ભારતમાં દેવી-દેવતાઓનાં ઘણાં પ્રાચીન મંદિરો જોવા મળે છે. આજે પણ આ મંદિરો પૈકી ઘણાં મંદિરો સારી હાલતમાં છે અને ત્યા નિત્ય પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ મંદિરોમાં ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શનાર્થે આવતા હોય છે. આ મંદિરો પૈકી એક પ્રાચીન મંદિર આંધ્ર પ્રદેશના વિજયવાડામાં આવ્યું છે. આ મંદિરનું નામ કનકદુર્ગા મંદિર છે જે ઇન્દ્રકિલાદ્રી પર્વત પર કૃષ્ણા નદીના તટ પર આવેલું છે. દક્ષિણ ભારતનાં સૌથી પ્રસિદ્ધ મંદિરોમાં પણ આ મંદિરનો સમાવેશ થાય છે. અહીં હિન્દુ તહેવારો ધામધૂમથી ઊજવવામાં આવે છે અને ખાસ કરીને અહીં નવરાત્રિ પર્વ પર વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે.
પર્વતના શિખર પર આવેલા આ મંદિરમાં શ્રદ્ધાળુઓના જયઘોષથી મંદિરનું વાતાવરણ ખૂબ જ આધ્યાત્મિક બની જાય છે. આ મંદિર પર પહોંચવા માટે સીડીઓ અને પાકા રસ્તાનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. અહીં આવતા કેટલાક શ્રદ્ધાળુઓ સીડીઓ ચઢીને માતાનાં દર્શન કરે છે. તેઓ મંદિરમાં ચઢતાં ચઢતાં હળદર દ્વારા સીડીઓને સજાવે છે. જેને ત્યાંની સ્થાનિક ભાષામાં `મેતલા પૂજા’ (સીડીઓનું પૂજન) કહેવામાં આવે છે.
ઈન્દ્રકિલાદ્રી પર્વત પર બનેલા તેમજ કૃષ્ણા નદીના તટ પર સ્થિત કનકદુર્ગા માતાના આ મંદિરનો સમાવેશ પ્રાચીનતમ મંદિરોમાં થાય છે. એક ધાર્મિક માન્યતા પ્રમાણે અને પુરાણોમાં જણાવ્યા પ્રમાણે આ મંદિરમાં સ્થાપિત કરવામાં આવેલા કનકદુર્ગા માતાની પ્રતિમા `સ્વયંભૂ’ છે. આ મંદિરને લઇને ઘણી પૌરાણિક કથાઓ પણ પ્રચલિત છે. આ કથાઓમાં ધરતી પર રાક્ષસનો આતંક જોવા મળતો હતો, જેમાં રાક્ષસોનો સંહાર કરવા માતા પાર્વતીએ અલગ અલગ રૂપ ધારણ કર્યાં હતાં.
ધરતી પર શુંભ અને નિશુંભ નામના રાક્ષસનો ખૂબ જ ત્રાસ વધી ગયો હતો. આ ઉપરાંત અન્ય રાક્ષસોનો પણ ઉપદ્વવ વધતાં આ રાક્ષસોનો અંત પણ જરૂરી બની ગયો હતો. શુંભ નિશુંભને મારવા માટે કૌશિકી, મહિસાસુરના વધ માટે મહિસાસુરમર્દિની તેમજ દુર્ગમસુર માટે દુર્ગા માતાનું રૂપ ધારણ કરવામાં આવ્યું હતું. કનકદુર્ગા માતાએ પોતાના એક શ્રદ્ધાળુ `કિલાણુ’ને પર્વત બનીને ત્યાં સ્થાપિત થવા માટે આદેશ આપ્યો હતો, જેથી તેઓ ત્યાં નિવાસ કરી શકે.
જ્યારે માતા દુર્ગાએ અહીં પોતાનું નિવાસસ્થાન બનાવ્યું હતું ત્યારે તેમણે રાક્ષસોના વધ માટે શસ્ત્રો ઉઠાવી લીધાં હતાં. માતા દુર્ગાએ મહિસાસુરનો વધ કરીને પોતાના આઠેય હાથમાં અસ્ત્રો ધારણ કરી અને સિંહ પર સવાર થઇને અહીં સ્થાપિત થયાં હતાં. આ પર્વત પાસે એક મોટા પથ્થર પર જ્યોતિર્લિંગના રૂપમાં ભગવાન શિવ પણ સ્થાપિત થયા હતા. તેમજ બ્રહ્માજીએ અહીં મલેલુ(બેલા)ના ફૂલોથી ભગવાન શિવની પૂજા કરી હતી, તેથી અહીં સ્થાપિત શિવનું એક નામ મલ્લેશ્વર સ્વામી પણ પડ્યું હતું.
વિજયવાડામાં ઇન્દ્રકિલાદ્રી નામના પર્વત પર આવેલું દેવી કનક દુર્ગેશ્વરીનું મંદિર આંધ્ર પ્રદેશનાં સૌથી મહત્ત્વપૂર્ણ મંદિરોમાંનું એક છે. આ એક એવું મંદિર છે જ્યાં તમે એકવાર દર્શન કરો છો તો તમે ધન્યતા અનુભવો છો. આ મંદિરમાં બારેમાસ ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે, પરંતુ અહીં નવરાત્રિમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં વિશેષ વધારો જોવા મળે છે. નવરાત્રિમાં માતાના આશીર્વાદ મેળવવા માટે ભક્તો પૂરા ભક્તિભાવથી અહીં ઊમટી પડે છે. અહીં માતા કનકદુર્ગાને વિશેષ રીતે બાલત્રિપુરા સુંદરી, ગાયત્રી માતા, અન્નપૂર્ણા માતા, સરસ્વતી માતા, દુર્ગા દેવી, મહિસાસુરમર્દિની અને રાજરાજેશ્વરી દેવીના રૂપમાં સજાવવામાં આવે છે. નવરાત્રિ બાદ દશેરાના દિવસે અહીં આયુધપૂજાનું પણ આયોજન કરવામાં આવે છે. આ પૂજાનો લહાવો લેવા લાખોની સંખ્યામાં ભક્તો આવે છે.
ધાર્મિક ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે ભારતમાં ઘણાં મંદિરોનું નિર્માણ પાંડવો દ્વારા કરવામાં આવ્યું છે. આ મંદિરનું નિર્માણ પણ અર્જુને કર્યું હતું. અર્જુને માતા દુર્ગાના સન્માન માટે આ મંદિર બનાવ્યું હતું. એક ધાર્મિક માન્યતા પ્રમાણે આ જગ્યા પર અર્જુને ભગવાન શિવની કઠોર તપસ્યા કરી હતી અને તેની તપસ્યાના ફળ સ્વરૂપે અર્જુનને પાશુપતાસ્ત્રની પ્રાપ્તિ પણ થઇ હતી. આ સિવાય આદિદેવ શંકરાચાર્યે પણ અહીં પરિભ્રમણ કર્યું હતું અને તેમનું શ્રીચક્ર સ્થાપિત કરીને માતાની વૈદિક પદ્ધતિથી પૂજા-અર્ચના કરી હતી.
કેવી રીતે પહોંચશો?
જો તમે વિમાન માર્ગે અહીં આવવા માંગતા હોવ તો સૌથી નજીકનું એરપોર્ટ વિજયવાડા એરપોર્ટ (VGA) છે, જે કનકદુર્ગા મંદિરથી થોડાક જ અંતરે આવેલું છે. અહીંથી તમને પ્રાઇવેટ કે સરકારી વાહનો સરળતાથી મળી જાય છે, જે તમને મંદિર સુધી લઇ જાય છે. જો તમે સડક માર્ગે અહીં આવવા માંગતા હોવ તો આંધ્ર પ્રદેશ અને સમ્રગ ભારતના અલગ અલગ શહેરોથી વિજયવાડા સુધી પહોંચવાના અનેક રસ્તાઓ છે. જેમાં મુખ્ય માર્ગ એનએચ 5 કોલકાતા-ચેન્નઇ હાઇવે છે, જે વિજયવાડા થઇને નીકળે છે. વધુમાં એનએચ 9 હૈદરાબાદ-વિજવાડા સુધી જાય છે. અલબત્ત, ભારતનાં મોટાભાગનાં રાજ્યોથી વિજયવાડા માટેની ઘણી બસો સેવામાં ઉપલબ્ધ છે. જો તમે રેલમાર્ગે અહીં આવવા માંગતા હોવ તો સૌથી નજીકનું રેલવે સ્ટેશન વિજયવાડા જંક્શન છે, જે મંજિરથી માત્ર પાંચ કિમી. દૂર છે. અહીંથી તમને પ્રાઇવેટ વાહનો અને સરકારી વાહનો સરળતાથી મળી શકે છે.


