વોર્ડ નં.14 ના ઘેઘુર વૃક્ષોનું નિકંદન ન કાઢવાનો મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો
પ્રોજેક્ટ અને વિકાસના નામે વૃક્ષ છેદનની પ્રવૃત્તિ હરગીજ ચલાવી ન લેવાય : રાજયપાલ, મંત્રીને રજૂઆત
આંદોલનનો આજે ત્રીજો દિવસ
અગ્ર ગુજરાત, રાજકોટ
શિવશક્તિ યુથ ફેડરેશનના ચેરમેન પર્યાવરણ પ્રેમી પ્રવીણભાઈ લાખાણી (સિનિયર સિટીઝન), કમલેશભાઈ જોટંગીયાની સંયુક્ત યાદી મુજબ તાજેતરમાં રાજકોટ પધારેલા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરોડો રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે જેમાં શહેરના વોર્ડ નંબર 14 ના કોઠારીયા કોલોની અને વાણીયાવાડી 4 (જુનો પારડી માર્ગ) ની વચ્ચે આવેલા વોકળા ઉપર ફાયર સ્ટેશન અને કોમ્યુનિટી હોલ બનાવવાની હિલચાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રાથમિક ધોરણે શરૂ કરવામાં આવી છે. જે પગલે સ્થાનિક લતાવાસીઓમાં વાણીયાવણી અને કોઠારીયા કોલોનીમાં વિરોધની આંધી ફૂકાય છે. કારણ કે જે સ્થળે પ્રોજેક્ટ હાથ ધરાશે તે સ્થળે વોકળો છે અને ત્યાં વરસાદ પડે ત્યારે ડિવિઝન વર્કશોપ અને ગોંડલ રોડ બાજુથી છેક પાણી આવતું હોય છે અને પાણીનો ધસમસતો પ્રવાહ હોય છે. અને આગળ પારડી માર્ગ પર વોકળો બંધ થતાં માસ્તર સોસાયટીમાં શેરી ગલીઓમાં જાણે કે નદી વહેતી હોય તે પ્રકારે પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે. જે પગલે અહીંયા વોકળા ઉપર બે માળ ખડકી દેવામાં આવે તો સોસાયટી, વાણીયાવાડી, કોઠારીયા કોલોની સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ગંભીર બની શકે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલની સ્ટ્રોમ વોટર સિસ્ટમ નું બાળ મરણ થયું છે. અને ઠેર ઠેર શહેરમાં ગોઠણભેર પાણી સામાન્ય વરસાદમાં ભરાતા હોય છે.
રાજકોટના વર્તમાન પત્રોમાં આવેલ અહેવાલના પગલે વોર્ડ નંબર 14માં શિવ શક્તિ યુથ ફેડરેશન દ્વારા પ્રોજેક્ટ જ્યાં હાથ ધરવાનો છે ત્યાં મુલાકાત લેવામાં આવતા વોકળાની ઉપરના ભાગમાં અને વોકડાની નીચે અને આ ખુલ્લા પ્લોટ માં મસ મોટા કે ઘેઘુર વડલાઓ, પીપળા, કરંજ, બોરસલી સહિતના કુલ 75 નાના મોટા વૃક્ષો છે. જેમાના કેટલાક વૃક્ષોતો 40 વર્ષો કરતાં પણ વધારે જુના છે. જો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે તો આ વૃક્ષોનું છેદન કરવું પડે. એક બાજુ સરકાર પર્યાવરણ બચાવો અને પ્રદૂષણ હટાવો નુ અભિયાન ચાલી રહ્યું છે. મહાનગરપાલિકા દ્વારા લાખોનો વૃક્ષારોપણ નો ટાર્ગેટ અપાય છે ત્યારે વિકાસના નામે વૃક્ષ છેદનની પ્રવૃત્તિ હરગીજ ચલાવી ન લેવાય. એક પણ વૃક્ષ કપાશે તો જોયા જેવી થશે. અને વૃક્ષોને પૂરતી જાળવણી કરવા અને પ્રોજેક્ટ અન્ય જગ્યાએ ખસેડવા રાજ્યના રાજ્યપાલ, મુખ્યમંત્રી, વન મંત્રી, મેયર, મ્યુનિસિપલ કમિશનરને પ્રવીણભાઈ લાખાણી એ લેખિત રજૂઆત કરી છે.
કોઠારીયા કોલોની માં અને વાણીયા વાડીમાં આંદોલનકારી ભાઈ બહેનોને રૂબરૂ મળી જરૂર પડે અમો પર્યાવરણ પ્રેમીઓ આપની સાથે છીએ અને વૃક્ષ છેદનની પ્રવૃત્તિ અંગે લડતને સંપૂર્ણ ખુલ્લો ટેકો જાહેર કરેલ છે.


