ગોંડલના બહુચર્ચિત રાજકુમાર જાટના શંકાસ્પદ મૃત્યુના કેસમાં હવે એક મોટો વળાંક આવ્યો છે. આ મામલે આરોપી ગણેશસિંહ જાડેજાનો નાર્કો ટેસ્ટ (Narco Test) કરવામાં આવશે. આ નિર્ણયને ગણેશસિંહ જાડેજાના સમર્થકોએ આવકાર્યો છે અને તેને સાચી હકીકત બહાર લાવવા માટેનું એક મહત્વનું પગલું ગણાવ્યું છે.
રાજકુમાર જાટના શંકાસ્પદ મૃત્યુના કેસ
સમર્થકોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, “અમે નાર્કો ટેસ્ટના આ નિર્ણયને આવકારીએ છીએ, કારણ કે ગણેશસિંહની આ કેસમાં કોઈ સંડોવણી નથી. નાર્કો ટેસ્ટ થવાથી સત્ય બહાર આવશે. જોકે, સમર્થકોએ સાથે જ એક મહત્વની માંગ પણ મૂકી છે. તેમણે કહ્યું છે કે, “આ કેસમાં અનેક રહસ્યો દબાયેલા છે. જો માત્ર ગણેશસિંહ જાડેજાનો નાર્કો ટેસ્ટ થાય તો તે પૂરતો નથી. રાજકુમાર જાટના મૃતકના પિતા રતનલાલ જાટનો પણ નાર્કો ટેસ્ટ થવો જોઈએ.”
ગણેશસિંહ જાડેજાનો થશે નાર્કો ટેસ્ટ
સમર્થકોના મતે, જો બંને પક્ષોનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે તો જ રાજકુમારના મૃત્યુ મામલે છુપાયેલી સાચી હકીકત અને રહસ્યો બહાર આવી શકે છે અને કેસની સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, રાજકુમાર જાટના મૃત્યુ મામલે ભારે રાજકીય અને સામાજિક ગરમાવો જોવા મળી રહ્યો છે. હવે નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ક્યારે અને કઈ રીતે હાથ ધરવામાં આવે છે અને તેના દ્વારા કેવા ખુલાસા થાય છે, તેના પર સમગ્ર ગોંડલ સહિત સૌરાષ્ટ્રની નજર ટકેલી છે.


