંક્સ અને પેકેટવાળા ખાદ્ય પદાર્થો મોંઘા થવાની સંભાવના છે.
ખાદ્ય તેલના ભાવ પર પણ વૈશ્વિક બજારનો પ્રભાવ વધી રહ્યો છે. પામ ઓઈલ અને સોયા ઓઈલના આયાતી ખર્ચમાં વધારો થતા ઘરગથ્થુ બજેટ ફરી હચમચી શકે છે. ખાસ કરીને મધ્યમ વર્ગના રસોડા પર સીધી અસર પડશે., ટાયર ઉદ્યોગ પણ દબાણમાં છે. નેચરલ રબર, ક્રુડ આધારિત કેમિકલ્સ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતા ટાયર કંપનીઓ ભાવવધારાની તૈયારીમાં છે. પરિણામે વાહન જાળવણીનો ખર્ચ પણ વધી શકે છે.
હાલ સૌથી મોટો સવાલ પેટ્રોલ અને ડિઝલના ભાવનો છે. જો આગામી દિવસોમાં સરકારે ઈંધણના ભાવમાં વધારો કર્યો તો તેની અસર માત્ર વાહનચાલકો પૂરતી મર્યાદિત નહીં રહે. ટ્રાન્સપોર્ટ ખર્ચ વધતાં દરેક વસ્તુ મોંઘી બનશે.
શાકભાજી, દૂધ, અનાજ, ફળ, બાંધકામ સામગ્રી, દવાઓ અને ઈ-કોમર્સ ડિલિવરી સુધીમાં અસર દેખાશે. ટ્રકો અને માલવાહક વાહનોના ખર્ચમાં વધારો થતાં વેપારીઓ પણ ભાવ વધારશે.
અર્થશાસ્ત્રીઓ ચેતવણી આપી રહ્યા છે કે ઈંધણના ભાવમાં માત્ર ₹2થી ₹5નો વધારો પણ મોંઘવારીને નવી દિશા આપી શકે છે. ખાસ કરીને નાના વેપારીઓ અને રોજ કમાઈને જીવતા લોકો માટે આ સ્થિતિ ભારે સાબિત થઈ શકે છે. જો મધ્યપૂર્વમાં તણાવ લાંબો ચાલે અને ચોમાસું નબળું રહે તો દિવાળી સુધી દેશમાં મોંઘવારી વધુ ભયાનક બની શકે છે. ઓછા વરસાદના કારણે કૃષિ ઉત્પાદન ઘટશે તો ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધુ વધારો થશે.
ખાસ કરીને દાળ, શાકભાજી, ખાદ્ય તેલ અને અનાજમાં વધારો થવાની આશંકા છે. શહેરોમાં ભાડાં, સ્કૂલ ફી અને હેલ્થકેર ખર્ચ પહેલાથી જ વધી રહ્યા છે. હવે રોજિંદી વસ્તુઓના વધતા ભાવથી પરિવારનું માસિક બજેટ સંપૂર્ણપણે બગડી શકે છે.
ઘણા પરિવારો પહેલાથી જ EMI, સ્કૂલ ફી અને મેડિકલ ખર્ચ વચ્ચે સંતુલન સાધવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેમાં હવે FMCG અને ઈંધણ મોંઘું બનતાં બચત પર સીધી અસર પડશે. ડાબર, હિન્દુસ્તાન યુનિલિવર, બ્રિટાનિયા અને અન્ય FMCG કંપનીઓએ રોકાણકારોને આપેલી માહિતીમાં સ્વીકાર્યું છે કે કાચા માલ અને સપ્લાય ચેઈન ખર્ચમાં ભારે વધારો થયો છે. કંપનીઓનું કહેવું છે કે તેઓ આખો બોજ પોતે સહન કરી શકે તેમ નથી. કંપનીઓનો દાવો છે કે છેલ્લા એક વર્ષ દરમિયાન ગ્રાહકોને ડિસ્કાઉન્ટ, ઓફર અને નાના માર્જિન દ્વારા રાહત આપવામાં આવી હતી. પરંતુ હવે સ્થિતિ એવી બની છે કે ભાવવધારો અનિવાર્ય છે.
કેટલાક ઉદ્યોગ નિષ્ણાતોનું માનવું છે કે આગામી ત્રણથી છ મહિનામાં FMCG ક્ષેત્રમાં સરેરાશ 5થી 12 ટકા સુધીનો ભાવવધારો જોવા મળી શકે છે. આ સમગ્ર પરિસ્થિતિમાં સૌથી મોટો ફટકો મધ્યમ વર્ગને પડશે. ગરીબ વર્ગને સરકારની કેટલીક યોજનાઓથી રાહત મળી શકે છે અને સમૃદ્ધ વર્ગ માટે ભાવવધારો મોટો મુદ્દો નહીં બને. પરંતુ નોકરીયાત અને મધ્યમ આવક ધરાવતા પરિવારો માટે ઘર ચલાવવું વધુ મુશ્કેલ બનશે.
એક તરફ પગાર વધતા નથી અને બીજી તરફ ઘરખર્ચ સતત વધી રહ્યો છે. રોજિંદા વપરાશની વસ્તુઓમાં નાના-નાના વધારાનો પણ મહિનાના અંતે મોટો બોજ બને છે. ઘણા પરિવારો હવે બ્રાન્ડેડ વસ્તુઓ છોડીને લોકલ અથવા સસ્તા વિકલ્પ તરફ વળે તેવી શક્યતા છે. નાના વેપારીઓ અને કિરાણા સ્ટોર પર પણ તેની અસર જોવા મળી શકે છે. મોંઘવારી હવે માત્ર આર્થિક મુદ્દો નથી પરંતુ રાજકીય પડકાર પણ બની રહી છે. સામાન્ય માણસ સીધો અસર અનુભવે છે ત્યારે સરકાર પર દબાણ વધે છે. સરકાર પાસે ટેક્સ ઘટાડો, આયાત શુલ્કમાં રાહત અથવા સબસિડી જેવા વિકલ્પો છે, પરંતુ તેની પણ મર્યાદા છે.
જો સરકાર પેટ્રોલ-ડિઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડે તો આવક પર અસર પડશે. બીજી તરફ ભાવ નહીં વધારવામાં આવે તો ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પર દબાણ વધી શકે છે.
આથી આગામી મહિનાઓમાં કેન્દ્ર સરકાર માટે સંતુલન સાધવું સૌથી મોટી કસોટી બનશે. વિશ્વભરના આર્થિક નિષ્ણાતો માને છે કે હાલની પરિસ્થિતિ ટૂંકા ગાળાની નથી. વૈશ્વિક યુદ્ધ, સપ્લાય ચેઈન સંકટ, ડોલરની મજબૂતી અને ઊર્જા ખર્ચના કારણે આગામી કેટલાક મહિના સુધી મોંઘવારીનો દબાણ યથાવત રહી શકે છે. આથી સામાન્ય માણસ માટે હવે ઘરખર્ચનું મેનેજમેન્ટ સૌથી મોટો પડકાર બનશે. બિનજરૂરી ખર્ચમાં કાપ, બ્રાન્ડ બદલવા, બચત વધારવા અને બજેટ પ્લાનિંગ તરફ લોકો વધુ ધ્યાન આપશે. પરંતુ એક વાત સ્પષ્ટ છે, હવે મોંઘવારી માત્ર આંકડાઓમાં નથી રહી, તે સીધી રસોડા, બાથરૂમ, વાહન અને રોજિંદા જીવન સુધી પહોંચી ગઈ છે. અને જો ક્રુડ ઓઈલની આગ વધુ ભડકશે તો દેશ ફરી એક વખત મોંઘવારીના મહાચક્રવ્યૂહ માં ફસાઈ શકે છે.
એક વર્ષ સોનું ન ખરીદો, વિદેશ પ્રવાસ ટાળો : પીએમ મોદીની દેશવાસીઓને 10 સંકલ્પ લેવાની અપીલ
હૈદરાબાદમાં યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને તેની વૈશ્વિક અસર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા સંઘર્ષે વિશ્વ અર્થતંત્રને અસ્થિર બનાવ્યું છે અને ભારત પણ તેની અસરથી અસ્પર્શિત રહી શકતું નથી. ખાસ કરીને પેટ્રોલ-ડીઝલ, સોનું અને વિદેશી મુદ્રા પર વધતી નિર્ભરતા દેશ માટે પડકારરૂપ બની રહી છે. આવી પરિસ્થિતિમાં દેશના દરેક નાગરિકે જવાબદારીપૂર્વક વર્તવાની જરૂર હોવાનું તેમણે જણાવ્યું હતું.
વડાપ્રધાને કહ્યું કે ભારત પાસે પોતાના મોટા તેલના ભંડાર નથી અને ઇંધણ માટે મોટા પ્રમાણમાં આયાત પર આધાર રાખવો પડે છે. યુદ્ધના કારણે વૈશ્વિક સપ્લાય ચેઇન ખોરવાઈ રહી છે, જેના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં અસ્થિરતા સર્જાઈ છે. જો આવી સ્થિતિ લાંબા સમય સુધી રહેશે તો દેશમાં મોંઘવારી અને આર્થિક દબાણ વધી શકે છે. તેથી હવે સમય આવી ગયો છે કે લોકો ઈંધણનો ઉપયોગ સંયમપૂર્વક કરે અને શક્ય હોય ત્યાં સુધી બચત તરફ વળે. પીએમ મોદીએ ફરી એકવાર વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન મીટિંગ જેવી પદ્ધતિઓ અપનાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે કોરોનાકાળ દરમિયાન દેશે ડિજિટલ કાર્યપદ્ધતિનો સફળ અનુભવ કર્યો હતો અને હવે ઈંધણ બચાવવા માટે ફરી તે જ મોડેલ ઉપયોગી સાબિત થઈ શકે છે. જ્યાં જાહેર પરિવહનની સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં ખાનગી વાહનો છોડીને મેટ્રો, બસ અથવા ટ્રેનનો ઉપયોગ કરવો જોઈએ. જો કારનો ઉપયોગ અનિવાર્ય હોય તો કાર પૂલિંગ દ્વારા વધુ લોકો સાથે મુસાફરી કરી ઈંધણ બચાવી શકાય છે.
વડાપ્રધાને દેશવાસીઓને એક વર્ષ સુધી વિદેશ પ્રવાસ ટાળવા પણ અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે વિદેશ પ્રવાસમાં મોટી માત્રામાં વિદેશી મુદ્રાનો ખર્ચ થાય છે, જ્યારે દેશની અંદર પ્રવાસ કરવાથી સ્થાનિક અર્થતંત્રને પણ ફાયદો થાય છે. સાથે જ બિનજરૂરી ખર્ચ ઘટાડીને દેશની આર્થિક મજબૂતીમાં યોગદાન આપવા તેમણે લોકોને અનુરોધ કર્યો હતો.
સોનાની ખરીદી અંગે પણ વડાપ્રધાને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે ભારતીય સમાજમાં સોનાનું વિશેષ સ્થાન છે અને તે માત્ર આભૂષણ નહીં પરંતુ ભાવનાત્મક અને પરંપરાગત મૂલ્ય સાથે જોડાયેલું છે. તેમ છતાં વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક વર્ષ સુધી સોનું ન ખરીદવાનો સંકલ્પ લેવો દેશહિતમાં રહેશે. જો લોકો રોકાણ માટે ડિજિટલ અને અન્ય વિકલ્પો તરફ વળશે તો વિદેશી મુદ્રાની બચત થશે અને ભારત વધુ આત્મનિર્ભર બની શકશે. વડાપ્રધાન મોદીએ અંતમાં દેશવાસીઓને સંદેશ આપ્યો કે આ સમય માત્ર સરકાર માટે નહીં પરંતુ દરેક નાગરિક માટે જવાબદારીનો છે. નાની-નાની બચત અને સંયમ દેશને મોટી આર્થિક મુશ્કેલીમાંથી બચાવી શકે છે.
નવા લેબર કોડમાં ફેરફાર ; 48 કલાકના સાપ્તાહિક કામકાજ સાથે ફોર-ડે વીક ને મંજૂરી, વેતન અને ગ્રેચ્યુઈટીના નિયમો વધુ સ્પષ્ટ
કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલા નવા લેબર કોડ આગામી સમયમાં દેશના રોજગાર ક્ષેત્રમાં મોટા પરિવર્તન લાવશે તેવી ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને ખાનગી ક્ષેત્ર, સર્વિસ ઈન્ડસ્ટ્રી અને કોર્પોરેટ કંપનીઓમાં કામકાજની પદ્ધતિ, કામના કલાકો અને કર્મચારીઓના હકોને લઈને અનેક મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. સરકારના નવા નિયમો મુજબ હવે એક સપ્તાહમાં કુલ 48 કલાક કામકાજની મર્યાદા યથાવત રાખવામાં આવી છે, પરંતુ કર્મચારી ઇચ્છે તો વધુ કલાકો રોજ કામ કરીને માત્ર ચાર દિવસમાં આ સમય પૂર્ણ કરી શકશે. પરિણામે કર્મચારીઓને અઠવાડિયામાં ત્રણ દિવસની રજા મળવાની શક્યતા ઉભી થઈ છે.
નવી વ્યવસ્થામાં દરરોજ મહત્તમ 12 કલાક સુધી કામ કરવાની છૂટ આપવામાં આવી છે. જોકે કુલ કામકાજનો સમય 48 કલાકથી વધુ નહીં હોય તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે. આ વ્યવસ્થાને કારણે અનેક કંપનીઓમાં ‘ફોર-ડે વીક’ મોડલ અમલમાં આવી શકે છે. હાલ દેશમાં બેન્કિંગ સહિત કેટલાક ક્ષેત્રોમાં પાંચ દિવસીય કાર્યપદ્ધતિ અમલમાં છે, ત્યારે હવે અનેક ખાનગી ક્ષેત્રો પણ નવી સિસ્ટમ અપનાવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે નવા લેબર કોડમાં કર્મચારીઓની સલામતી, આરોગ્ય અને કાર્યસ્થળની સુવિધાઓને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. રોજમદાર અને દૈનિક વેતનધારક કામદારો માટે આઠ કલાકની કામગીરીનો માપદંડ યથાવત રહેશે. જો તેમની પાસેથી વધારાનું કામ લેવામાં આવશે તો તેમને નિયમ મુજબ ઓવરટાઈમ ચૂકવવો ફરજિયાત રહેશે. જોકે સર્વિસ સેક્ટર અને ગ્રાહક આધારિત વ્યવસાયોમાં આ કોડનો અમલ પડકારજનક બની શકે છે. ખાસ કરીને 24 કલાક સેવા આપતા ક્ષેત્રો, ઓનલાઈન ડિલિવરી, કસ્ટમર સપોર્ટ અને રિયલ-ટાઈમ સેવાઓ આપતી કંપનીઓ માટે ચાર દિવસીય કાર્યપદ્ધતિ ગોઠવવામાં મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે. નિષ્ણાતોના મતે દરેક ક્ષેત્ર માટે એકસરખો માળખો વ્યવહારિક રીતે અમલમાં મૂકવો સરળ નહીં બને.
આ નવા કાયદામાં અગાઉના ડ્રાફ્ટની તુલનામાં અનેક મહત્વપૂર્ણ ફેરફારો પણ કરવામાં આવ્યા છે. અગાઉ લઘુતમ વેતન નક્કી કરતી વખતે કામદારોના પરિવારની મૂળભૂત જરૂરિયાતો જેમ કે પૌષ્ટિક આહાર, કપડાં, મકાન ભાડું, આરોગ્ય અને શિક્ષણ ખર્ચને આધાર બનાવવામાં આવતો હતો. પરંતુ હવે આ મોડલને દૂર કરવામાં આવ્યું છે અને સરકાર અલગથી માપદંડ નક્કી કરશે તેવી જોગવાઈ કરવામાં આવી છે. તે ઉપરાંત પગારધોરણ અને સ્કીલ આધારિત માપદંડ નક્કી કરવા ટેક્નિકલ કમિટી બનાવવાની જોગવાઈ પણ રદ કરવામાં આવી છે. બીજી તરફ કર્મચારીઓના હિત માટે ગ્રેચ્યુઈટી, પ્રોવિડન્ટ ફંડ અને ઓવરટાઈમ જેવા મુદ્દાઓમાં ‘પગાર’ની વ્યાખ્યાને વધુ સ્પષ્ટ અને મજબૂત બનાવવામાં આવી છે. નિશ્ચિત સમયગાળા માટે કામ કરતા કર્મચારીઓને એક વર્ષની સેવા બાદ ગ્રેચ્યુઈટીનો લાભ કેવી રીતે મળશે તે બાબત પણ નવા કાયદામાં સ્પષ્ટ રીતે ઉલ્લેખિત કરવામાં આવી છે. નવી લેબર નીતિને કારણે આગામી સમયમાં દેશની કાર્યસંસ્કૃતિમાં મોટો બદલાવ જોવા મળી શકે છે અને કર્મચારી-નિયોજક બંને માટે નવી કાર્યપદ્ધતિઓ વિકસે તેવી શક્યતા છે.
પેટ્રોલ-ડિઝલ અને સોનાને લઈને મોટા નિર્ણયોની અટકળો તેજ
મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા યુદ્ધસંકટની અસર હવે ભારતના આર્થિક માહોલ પર પણ ગંભીર રીતે દેખાવા લાગી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવ સતત ઊંચા જતા રહેતા ભારતની સરકારી તેલ કંપનીઓ પર ભારે આર્થિક બોજ ઊભો થયો છે. આવી પરિસ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈંધણનો સંયમપૂર્વક ઉપયોગ કરવા, વર્ક ફ્રોમ હોમ અપનાવવા અને બિનજરૂરી ખર્ચ ટાળવાની અપીલ કર્યા બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ તેને ખુલ્લું સમર્થન આપ્યું છે. બીજી તરફ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીના નિવેદનોથી સરકાર આર્થિક મોરચે મોટા નિર્ણયો લઈ શકે તેવી અટકળો વધુ તેજ બની છે.
હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચી ગયા છે અને ભારતીય તેલ કંપનીઓ મોંઘા ભાવે આયાત કરવા મજબૂર બની છે. હાલની સ્થિતિમાં કંપનીઓને વેચાણ ભાવ અને ખરીદી ખર્ચ વચ્ચે મોટું અંતર સહન કરવું પડી રહ્યું છે. તેમના જણાવ્યા મુજબ છેલ્લા દસ સપ્તાહમાં સરકારી પેટ્રોલિયમ કંપનીઓની ખોટનો આંકડો એક લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયો છે. રોજિંદા ધોરણે હજારો કરોડનું નુકસાન થઈ રહ્યું હોવા છતાં સરકારે સામાન્ય જનતાને મોંઘવારીથી બચાવવા અત્યાર સુધી પેટ્રોલ-ડિઝલના ભાવમાં મોટો વધારો કર્યો નથી.
સૂત્રોના મતે હાલ પેટ્રોલના પ્રતિ લીટર વેચાણમાં અંદાજે 18 રૂપિયા અને ડિઝલમાં 24 રૂપિયાનું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. સાથે જ રાંધણગેસના વેચાણમાં પણ સરકાર અને કંપનીઓ પર ભારે સબસિડીનો બોજ છે. આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહે તો સરકાર માટે નાણાકીય દબાણ વધુ વધી શકે છે. કેન્દ્ર સરકારને મહિને હજારો કરોડની આવક ગુમાવવી પડી રહી હોવાનું પણ માનવામાં આવે છે.
વડાપ્રધાન મોદીએ થોડા દિવસો પહેલા દેશવાસીઓને ઈંધણ બચત, જાહેર પરિવહનનો ઉપયોગ, કાર પૂલિંગ અને વિદેશ પ્રવાસ ટાળવા જેવી અપીલ કરી હતી. હવે અમિત શાહે આ અપીલને “આત્મનિર્ભર ભારત” તરફનો માર્ગ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે વૈશ્વિક સંકટના સમયમાં ઊર્જા બચત જ દેશને સ્થિર રાખવાનો સૌથી મોટો ઉપાય બની શકે છે. દેવેન્દ્ર ફડણવીસે પણ ચેતવણી આપી હતી કે જો લોકો ઈંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ નહીં કરે તો ભવિષ્યમાં અછત જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે.
આ તમામ નિવેદનો વચ્ચે હવે સરકાર ટૂંક સમયમાં કેટલાક કડક આર્થિક પગલાં લઈ શકે તેવી ચર્ચા રાજકીય અને આર્થિક વર્તુળોમાં શરૂ થઈ છે. પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો, સોનાની આયાત પર જકાત વધારવા તેમજ વૈભવી ખર્ચ પર નિયંત્રણ જેવા નિર્ણયો સામે આવી શકે તેવી અટકળો વ્યક્ત થઈ રહી છે. ખાસ કરીને વિદેશી મુદ્રા બચાવવા અને વધતી આયાતને કાબૂમાં લેવા સરકાર વધુ કડક નીતિઓ તરફ વળી શકે છે. વિશ્વસ્તરે વધી રહેલા યુદ્ધસંકટ વચ્ચે ભારત માટે આર્થિક સંતુલન જાળવવું હવે સૌથી મોટો પડકાર બની રહ્યો છે. સરકારના સંકેતો અને મંત્રીઓના નિવેદનોને જોતા આગામી દિવસોમાં સામાન્ય માણસના બજેટ પર પણ સીધી અસર પડે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.
સોનાની ચમક પાછળ વધતું આર્થિક દબાણ ;
પીએમ મોદીની અપીલ બાદ હળવી જ્વેલરી અને ડિજિટલ ગોલ્ડ તરફ વધી શકે છે લોકોનો ઝુકાવ
દેશમાં વધતી સોનાની આયાત હવે ભારતના વિદેશી મુદ્રા ભંડાર અને અર્થતંત્ર માટે ચિંતાનો વિષય બની રહી છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સોનાની ખરીદીમાં સંયમ રાખવાની અપીલ કરતાં આ મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. નિષ્ણાતોના મતે જો આ અપીલની વ્યાપક અસર થશે તો આગામી સમયમાં પરંપરાગત ભારે દાગીનાની જગ્યાએ હળવા વજનની જ્વેલરી અને ડિજિટલ ગોલ્ડ તરફ લોકોનો ઝુકાવ વધી શકે છે.
ભારતે વર્ષ 2025-26 દરમિયાન અંદાજે 721 ટન સોનાની આયાત કરી હતી, જેની કુલ કિંમત લગભગ 72 અબજ ડોલર સુધી પહોંચી હોવાનું માનવામાં આવે છે. આ આંકડો દેશની કુલ આયાતના લગભગ 10 ટકા જેટલો છે. એટલી મોટી માત્રામાં વિદેશી મુદ્રા માત્ર સોનાની ખરીદી પાછળ ખર્ચાતી હોવાને કારણે દેશના ફોરેક્સ રિઝર્વ પર ભારે દબાણ ઊભું થઈ રહ્યું છે. હાલ ભારતનું કુલ વિદેશી મુદ્રા ભંડાર લગભગ 690 અબજ ડોલર હોવાનું માનવામાં આવે છે, જેમાંથી નોંધપાત્ર હિસ્સો સોનાની આયાતને કારણે પ્રભાવિત થઈ રહ્યો છે.
આર્થિક વિશ્લેષકોના મતે જો સોનાની માંગમાં ઘટાડો આવશે તો જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને તેની સીધી અસર થઈ શકે છે. લગ્નપ્રસંગો અને તહેવારો દરમિયાન સોનાની ખરીદી સંપૂર્ણપણે બંધ થવાની શક્યતા ઓછી છે, પરંતુ ગ્રાહકો હવે ઓછા વજનના દાગીના, ડાયમંડ જ્વેલરી અથવા ડિજિટલ ગોલ્ડ જેવા વિકલ્પો તરફ વધુ આકર્ષાઈ શકે છે. ખાસ કરીને યુવા પેઢી રોકાણ માટે પરંપરાગત સોનાની જગ્યાએ ડિજિટલ માધ્યમોને વધુ પ્રાથમિકતા આપે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
સોનાની વધતી આયાતની અસર માત્ર જ્વેલરી બજાર પૂરતી મર્યાદિત નથી. આ કારણે ડોલરની માંગ વધે છે અને રૂપિયા પર દબાણ ઊભું થાય છે. પરિણામે મોબાઈલ, ઈલેક્ટ્રોનિક્સ અને અન્ય આયાતી ચીજવસ્તુઓ મોંઘી થવાની શક્યતા વધી જાય છે. વિદેશી મુદ્રા ભંડાર પર વધતા દબાણને કારણે આરબીઆઈને વ્યાજદર નીતિમાં પણ વધુ સાવધ રહેવું પડે છે, જેના કારણે લોન સસ્તી થવાની શક્યતાઓ ઘટી શકે છે.
આર્થિક વર્તુળોમાં હવે એવી અટકળો પણ તેજ બની છે કે સરકાર સોનાની આયાત ઘટાડવા માટે આયાત શુલ્કમાં વધારો કરી શકે છે. હાલમાં સોનાની આયાત પર લાગતા વિવિધ કર અને કસ્ટમ ડ્યુટી બાદ અસરકારક આયાત શુલ્ક લગભગ 6 ટકા જેટલું ગણાય છે. જો સરકાર તેમાં વધારો કરશે તો સોનાની કિંમતમાં વધુ ઉછાળો આવી શકે છે અને માંગ પર અસર પડી શકે છે.
છેલ્લા પાંચ વર્ષના આંકડા જોવામાં આવે તો સોનાની આયાતની માત્રા અને કિંમત બંનેમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. 2021-22માં ભારતે 842 ટન સોનાની આયાત કરી હતી, જ્યારે 2025-26માં માત્રા ઘટીને 721 ટન સુધી આવી હોવા છતાં વધેલા આંતરરાષ્ટ્રીય ભાવોના કારણે કુલ આયાત બિલ રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. સોનાની સાથે સાથે વિદેશ પ્રવાસ, ખાતર અને ક્રૂડ ઓઈલની આયાત પણ દેશના ખર્ચમાં મોટો ફાળો આપી રહી છે. ખાસ કરીને યુદ્ધજન્ય પરિસ્થિતિને કારણે ક્રૂડ ઓઈલ અને ખાતરના ભાવોમાં ભારે વધારો થતાં ભારતનું આયાત બિલ આગામી સમયમાં વધુ વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. આવી સ્થિતિમાં સરકાર અને નાગરિકો બંને માટે ખર્ચ અને આયાત વચ્ચે સંતુલન જાળવવું હવે અત્યંત મહત્વનું બની ગયું છે.


