શનિવારે ચીનના એક સૈન્ય વિમાને ઓકિનાવા નજીક જાપાનના લડાકૂ વિમાનો પર પોતાનું રડાર લોક કર્યું હતુ.જેને લઇને જાપાને આ ઘટના અંગે ચીન સામે વિરોધ નોંધાવ્યો છે. ચીની સૈન્ય વિમાન વિમાનવાહક પોત લિયાઓનિંગ પરથી ઉડાન ભર્યું હતું. આ ઘટના ત્યારે બની છે જ્યારે તાજેતરમાં જાપાનના વડા પ્રધાનના તાઇવાન અંગેના નિવેદન બાદ બંને દેશોના સંબંધો ખરાબ થયા છે.
બે વખત રડાર લોક કરવામાં આવ્યુ
જાપાનના રક્ષા મંત્રાલય મુજબ, ‘લિયાઓનિંગ’ પરથી ઉડાન ભરનાર J-15 લડાકૂ વિમાને શનિવારે બે વખત જાપાનના F-15 વિમાનો પર પોતાનું રડાર લોક કર્યું. પહેલી વખત બપોરે લગભગ ત્રણ મિનિટ માટે અને બીજી વખત સાંજે લગભગ 30 મિનિટ સુધી રડાર લોક કરવામાં આવ્યું. જોકે જાપાનના હવાઈ ક્ષેત્રનું કોઈ ઉલ્લંઘન થયું નથી અને ન જ કોઈ પ્રકારનું નુકસાન થયું છે.
બંને દેશો વચ્ચે તણાવ વધવાની શક્યતા
રક્ષામંત્રીએ આ ઘટનાને અંત્યત જોખમી ઘટના ગણાવી છે. તેમણે જણાવ્યું કે ચીનનું આ પગલું સુરક્ષિત સૈન્ય ઉડાન સંચાલનની સીમાથી બહાર છે. તેમણે કહ્યું કે જાપાને ચીન સામે કડક વિરોધ નોંધાવ્યો છે અને આવી ઘટનાઓ અટકાવવા માટે કડક પગલાં લેવાની માંગ કરી છે. આ ઘટનાના બાદ બંને દેશો વચ્ચે તણાવ વધુ વધી શકે છે. ચીને પહેલેથી જ જાપાનની વડા પ્રધાનના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી ચુક્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે જો ચીન તાઇવાન પર કોઈ પગલું ભરે તો જાપાન પણ તેમાં સામેલ થઈ શકે છે.અને હવે રડાર લોક કરવાને લઇને તણાવ વધવાની શક્યતા થઇ રહી છે.
આ પણ વાંચોઃ ભૂકંપના ભયંકર ઝટકાથી અલાસ્કા-કેનેડાની ધરતી ધ્રૂજી, એક બાદ એક 20 આફ્ટરશોકના આવ્યા ઝટકા


