ગોધરાના મેસરી નદીના બ્રિજ નીચે ગંદકી અટકાવવા માટે મૂકવામાં આવેલું નગરપાલિકાનું દંડનીય કાર્યવાહીનું બોર્ડ કચરાના ઢગલામાં પડેલું મળી આવ્યું છે. આ ઘટના નગરપાલિકા દ્વારા ગંદકી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ગઈકાલની જાહેરાત બાદ સામે આવી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, પાલિકાએ મ્યુનિસિપલ એક્ટ હેઠળ દંડની જોગવાઈ દર્શાવતું આ બોર્ડ ગંદકી અટકાવવા માટે લગાવ્યું હતું. જોકે, આજે સવારે સ્થળ પર તપાસ કરતા, આ બોર્ડ કચરા અને એઠવાડ વચ્ચે પડેલું જોવા મળ્યું હતું.
ગઈકાલે જ પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં ‘વોચ’ રાખવામાં આવશે અને ગંદકી ફેલાવનારાઓ સામે કડક પગલાં લેવાશે. પરંતુ, આજે સ્થળ પર કોઈ ‘વોચ’ રાખનારું દેખાયું ન હતું, અને પાલિકાનું પોતાનું બોર્ડ જ કચરામાં રગદોળાયેલું મળ્યું હતું.પાલિકાનું સત્તાવાર બોર્ડ ઉખેડીને કચરામાં ફેંકી દેવાની આ ઘટના દર્શાવે છે કે ગંદકી ફેલાવનારા તત્વોને તંત્ર કે કાયદાનો કોઈ ડર રહ્યો નથી. જાગૃત નાગરિકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે જે તંત્ર પોતાના બોર્ડને સુરક્ષિત નથી રાખી શકતું, તે નદીને સ્વચ્છ કેવી રીતે રાખી શકશે.આ અંગે ગોધરા નગરપાલિકાના સેનેટરી વિભાગ જણાવે છે કે *મેસરી નદીના બ્રિજ નીચે કચરામાં પડેલું બોર્ડ પાલિકા દ્વારા પરત લઈ લેવામાં આવશે. ગંદકીના કાયમી ઉકેલ માટે આગામી રવિવારે બ્રિજથી લઈને કોઝવે સુધીના નદીના પટમાં રહેલો તમામ કચરો દૂર કરવા માટે ખાસ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવશે.* તેમણે ઉમેર્યું હતું કે, રાત્રે ઓફ્સિ બંધ હોય અને સ્ટાફ ન હોય ત્યારે આજુબાજુના હોટલ સંચાલકો અંધારાનો લાભ લઈ અહીં કચરો ઠાલવી જતા હોવાનું ધ્યાને આવ્યું છે.
https://sandesh.com/maru-saher-maru-gaam


