રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 4 -5 ડિસેમ્બરે ભારતના પ્રવાસે આવી રહ્યા છે. જે કારણે દુનિયાના મોટા ભાગના નેતાઓની નજર આ મુલાકાત પર ટકેલી છે. ખાસ કરીને ચીન અને પાકિસ્તાન આ મુલાકાત પર નજીકથી નજર રાખી રહ્યું છે. આ મુલાકાત દરમિયાન ભારત અને રશિયા વચ્ચે ઘણી ડિફેન્સ ડિલ્સ થાય તેવી શક્યતા છે. જે કારણે ભારતનું ડિફેન્સ ક્ષેત્ર વધુ મજબૂત થશે. રશિયા ડિફેન્સ ટેકનોલોજીનો હિસ્સો શેર કરશે, જેનાથી મેક ઈન ઈન્ડિયા હથિયારો અને યુદ્ધ વાહનોનું ઉત્યાદન અને નિકાસમાં વધારો થશે. ઉલ્લખનીય છે કે, રશિયા ભારતનો સૌથી મોટો ડિફેન્સ સપ્લાયર છે. તેણે ભારતને S 400 ડિફેન્સ સિસ્ટમ આપી છે. જેની તાકાત ઓપરેશન સિંદૂર સમયે જોવા મળ્યો હતો.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ત્રણ વર્ષ બાદ ભારતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ છેલ્લી વાર ભારતના પ્રવાસે ડિસેમ્બર 2021માં આવ્યા હતા. આ વર્ષે 4-5 ડિસેમ્બરે 23મી ભારત રશિયા વાર્ષિક સમિટ યોજાશે. વડાપ્રધાન મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની દોસ્તી જગજાહેર છે. આ સાથે ભારત અને રશિયા સદીઓથી મિત્ર દેશ રહ્યા છે. યુક્રેન યુદ્ધ બાદ પણ ભારતે રશિયાનો સાથ છોડ્યો નથી.
વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત માત્ર એક રાજકીય ઘટના નથી, પણ એક “ભૂ-વ્યૂહાત્મક ભૂકંપ” છે જેના આંચકા પાકિસ્તાન અને ચીનમાં અનુભવાશે. આ મુલાકાતનો સૌથી હોટ ટોપિક છે રશિયાની ભારતને S-400 એર ડિફેન્સ સિસ્ટમની 2 થી 3 વધારાની રેજિમેન્ટની નવી ઓફર.
ભારતનો સૌથી મોટો ડિફેન્સ સપ્લાયર છે રશિયા
- 2009-2014 – ભારતમાં આવતા હથિયારમાં રશિયાનો હિસ્સો 72 થી 76 ટકા હતો
- 2015-2019 – ભારતમાં આવતા હથિયારમાં રશિયાનો હિસ્સો 55 ટકા હતો
- 2020-2024 – ભારતમાં આવતા હથિયારમાં રશિયાનો હિસ્સો 36 ટકા હતો (SIPRI રિપોર્ટ અનુસાર)
આજે પણ ભારતના કૂલ હથિયારોમાં 60થી 70 ટકા હથિયારો કે ડિફેન્સ સિસ્ટમ રશિયન છે. હાલ ભારત ફ્રાન્સ, અમેરિકા અને ઈઝરાયલ પાસેથી હથિયારો ખરીદે છે, પરંતું રશિયાનો સાથ હજૂ પણ છોડ્યો નથી. ડિફેન્સ ટેકનોલોજીમાં ભારત અને રશિયા ભાગીદારી શેર કરે છે.
આ પ્રેજેક્ટ માટે થઈ શકે છે કરાર
- S 400 એર ડિફેન્સ સિસ્ટમ – 5માંથી 3 મળી ચુક્યા છે
- SU 30 MKI ફાઈટર જેટ – હિન્દુસ્તાન એરોનોટિક્સમાં બની રહ્યા છે
- T 90 ટેંક અને MIG 29 અપગ્રેડ
- બ્રહ્મોસ સુપર સોનિક ક્રુઝ મિસાઈલ (ભારત-રશિયાનું સંયુક્ત સાહસ)
- એકે 203 અસોલ્ટ રાઈફલ (અમેઠીમાં ફેક્ટરી શરૂ કરાઈ)
- કામોવ KA 226 હેલિકોપ્ટર (ભારતમાં બનશે)
- નૌ સેના માટે સ્ટેલ્થ ફ્રિગેટ
હવે ભારતમાં બનશે ‘સુદર્શન ચક્ર’
2018ની 5 રેજિમેન્ટની મૂળ ડીલ બાદ હવે રશિયાએ એક એવી ઓફર આપી છે જે ગેમ-ચેન્જર છે. 50 ટકા ટેક્નોલોજી ટ્રાન્સફર – એટલે કે હવે S-400ની મુખ્ય 48N6 મિસાઇલનું પ્રોડક્શન ભારતમાં, ભારત ડાયનામિક્સ લિમિટેડ (BDL) દ્વારા થશે. જાળવણીનો અડધો સામાન પણ ભારતમાં બનશે, જેથી સ્પેરપાર્ટ્સ માટે હવે રાહ જોવી નહીં પડે. રશિયાની રોસ્ટેક કંપનીએ સમયસર ડિલિવરીનો વાયદો કર્યો છે.
ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને રડાવ્યું
મે 2025ના તણાવ વચ્ચે S-400ની શક્તિ દુનિયાએ જોઈ છે. આદમપુર (પંજાબ) ખાતે તૈનાત સિસ્ટમે 314 કિમી દૂર પાકિસ્તાની વિમાન તોડી પાડ્યું હતું. માત્ર 5 મિનિટમાં તૈયાર થઈ જતી આ સિસ્ટમે એકસાથે 300થી વધુ લક્ષ્યોને ટ્રેક કર્યા અને કુલ 7 પાકિસ્તાની વિમાન તોડી પાડ્યા હોવાની વાયુસેનાના વડાએ પુષ્ટિ કરી છે. ભારતીય વાયુસેના તેને ‘સુદર્શન ચક્ર’ કહે છે – જે ચીન અને પાકિસ્તાન સરહદ પરનો સૌથી મજબૂત કવચ છે.


