રાજુલાના ખાખબાઈ ગામે ધાતરવડી નદીમાં ડૂબી જવાથી બે કિશોરોના મોત
નદીમાં ન્હાવા પડેલા ૫ પૈકી ૩ કિશોરોનો આબાદ બચાવ: સ્થાનિક તરવૈયાઓએ મૃતદેહો બહાર કાઢ્યા
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખાખબાઈ ગામે એક અત્યંત કરૂણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ખાખબાઇ ગામે આવેલ ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા પાંચ કિશોરો પૈકી બે કિશોરોના પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યા હતાં. જ્યારે અન્ય ત્રણ કિશોરોનો આબાદ બચાવ થયો છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અને પરિજનોમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. મળતી વિગત મુજબ, રાજુલાના પાંચ કિશોરો ખાખબાઈ ગામ પાસેથી પસાર થતી ધાતરવડી નદીમાં ન્હાવા માટે પડ્યા હતા. ન્હાતી વખતે અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં બે કિશોરો ડૂબી જતા મોત નિપજ્યું હતું. જેમાં દક્ષ રાજેશભાઈ ડોડીયા (ઉં.વ. ૧૪, રહે. રાજુલા) અને લાલભાઈ ગાંડાભાઈ પરમાર (ભરવાડ) (ઉં.વ. ૧૪, રહે. રાજુલા) નું બન્ને કિશોરના ડૂબી જવાથી મોત થયાં હતાં. આ ઘટનાની જાણ થતાં જ આસપાસથી સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક મદદ માટે નદીએ દોડી આવ્યા હતાં. તરવૈયાઓએ ભારે જહેમત બાદ બંને કિશોરોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યા હતાં. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતક લાલાભાઈ પોતાના પરિવારમાં પાંચ બહેનો વચ્ચે એકનો એક લાડકવાયો ભાઈ હતો. પાંચ બહેનોએ પોતાનો એકમાત્ર ભાઈ ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. અને પરિવારજનોના શોકમય માહોલ છવાયો હતો. આ ઘટનાને લઈ પગલે નદી કિનારે અને ત્યારબાદ હોસ્પિટલ ખાતે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતાં. ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બંને કિશોરોના મૃતદેહને પીએમ અર્થે રાજુલા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ૧૪ વર્ષીય બે માસૂમ બાળકોના અકાળે મોતથી સ્થાનિક સ્તરે ભારે ગમગીની છવાઈ છે…..


