એક દિવસ રામકૃષ્ણ પરમહંસ પાસે એક વ્યક્તિ આવી. તે રામકૃષ્ણને પોતાના ગુરુ માનતી હતી. તેણે સોનામહોરો ભરેલી એક થેલી તેમની સામે ધરીને કહ્યું, `ગુરુદેવ, આ સોનામહોરો આપનાં ચરણોમાં સમર્પિત કરું છું.’
રામકૃષ્ણએ હળવા સ્મિત સાથે કહ્યું, `મારે તેની કોઈ જરૂર નથી. વળી તેને સાચવીને કોણ રાખે?’
તેમણે થોડીવાર વિચાર કર્યો અને કહ્યું, `તું આટલા પ્રેમથી લાવ્યો છું એટલે હું તેનો સ્વીકાર કરું છું, પરંતુ તું મારું એક કામ કર. આ સોનામહોરો ભરેલી થેલીને ગંગાજીમાં ફેંકી દે.’
આ સાંભળીને તે વ્યક્તિને ખૂબ જ આશ્ચર્ય થયું. તેને ગુરુની આ વાત ગળે ઊતરી નહીં. આ સોનામહોરો તેણે ખૂબ મહેનત કરીને ભેગી કરી હતી, પણ ગુરુજીને તે કંઈ કહી શક્યો નહીં. કચવાતા મને તે પાછો ન ફરતાં રામકૃષ્ણને ચિંતા થવા લાગી. તેમણે પોતાના શિષ્યોને કહ્યું, `જરા જુઓ તો, તે ક્યાં ચાલ્યો ગયો? એવું તો નથીને કે તે સોનામહોરોને ગંગાના કિનારે મૂકીને પોતે જ ડૂબી ગયો. ધન બચાવવા માટે મનુષ્ય પોતાને પણ મિટાવી દે છે.’
ગુરુની આજ્ઞા લઈને કેટલાક શિષ્યો ગંગા નદીના કિનારે પહોંચ્યા. તેમણે જોયું કે તે વ્યક્તિ એક-એક સોનામહોરોને ગણીગણીને નદીમાં ફેંકી રહ્યો છે. તેને જોઈને ઘણી ભીડ એકઠી થઈ ગઈ હતી.
રામકૃષ્ણના શિષ્યોએ તેને કહ્યું, `ગુરુજી તમને બોલાવે છે. જલદી ચાલો.’
શિષ્યોની સાથે તે વ્યક્તિ સોનામહોરો ભરેલી થેલી લઈને રામકૃષ્ણ પાસે પહોંચી. તેમણે કહ્યું, `ધન એકત્રિત કરતી વખતે તેને ગણવામાં આવે છે, પરંતુ ફેંકતી વખતે શા માટે ગણવું? ફેંકવાનું જ છે તો એક જ વારમાં થેલી ફેંકી દેવી હતી. તારો સોનામહોરો પ્રત્યેનો મોહ અંત સુધી નહોતો જઈ રહ્યો, જ્યારે તેં તો મને એ સોનામહોરો આપી દીધી હતી, તેથી તે તારી તો નહોતી જ. જેને રાખવાનું જ નથી તેને ખોઈ બેસવું જ યોગ્ય છે. પરમાત્મા સાથે સાક્ષાત્કાર ત્યારે જ શક્ય છે જ્યારે બધા જ અવરોધો દૂર થઈ જાય.’
રામકૃષ્ણની વાતનો તે વ્યક્તિના મન પર ખૂબ પ્રભાવ પડ્યો અને તરત જ તેણે તે આખીયે થેલી ગંગાજીમાં નાખી દીધી. તેને હવે સોનામહોરોનો લેશમાત્ર પણ મોહ નહોતો રહ્યો. – કિરણ પટેલ
આવીજ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


