ગર્ભવતી મહિલાઓમાં આજકાલ સિઝેરિયન ડિલિવરીનું ચલણ વધ્યું છે. પ્રેગનન્ટ મહિલાઓ નોર્મલ ડિલિવરીના બદલે સિઝેરિયન કરાવે છે. સિઝેરિયન ડિલિવરી કે જેને C-Section પણ કહે છે. બાળકના જન્મ સમયે કરાતી આ એક સર્જિકલ પ્રક્રિયા છે. જેમાં માતાના પેટમાં ચીરકાપ કરી બાળકનો જન્મ કરાવવામાં આવે છે. સામાન્ય રીતે આ ઓપરેશન ત્યારે જ થાય છે જ્યારે નોર્મલ ડિલિવરી શકય હોતી નથી. પરંતુ આજે પ્રેગનન્ટ મહિલાઓ સિઝેરિયન ડિલિવરીને વધુ પ્રાથમિકતા આપે છે. જો કે તેમાં જોખમ પણ એટલું જ રહેલું છે.
અસમના ડોક્ટર આવ્યા વિવાદમાં
અસમના એક ડોક્ટર અત્યારે પ્રેગનન્ટ મહિલાના ઓપરેશનને લઈને વિવાદમાં આવ્યા છે. આ ડોક્ટરે ફક્ત 10 કલાકની અંદર 21 C-Section ઓપરેશન કરતા તબીબ ક્ષેત્રમાં પણ હડકંપ મચ્યો છે. આ ડોક્ટરે આ બાબતે ખુલાસો આપતા કહ્યું કે આ એક સામાન્ય પ્રથા છે કારણ કે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધારે હોય છે. ત્યારે દર્દીઓની સ્થિતિને લઈને આ ઓપરેશન કરવાનો નિર્ણય કરાયો હતો. અમે ઓપરેશન માટેની તમામ પ્રક્રિયાઓનું પાલન કર્યું હતું અને તમામ 21 ઓપરેશન સફળ રહ્યા છે.
સિઝેરિયન ડિલિવરી પ્રેગનન્ટ મહિલાઓ માટે જોખમી
પ્રેગનન્ટ મહિલાઓને મોટાભાગના ડોક્ટરો નોર્મલ ડિલિવરી થાય તેવા પ્રયાસ કરતા હોય છે. અને તેને અનુલક્ષીને જ તેમના આહારનું સૂચન કરે છે. નોર્મલ ડિલીવરી જયારે માતા અથવા બાળક માટે જોખમી હોય ત્યારે ડોક્ટર વિકલ્પ તરીકે સિઝેરિયન ડિલિવરી કરવાનો નિર્ણય લેતા હોય છે. સી-સેક્શન એ એક મોટી સર્જરી છે. આ ડિલિવરી કરતી વખતે હોસ્પિટલ અને ડોક્ટરોએ સ્વાસ્થ્ય જોખમને લઈને સાવચેતી રાખવાની હોય છે. કેટલાક સંજોગોમાં આ ડિલિવરીમાં મહિલાઓને ચેપનું જોખમ (જો નસબંધી પૂર્ણ ન થાય તો), લોહી ગંઠાવાનું અને ભારે રક્તસ્રાવ, નવજાત શિશુમાં શ્વાસ લેવામાં તકલીફ તેમજ માતા માટે પ્રજનન સમસ્યાઓ થાય છે. એવા અનેક કિસ્સા પણ બન્યા છે જેમાં સિઝેરિયન ડિલિવરી માતા અને બાળક માટે મોતનું જોખમ બની છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


