કેન્દ્રિય રમતગત અને યુવા બાબતોના મંત્રી ડૉ.મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, ‘અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦ એ ભારતની વિકાસયાત્રાનો તથા રમતગમતને રાષ્ટ્રીય વિકાસના સાધન તરીકે અપનાવવાની પ્રતિબદ્ધતાનો ઉત્સવ બની રહેશે. આ સીમાચિહ્ન ‘વિકસિત ભારત@૨૦૪૭’ના આપણા વિઝનને મજબૂત બનાવશે અને પ્રભાવશાળી, સમાવેશી તથા ટકાઉ રમતગમત કાર્યક્રમોનું આયોજન કરવામાં ભારતની વૈશ્વિક નેતૃત્વક્ષમતાને વધુ સુદૃઢ કરશે.
વિશ્વનું સ્વાગત કરવા અમે સંપૂર્ણપણે તૈયાર
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉત્સાહભેર જણાવ્યું હતું કે,આ ક્ષણ ગુજરાત તથા ભારત માટે અત્યંત ગૌરવપ્રદ ક્ષણ છે.સો વર્ષ પૂર્ણ થતી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવું એ અમારા માટે સન્માન અને જવાબદારી બંને છે.અમદાવાદ અને ભારતની પ્રગતિ, સમાવેશી વિચારસરણી તથા આતિથ્યની ઝલક દર્શાવતા આ ઉત્સવ સાથે વિશ્વનું સ્વાગત કરવા અમે સંપૂર્ણપણે તૈયાર છીએ.આ રમતો આપણી માળખાકીય સુવિધાઓ અને પ્રતિભાનું પ્રદર્શન જ નહીં, પરંતુ એકતા, ટકાઉ વિકાસ તથા શ્રેષ્ઠતા જેવા આપણા મૂલ્યોનું પણ પ્રતિબિંબ પાડશે.


