કર્ણાટકના બાગલકોટ જિલ્લામાં શેરડીના ભાવને લઈને ખેડૂતોનો વિરોધ આજે વધુ ઉગ્ર બન્યો છે. મુધોલ તાલુકાના સૈદાપુરા ગામના સમીરવાડીમાં ગોદાવરી ફેક્ટરી પાસે પાર્ક કરેલી 100થી વધુ ટ્રેક્ટર ટ્રોલીઓને આગ લગાવીને ખેડૂતોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો, જેના કારણે ઘટનાસ્થળે મોટો અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
100થી વધુ ટ્રોલીઓમાં આગ લાગી
શેરડીના ખેડૂતોની મુખ્ય માગ પ્રતિ ટન 3500 રૂપિયાની કિંમત નક્કી કરવાની છે, જ્યારે તેઓ સરકાર દ્વારા નક્કી કરાયેલા રૂપિયા 3,300ના ભાવનો વિરોધ કરી રહ્યા છે. મુધોલના ખેડૂતો છેલ્લા અઠવાડિયાથી વિરોધ કરી રહ્યા છે અને આજે મુધોલ શહેર સંપૂર્ણપણે બંધ રહ્યું હતું. ખાંડ મિલ માલિકોએ તેમની સાથે સીધી વાટાઘાટો કરવાનો ઈનકાર કરતાં વિરોધ કરી રહેલા ખેડૂતોનો ગુસ્સો ચરમસીમાએ પહોંચી ગયો. ત્યારબાદ, ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ વહેલી સવારે ટ્રેક્ટર રેલી કાઢી અને સમીરવાડીમાં ગોદાવરી ફેક્ટરીનો ઘેરાવ કર્યો. વિરોધ દરમિયાન ખેડૂતોએ શેરડી ફેક્ટરીમાં લઈ જતા ટ્રેક્ટરને અટકાવ્યું, તેમાં તોડફોડ કરી અને તેને આગ ચાંપી દીધી. આગ ઝડપથી 100થી વધુ ટ્રોલીઓમાં ફેલાઈ ગઈ, જેના કારણે વિસ્તારમાં વ્યાપક તણાવ ફેલાયો છે.
શું કહ્યું મંત્રી શિવાનંદ પાટીલે?
આ ઘટના પર પ્રતિક્રિયા આપતા મંત્રી શિવાનંદ પાટીલે કહ્યું, “આ ખેડૂતોનું કામ નથી. આ કેટલાક અસામાજિક તત્વોનું કામ છે. તેમણે કહ્યું કે જિલ્લાના મંત્રી ત્રણ દિવસથી મુધોલમાં છે. તેઓ ખેડૂતો અને કારખાનાઓ સાથે વાત કરી રહ્યા છે. આખા રાજ્યમાં ક્યાંય પણ ખેડૂતોએ આવું કર્યું નથી, તેથી અસામાજિક તત્વોએ ખેડૂતોના નામે આ કર્યું છે.”
મુખ્યપ્રધાને ઘટનાની માહિતી લીધી
ઘટનાની માહિતી મળતાં મુખ્યપ્રધાને સિદ્ધારમૈયાએ તાત્કાલિક બાગલકોટના ડીસી અને એસપીને સંપૂર્ણ રિપોર્ટ મેળવવા માટે ફોન કર્યો. તેમણે જિલ્લા પ્રભારી મંત્રી થિમ્માપુરાને પણ સંપૂર્ણ રિપોર્ટ આપવાનો નિર્દેશ આપ્યો. પોલીસ હાલમાં વિસ્તારમાં શાંતિ જાળવવા અને ગુનેગારોની ઓળખ કરવા માટે કામ કરી રહી છે.


