પેપર લીક પછી સરકારનો ‘રી-ટેસ્ટ’ દાવ
હવે 21 જૂને ફરી નીટ પરીક્ષા
22 લાખ વિદ્યાર્થીઓ ફરી તૈયારીના ચક્રમાં, આગામી વર્ષથી ઓનલાઈન એક્ઝામ અને વધારાના સમયની પણ જાહેરાત
આ વખતે ભૂલ નહીં થાય, એવો સરકારનો દાવો, પરંતુ વિદ્યાર્થીઓ-વાલીઓમાં હજુ પણ અવિશ્વાસનો માહોલ
અગ્ર ગુજરાત, નવી દિલ્હી
દેશની સૌથી મોટી અને સૌથી વધુ ચર્ચાસ્પદ મેડિકલ પ્રવેશ પરીક્ષા બની ગયેલી નીટ-યુજી ફરી એકવાર દેશવ્યાપી ચર્ચાનું કેન્દ્ર બની છે. પેપર લીકના ગંભીર આરોપો અને દેશભરમાં ઉઠેલા ભારે હોબાળા બાદ આખરે કેન્દ્ર સરકારે પરીક્ષા ફરી લેવોનો નિર્ણય જાહેર કર્યો છે. હવે નીટ-યુજી પરીક્ષા આગામી તા.21 જૂને યોજાશે. કેન્દ્ર સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ વખતે સંપૂર્ણ “ફુલપ્રુફ” વ્યવસ્થા સાથે પરીક્ષા લેવામાં આવશે અને કોઈપણ પ્રકારની ગેરરીતિને સ્થાન આપવામાં નહીં આવે.
ગઈરાત્રીના કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના નિવાસસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શિક્ષણ મંત્રાલયના અધિકારીઓ, એનટીએના પ્રતિનિધિઓ અને સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ જોડાયા હતા. બેઠક બાદ જાહેર કરાયેલા નિર્ણય અનુસાર, અગાઉ તા.3 મેના રોજ લેવાયેલી પરીક્ષા હવે અમાન્ય ગણાશે અને તમામ વિદ્યાર્થીઓએ ફરીથી પરીક્ષા આપવી પડશે.
આ નિર્ણયથી દેશભરના 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો ફરી એકવાર ચિંતામાં મુકાયા છે. લાખો વિદ્યાર્થીઓએ મહિનાઓ સુધી તૈયારી કર્યા બાદ પરીક્ષા આપી હતી, પરંતુ હવે ફરીથી તૈયારીના દબાણ હેઠળ આવી ગયા છે. અનેક વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ વધ્યો છે તો વાલીઓમાં પણ સરકાર અને પરીક્ષા પ્રણાલી પ્રત્યે પ્રશ્નો ઊભા થયા છે.
નીટ-યુજી પરીક્ષા બાદ થોડા જ સમયમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી ચોંકાવનારી વિગતો સામે આવવા લાગી હતી. બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, હરિયાણા અને મહારાષ્ટ્ર સહિત છ રાજ્યોમાં પરીક્ષા પહેલા જ પ્રશ્નપત્ર ફરતું હોવાના દાવા થયા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સોશિયલ મીડિયા, ટેલિગ્રામ ગ્રુપ અને વોટ્સએપ મારફતે પ્રશ્નપત્રના કેટલાક ભાગો ફરતા થયા હતા. કેટલાક કિસ્સાઓમાં પરીક્ષા પહેલા જ વિદ્યાર્થીઓને સોલ્વ પેપર પહોંચાડવાના આક્ષેપો થયા. સૌથી મોટો ખુલાસો ત્યારે થયો જ્યારે મૂળ પ્રશ્નપત્ર અને લીક થયેલા પેપર વચ્ચે લગભગ 150 પ્રશ્નોમાં સામ્યતા હોવાનું સામે આવ્યું.
આ ઘટના સામે આવતા દેશભરમાં વિદ્યાર્થી સંગઠનો, વાલીઓ અને વિરોધ પક્ષોએ ભારે વિરોધ પ્રદર્શન શરૂ કર્યા હતા. અનેક શહેરોમાં રસ્તા પર ઉતરી વિદ્યાર્થીઓએ એનટીએ અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. સોશિયલ મીડિયામાં પણ રી-એક્ઝામ અને Justice for NEET Students જેવા હેશટેગ ટ્રેન્ડ થયા હતા.
કેન્દ્ર સરકારે હવે દાવો કર્યો છે કે નવી પરીક્ષા દરમિયાન અત્યાધુનિક સુરક્ષા વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવશે. પ્રશ્નપત્ર પ્રિન્ટિંગથી લઈને પરીક્ષા કેન્દ્ર સુધીની સમગ્ર પ્રક્રિયા પર કડક નજર રાખવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ પ્રશ્નપત્ર માટે મલ્ટી-લેયર એન્ક્રિપ્શન સિસ્ટમ, પરીક્ષા કેન્દ્રો પર લાઈવ CCTV મોનિટરિંગ, બાયોમેટ્રિક ચેકિંગ ફરજિયાત, પ્રશ્નપત્ર ટ્રાન્સપોર્ટ માટે GPS ટ્રેકિંગ, કેન્દ્રો પર સ્થાનિક પોલીસ ઉપરાંત કેન્દ્રીય દળોની તૈનાતી, ડિજિટલ સર્વેલન્સ દ્વારા સોશિયલ મીડિયા મોનિટરિંગનો સમાવેશ થાય છે, શિક્ષણ મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે આ વખતે કોઈપણ પ્રકારની ગેરરીતિ માટે ઝીરો ટોલરન્સ રહેશે.
સરકારે માત્ર નવી તારીખ જાહેર કરી નથી, પરંતુ આગામી વર્ષથી નીટ પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર કરવાની પણ જાહેરાત કરી છે. સૂત્રો અનુસાર, હવે ધીમે ધીમે પરીક્ષા ઓનલાઈન મોડમાં લેવાય તેવી દિશામાં તૈયારી શરૂ થઈ ગઈ છે. સાથે જ વિદ્યાર્થીઓને મળતા સમયમાં પણ વધારો કરવાની જાહેરાત થઈ છે. હાલની સમયમર્યાદા કરતા 15 મિનિટ વધારાનો સમય આપવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. શિક્ષણ નિષ્ણાતો માને છે કે ઓનલાઈન પરીક્ષા થવાથી પ્રશ્નપત્ર લીકની શક્યતા ઘટશે, પરંતુ દેશના ગ્રામ્ય વિસ્તારોમાં ટેકનિકલ સુવિધાઓ અને ઈન્ટરનેટ કનેક્ટિવિટી મોટો પડકાર બની શકે છે.
પરીક્ષા ફરી લેવાશે તે નિર્ણય બાદ સૌથી વધુ અસર વિદ્યાર્થીઓ પર પડી છે. ઘણા વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર પોતાની વ્યથા વ્યક્ત કરી છે. વિદ્યાર્થીઓનો સવાલ છે કે જો પેપર લીકમાં તંત્રની ભૂલ હતી તો તેની સજા આખા દેશના વિદ્યાર્થીઓને કેમ આપવામાં આવે? કેટલાક વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તેમણે પરીક્ષા બાદ આગળના અભ્યાસ, કોચિંગ અથવા અન્ય પ્રવેશ પ્રક્રિયા માટે આયોજન કરી લીધું હતું, પરંતુ હવે ફરી તૈયારીમાં જવું પડશે. કેટલાક વિદ્યાર્થીઓએ તો માનસિક દબાણ અને ડિપ્રેશન જેવી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો હોવાનો દાવો કર્યો છે. ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે ફરીથી કોચિંગ, પ્રવાસ અને રહેવાની વ્યવસ્થા કરવી મોટો આર્થિક બોજ બની શકે છે.
વાલીઓએ સરકારની પરીક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. ઘણા વાલીઓનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં લગભગ દરેક મોટી સ્પર્ધાત્મક પરીક્ષા વિવાદમાં સપડાઈ રહી છે. વાલીઓએ માંગ કરી છે કે માત્ર પરીક્ષા ફરી લેવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે, પરંતુ સમગ્ર પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા અને જવાબદારી નક્કી થવી જોઈએ. કેટલાક વાલીઓએ એવો પણ આક્ષેપ કર્યો કે ખાનગી કોચિંગ માફિયા અને પરીક્ષા લીક ગેંગ વચ્ચે મોટા નેટવર્ક કાર્યરત છે અને તેના પર કડક કાર્યવાહી જરૂરી છે.
નીટ પેપર લીક મામલે સીબીઆઈ તપાસ શરૂ થઈ ચૂકી છે. અનેક શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા છે અને શંકાસ્પદ લોકોની પૂછપરછ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ તપાસમાં કેટલાક શિક્ષકો, કોચિંગ સંચાલકો અને ટેક્નિકલ લોકોના નામ પણ સામે આવી શકે છે. તપાસ એજન્સીઓ ડિજિટલ ડેટા, બેંક ટ્રાન્ઝેક્શન અને મોબાઈલ ચેટની તપાસ કરી રહી છે. જો તપાસમાં મોટા રેકેટનો ખુલાસો થશે તો આગામી સમયમાં અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ પર પણ તેની અસર પડી શકે છે.
નીટ પરીક્ષા ફરી લેવાતા સમગ્ર મેડિકલ એડમિશન શેડ્યૂલ ખોરવાઈ જશે. પરિણામ જાહેર થવામાં મોડું પડશે અને તેની સીધી અસર કાઉન્સેલિંગ તથા કોલેજ પ્રવેશ પર પડશે. વિદ્યાર્થીઓને હવે વધુ સમય સુધી અનિશ્ચિતતામાં રહેવું પડશે. ખાનગી અને સરકારી મેડિકલ કોલેજોના શૈક્ષણિક કેલેન્ડર પર પણ તેની અસર થવાની શક્યતા છે.
દેશની સૌથી મોટી પરીક્ષા ફરી સવાલોમાં
નીટ માત્ર એક પરીક્ષા નથી, પરંતુ લાખો વિદ્યાર્થીઓના ડોક્ટર બનવાના સપનાનું દ્વાર છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં વારંવારના વિવાદો અને ગેરરીતિઓએ આ પરીક્ષાની વિશ્વસનીયતા પર સવાલો ઊભા કર્યા છે.
શિક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે માત્ર પરીક્ષા ફરી લેવાથી વિશ્વાસ પાછો નહીં આવે. પારદર્શક વ્યવસ્થા, ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી જ લાંબા ગાળાનો ઉકેલ બની શકે છે.
શું છે નીટ-યુજી પરીક્ષા?
* દેશભરની MBBS અને BDS પ્રવેશ માટેની રાષ્ટ્રીય પરીક્ષા
* નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આયોજન
* દર વર્ષે 20 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે
* સરકારી અને ખાનગી મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે ફરજિયાત
નીટ પેપર લીક મામલે અત્યાર સુધી શું થયું?
* તા.3 મે : દેશભરમાં પરીક્ષા યોજાઈ
* થોડા દિવસમાં પેપર લીકના આરોપ
* 6 રાજ્યોમાં સમાન પ્રશ્નપત્ર ફર્યા હોવાના દાવા
* દેશવ્યાપી વિરોધ પ્રદર્શન
* સીબીઆઈ તપાસ શરૂ
* હવે 21 જૂને ફરી પરીક્ષા
નવી પરીક્ષામાં શું રહેશે ખાસ?
* નવા એડમિટ કાર્ડ ઈસ્યુ થશે
* જૂનું રજીસ્ટ્રેશન માન્ય રહેશે
* CCTV અને બાયોમેટ્રિક સુરક્ષા
* GPS ટ્રેકિંગથી પ્રશ્નપત્ર પરિવહન
* સોશિયલ મીડિયા પર કડક નજર
* ઓનલાઈન પરીક્ષાના ફાયદા અને પડકાર
ફાયદા:
* પેપર લીકની શક્યતા ઓછી
* ઝડપી પરિણામ
* ડિજિટલ મોનિટરિંગ સરળ
પડકાર
* ગ્રામ્ય વિસ્તારમાં ઈન્ટરનેટ સમસ્યા
* ટેકનિકલ ખામીનો ભય
* લાખો વિદ્યાર્થીઓ માટે સર્વર મેનેજમેન્ટ પડકારરૂપ
વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે?
* ભૂલ તંત્રની, સજા અમને કેમ?
* ફરી તૈયારીથી માનસિક તણાવ વધ્યો
* એક વર્ષનો પ્લાન ખોરવાઈ ગયો
* પરીક્ષા સિસ્ટમ પર વિશ્વાસ ડગમગ્યો


