આજના સમયમાં ક્રાઈમ બહુ વધી ગયા છે. દુનિયામાં એવું કોઈ દેશ અથવા શહેર નથી જ્યાં ક્રાઈમ રેટ બિલકુલ શૂન્ય હોય. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયામાં એક એવું ગામ છે જ્યાં છેલ્લા 700 વર્ષથી એકપણ ગુનો થયો નથી. સાથે-સાથે આ ગામ દુનિયાનું સૌથી સ્વચ્છ હિન્દુ ગામ તરીકે પણ જાણીતું છે.
દુનિયાનું સૌથી સ્વચ્છ હિન્દુ ગામ ભારતમાં નથી!
આ હિન્દુ ગામ ભારતમાં નથી . એશિયામાં એક નાનકડા પહાડી પર આ ગામ આવેલું છે. અહિંયા સ્વચ્છતા માત્ર સરકારી જવાબદારી નથી એ તો પેઢીઓથી ચાલતી આવતી આદત છે. આ ગામ છે ઈન્ડોનેશિયાના બાલીમાં આવેલું પેંગલીપુરાણ ગામ.
દુનિયાના સૌથી સ્વચ્છ ગામોમાં સ્થાન
આ ગામ દુનિયાના 3 સૌથી સ્વચ્છ ગામોમાં ગણાય છે. અહીં લગભગ દરેક ઘર હિન્દુ પરંપરાને સૌથી વધારે માન આપે છે. અહિંયા મોટા મંદિરો છે અને દરેક પરિવાર પાસે પોતાનું નાનું મંદિર પણ છે. ગામ લગભગ 700 વર્ષ જૂનું છે પણ આજ સુધી અહીં એક પણ ગુનો નોંધાયેલો નથી. એટલે આ ગામ અત્યંત શાંત અને સુરક્ષિત ગણાય છે.
પેંગલીપુરાણ ગામ એટલું સ્વચ્છ કેમ?
અહીંના લોકો સ્વચ્છતા માટે ખૂબ જ કડક છે. ગામમાં કેટલાક ખાસ નિયમો છે જેમ કે કચરો ક્યાંય ફેંકવાની મંજૂરી નથી.દારૂ પીવાનું સંપૂર્ણ પ્રતિબંધિત લગાવવામાં આવ્યો છે.જે લોકો ધુમ્રપાન કરે છે તેમના માટે ખાસ અલગ જગ્યાઓ રાખવામાં આવી છે. ગામમાં કોઈ પણ પ્રકારના વાહનને પ્રવેશવાની મંજૂરી નથી. લગભગ બધા ઘરો વાંસથી બનેલા છે, જેથી આખું ગામ પરંપરાગત અને સુંદર લાગે છે.
મહિલાઓની વિશેષ ભૂમિકા
દર મહિને ગામની મહિલાઓ ભેગી થઈને સમગ્ર કચરો એકઠો કરે છે. ઓર્ગેનિક કચરાથી ખાતર બનાવે છે અને પ્લાસ્ટિક જેવા કચરાને રિસાયકલ માટે મોકલે છે. એટલે ગામ હંમેશા ચોખ્ખું અને સુંદર રહે છે.
પેંગલીપુરાણ ગામે કેવી રીતે પહોંચવું?
આ ગામ ઈન્ડોનેશિયાનાં બાલીમાં બાંગલી જિલ્લામાં આવેલું છે. ડેનપાસરથી લગભગ 45 કિમી દૂર અને બાંગલી શહેરથી માત્ર 5 કિમી દૂર. ત્યાં પહોંચવા માટે ખાનગી કાર સૌથી સરળ રસ્તો છે. અથવા તમે ત્યાંના લોકલ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી શકો છો એટલે Grab અને Gojek જેવી એપ દ્વારા ટેક્સી બુક કરી શકો છો.
પ્રવાસીઓ માટે સમય અને શ્રેષ્ઠ સીઝન
ગામ આખું વર્ષ સવારે 8:15 થી સાંજે 6:30 સુધી ખુલ્લું રહે છે. મુલાકાત માટે શ્રેષ્ઠ સમય એપ્રિલ થી ઓક્ટોબર વચ્ચેનો છે, અથવા ગાલુંગન અને કુનિંગન જેવા સ્થાનિક તહેવારો દરમિયાન. જો કે અહીં હોમસ્ટે પણ મળે છે, જ્યાં તમે સ્થાનિક લોકોના ઘરે રહીને તેમની પરંપરાઓ, ભોજન અને સંસ્કૃતિને નજીકથી અનુભવી શકો છો.


