ભારતીય અબજોપતિ અને સ્ટોકબ્રોકિંગ ફર્મ ઝેરોધાના સહ-સ્થાપક, નિખિલ કામથે તેમના આગામી પોડકાસ્ટમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક સાથે જોવા મળવાના છે. તેઓએ જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વિડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
નિખિલ કામથે ટીઝર રિલીઝ કર્યું
ટેસ્લા અને સ્પેસએક્સ જેવી કંપનીઓના માલિક અને વિશ્વના અબજોપતિઓની યાદીમાં નંબર વન, એલોન મસ્ક, ઝેરોધાના સહ-સ્થાપક નિખિલ કામથના લોકપ્રિય “WTF” પોડકાસ્ટના આગામી એપિસોડમાં દેખાશે. આ ખુલાસાએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવ્યો છે, જેની એક ઝલક સોશિયલ મીડિયા પર શેર કરાયેલા બ્લેક-એન્ડ-વ્હાઇટ ટીઝરમાં બહાર આવી છે. 39-સેકન્ડની ક્લિપમાં એલોન મસ્ક અને નિખિલ કામથ કોફી પીતા અને હસતા અને એકબીજા સાથે ગપસપ કરતા જોવા મળે છે.
વિડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે
નિખિલ કામથે વાયરલ વિડિયો ક્લિપમાં એક રમૂજી કેપ્શન પણ ઉમેર્યું. તેમાં તેઓએ લખ્યુ કે કેપ્શન ધીસ અને સાથે જ એલન મસ્કને ટેગ કર્યા છે. આ લખાય છે ત્યાં સુધી, પોસ્ટને 3.3 મિલિયન વ્યૂઝ અને 33,000 લાઈક્સ મળ્યા હતા. હજારો લોકોએ તેમની પ્રતિક્રિયાઓ પણ શેર કરી હતી. જોકે કેટલાક ટ્વિટર (હવે X) વપરાશકર્તાઓ પણ ટિપ્પણી કરતા જોવા મળ્યા હતા, તેને AI-જનરેટેડ ગણાવી રહ્યા છે.
જોકે આ ક્લિપ રિલીઝ થયા પછી, ચાહકોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું છે કે આ બે બિઝનેસ દિગ્ગજો કયા વિષયો પર ચર્ચા કરી શકે છે. આ અટકળોમાં ટેકનોલોજી અને અવકાશ સંશોધન સહિત અન્ય વિષયોનો સમાવેશ થઈ શકે છે.
પીએમ મોદી કામથના પોડકાસ્ટ પર દેખાયા છે
મહત્વનું છે કે બિલિયોનેર નિખિલ કામથનું WTF પોડકાસ્ટ ખૂબ જ લોકપ્રિય છે અને એલોન મસ્ક પહેલા ઘણી અગ્રણી હસ્તીઓ તેમાં દર્શાવવામાં આવી છે. આ વર્ષની શરૂઆતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ પોડકાસ્ટ પર દેખાયા હતા. પીએમ મોદીએ કામથ સાથે તેમના બાળપણ, વૈશ્વિક દ્રષ્ટિકોણ અને વૈશ્વિક ટેકનોલોજીમાં ભારતના વધતા પ્રભાવ વિશે ચર્ચા કરી હતી.
કાર્યક્રમમાં હાજર રહેલા અન્ય મહેમાનોની યાદી પર એક નજર કરીએ તો, માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ, બાયોટેક લીડર કિરણ મઝુમદાર-શો, બોલિવૂડ સ્ટાર રણબીર કપૂર, ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણી, પરપ્લેક્સિટી એઆઈના અરવિંદ શ્રીનિવાસ અને વેન્ચર કેપિટાલિસ્ટ વિનોદ ખોસલાનો સમાવેશ થાય છે.
વિશ્વના નંબર 1 સૌથી ધનિક વ્યક્તિ
એલોન મસ્ક વિશ્વના નંબર 1 સૌથી ધનિક વ્યક્તિ છે, અને ફોર્બ્સના રીઅલ ટાઇમ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, તેમની કુલ સંપત્તિ $482.5 બિલિયન છે. બીજી બાજુ, જો આપણે નિખિલ કામથ વિશે વાત કરીએ, તો તેમનું નામ ફોર્બ્સ દ્વારા ભારતીય અબજોપતિઓની યાદીમાં શામેલ છે અને નિખિલ કામથની કુલ સંપત્તિ 2.5 બિલિયન ડોલર હોવાનું કહેવાય છે.


