ઈશ્વરના સંદર્ભમાં ખાસ કરીને ઉપનિષદમાં એવું કહેવાય છે કે બ્રહ્મ એ ફૂલથી પણ અત્યંત કોમળ છે અને એ જ બ્રહ્મતત્ત્વ કઠોરમાં કઠોર પણ છે, વ્રજથી પણ વધારે કઠોર છે. એ બંને વિરોધીધર્મ બ્રહ્મને લાગુ પડે છે. એ રીતે રામકથાના સંદર્ભમાં કહેવાયું છે કે રામકથા કાલિકા છે અને શબ્દ પ્રયોજાયો છે `કરાલા’, રામકથા કઠોરમાં કઠોર છે અને ત્યારબાદ ગોસ્વામીજી રામકથા વિશે અભિપ્રાય આપે છે કે એ કોમળમાં કોમળ છે.
રામકથા ચંદ્રના કિરણ જેવી કોમળ છે. બ્રહ્મનાં આ જે લક્ષણો છે, એ `રામાયણ’ને પણ લાગુ પાડવામાં આવ્યાં. `ઉત્તરકાંડ’માં ગોસ્વામીજી લખે છે
રામુ કામ સત કોટિ સુભગ તન.
દુર્ગા કોટિ અમિત અરિ મર્દન.
રામ અબજો કામદેવ જેવા સુંદર, સુકોમળ, સુભગ છે, જેમને સ્પર્શ કરવાનું મન થાય છે. એક તો એમનું એવું રૂપ છે અને એ જ રામ વિકૃતિઓના નાશ માટે અબજો દુર્ગા જેવા છે. તો પરમાત્મા કરાલ છે અને કોમળ પણ છે; સ્વયં રામ કામદેવની માફક અબજોગણા સુંદર છે. એ જ રામ દુષ્ટ વૃત્તિઓને ખતમ કરનારા અરિમર્દન છે.
બંને લક્ષણોને ધ્યાનમાં રાખવાં જોઈએ. માનું રૂપ તો કેવું વાત્સલ્યસભર હોય છે! પરંતુ કાલિકાનું રૂપ, ચંડિકાનું રૂપ જુઓ! માતા જ્યારે બહુ જ કરાલરૂપ ધારણ કરે છે ત્યારે કંઈ ને કંઈ થાય છે. એનો હેતુ તો બહુ સારો હોય છે કે, જે જગત માટે ઉપયોગી નથી એવાં તત્ત્વોને, દુષ્ટતાનો નાશ થાય. એ હેતુથી આપણી દુર્ગાઓએ બધી મંગલમય લીલા કરી છે.
`રામચરિતમાનસ’માં પહેલી પ્રતિષ્ઠા દુર્ગાની છે. પ્રત્યેક કાંડમાં શક્તિનો મહિમા ગાવામાં આવ્યો છે. `માનસ’માં જગદંબાનું સૌથી વધારે ઉમા નામ લેવામાં આવ્યું છે; ઉમા નામની સૃષ્ટિ સૌથી વધારે છે.
એક દિવસ શિવ અને પાર્વતી બેઠાં હતાં; ગણેશ, કાર્તિકેય રમતા હતા; નિતાંત એકાંત હતું. બંને પ્રસન્નતાથી બેઠાં છે ત્યારે પાર્વતીએ પ્રશ્ન પૂછ્યો કે હે પ્રભુ, મારા નામકરણ સંસ્કાર થયા ત્યારે નારદજીએ આવીને મારુું નામ રાખ્યું, એમાં ત્રણ શબ્દનો ઉપયોગ કર્યો, `નામ ઉમા અંબિકા ભવાની.’ એ ત્રણ નામ કહેવાયાં હતાં, તો `માનસ’માં મારાં એ ત્રણેય નામ લેવામાં આવે છે, પરંતુ આપ જ્યારે ખાસ વાત છે ત્યારે `અંબિકા’ અને `ભવાની’નો ઓછો ઉપયોગ કરો છો, `ઉમા’ શબ્દનો ઉપયોગ વધારે કરો છો, એવું કેમ? નારદે પહેલું નામ `ઉમા’ રાખ્યું એટલા માટે?
હવે મહાદેવે એક રહસ્યની વાત બતાવી કે દેવી, આપ જગદંબા છો. આપ શું નથી?
જ્યારે `રામાયણ’માં રામજીએ ઉદ્ઘોષણા કરી કે હું પૃથ્વીને રાક્ષસહીન કરી દઈશ; ત્યારે જય જયકાર થવા લાગ્યો અને જાનકીજીએ કુટિયાની બહાર આવીને સાંભળ્યું કે આ શું છે? અને તરત એ રામભદ્રજી પાસે ગયા, કોઈ વિશિષ્ટ ઘટના? રામજી બોલ્યા, મેં પ્રતિજ્ઞા કરી છે કે, આ પૃથ્વીને હું રાક્ષસહીન કરી દઈશ.
કહેવાય છે કે, જાનકીજી નારાજ થઈ ગયાં અને બોલ્યાં, `મહારાજ, આપે અસુરોનો નાશ કરવાનો સંકલ્પ કર્યો તો મારો અભિપ્રાય તો લેવો હતો? આપ બાપ છો; પરંતુ ગમે તેવા હોય તો પણ રાક્ષસ મારાં બાળકો છે, હું એની મા છું. એ કદાચ મને ભૂલી જાય, પરંતુ હું એમના હૃદયમાં જઈને બેસી જઈશ અને જ્યારે પણ આપ તીર ખેંચશો ત્યારે રાવણની છાતી પછી દેખાશે, પહેલાં જાનકી દેખાશે, તો મારશો કેવી રીતે?’
જૂના વિધિવિધાનમાં બલિવધની વાત હોય તો પણ સંશોધન કરીને એને દૂર કરી દો. હું જવાબદારી સાથે બોલું છું. ઘણી જગ્યાએ બકરાની બલિ આપવાનું અને એવું બધું કરવાનું થાય જ છે! મેં એ લોકોને કહ્યું, તમે આ શું કરો છો? તો એમણે કહ્યું, બલિ ન ચડાવીએ તો પછી માતા રૂઠી જાય!
મેં કહ્યું, માતા રૂઠે અને જે પાપ લાગે એ બધું હું લઈ લઈશ. એવાં વિધિવિધાન બંધ કરવાથી તમને જે કંઈ પણ કષ્ટ પડે એ હું લઈ લઈશ. બલિ ચડાવવાની પ્રથા બંધ કરવી જોઈએ; શરાબ ચડાવવાની પ્રથા બંધ કરવી જોઈએ. હિન્દુસ્તાન આમાંથી બહાર આવવું જોઈએ. મસ્તક ચડાવવું એટલે અહંકારને ચડાવવો; આપણા અહંકારને ચડાવો. હું તમને નિર્ભીક કરવા માગું છું; તમે એવું બધું ન કરો તો સારું. મારો દેશ આ દોષોથી મુક્ત થવો જોઈએ.
અંધશ્રદ્ધાની સફાઈનું અભિયાન શરૂ કરો. ધર્મ આપણને અભય કરે, ધર્મ આપણને ત્યાગી બનાવે. માણસ ડરે છે; આપણે કાં તો પ્રલોભનને કારણે કે પછી ભયને કારણે ધાર્મિક થયા છીએ! ધર્મે આપણને ડરાવી દીધા છે! અંધારાની કોઈ તાકાત નથી કે એ પ્રકાશને ડિસ્ટર્બ કરે. જે ધર્મ છે એને ક્યારેય કોઈ ગ્લાનિ નથી થતી, પરંતુ તથાકથિત ધર્મ ગ્લાનિ પેદા કરે છે.
ગોસ્વામીજી `વિનયપત્રિકા’માં કહે છે, તર્પણ કરવું હોય તો પ્રેમના જળથી તર્પણ કરો. યજ્ઞ કરવો હોય તો ઘી જોઈએ; તુલસી કહે છે, તમારા દિલમાં જે સહજ સ્નેહ છે એને ઘી બનાવી દો. યજ્ઞમાં સમધિ જોઈએ; ગુરુ પર, ધર્મ પર, પડોશી પર એમ દરેક સ્થળે શંકા કરવામાં આવે છે. એ શંકાના સમિધને જલાવો. બાળવા માટે અગ્નિ જોઈએ, તો ક્ષમાના અગ્નિમાં બાળો. ક્ષમા કરીને એમને ભરી દો. ક્ષમા કરીને બાળશો તો એની અંદર જે કંઈ બૂરાઈઓ હશે એ બળી જશે, માણસ સુધરી જશે અને બલિદાન ચડાવવું હોય તો તમારી મમતાનું અથવા તો અહંકારનું બલિદાન ચડાવો. કરેલાં સત્કર્મોના અહંકારનું બલિદાન ચડાવો.
માતાઓને હું નિવેદન કરું છું કે તમે અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો. મંગળયાન શ્રાદ્ધના દિવસોમાં મંગળ પર ગયું. એ અમાસનો દિવસ હતો. બીજા દેશોએ જેટલો ખર્ચ કરીને મંગલયાન મોકલ્યું એનાથી અડધા ખર્ચમાં આપણે મોકલ્યું. એ શક્તિનો પરિચય છે, પરંતુ લોકોને બહુ જ ડરાવવામાં આવે છે! મારું કહેવું એટલું જ છે કે હરિ ભજો.
ટૂંકમાં, રામનું ભજન કરો. દુર્ગાપૂજામાં એવા કોઈ વિધિવિધાનમાં ન જવું. પૂજામાં, સાધનામાં જીવની કતલ કરવામાં આવે છે, એ બધું શું છે? `પત્રં પુષ્પં ફલં તોયમ્’ જે આપવામાં આવે એવા સાત્ત્વિક ભાવથી કરો. રામ યજ્ઞરક્ષક છે. જ્યારે ઈન્દ્રજિતે યુદ્ધ દરમિયાન અપાવન યજ્ઞનું આયોજન કર્યું ત્યારે ભગવાન રામે સૂચના આપી કે કોઈ પણ રીતે આ યજ્ઞનો વિધ્વંસ થવો જોઈએ; નહીંતર રામ યજ્ઞરક્ષક છે, જે વિશ્વામિત્રના યજ્ઞને પૂર્ણ કરવા માટે નીકળી પડ્યા હતા; અહલ્યાનો પ્રતીક્ષાનો યજ્ઞ પૂર્ણ કરવા માટે ગૌતમ-આશ્રમ સુધી ગયા હતા અને જનકપુરીનો ધનુષયજ્ઞ પૂર્ણ કરાવવા માટે રામની યજ્ઞયાત્રા હતી, પરંતુ અપવિત્ર વિધિથી થતા યજ્ઞને તોડવાનો `માનસ’માં પ્રભુએ પણ આદેશ આપ્યો છે.


