ચીનમાં સરોગસીથી બાળકો પેદા કરી શકાતા નથી એટલે ઉદ્યોગપતિ શૂ બો એ અમેરિકામાં 100 બાળકોને જન્મ અપાવ્યો. શૂ બો એ કહ્યું કે, તેને પોતાનો બિઝનેસ ભવિષ્યમાં સંભાળી શકે એ માટે હોનહાર સંતાનો જોઇએ છે. શૂ ની પ્રેમિકાએ તો શૂ ને હજુ વધુ બાળકોની ઇચ્છા હોવાનું કહ્યું છે. દુનિયા ધનવાન શૂ ને ક્રેઝી કહે છે. આવા ધંધા થોડા કરાય!
48 વર્ષનો શૂ બો અમેરિકામાં રહે છે
અમેરિકામાં શૂ બો નામનો ચાઇનીઝ બિઝનેસમેન સરોગસીની મદદથી 100 બાળકોનો પિતા બન્યો હોવાની ઘટનાએ આખી દુનિયામાં ચકચાર જગાવી છે. શૂ બો હજુ વધુ બાળકો માટે પણ પ્રયાસ કરી રહ્યો છે. 48 વર્ષનો શૂ બો અમેરિકામાં રહે છે અને ચીનની ગેમિંગ ડુઓયી નેટવર્કના માલિક છે. શૂ બો અત્યાર સુધી તો લો પ્રોફાઇલ રહેતા હતા પણ હવે એ અમેરિકા, ચીન સહિત આખી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યા છે. અમેરિકન મીડિયા એવા અહેવાલો આપી રહ્યું છે કે, માત્ર શૂ બો જ નહીં, બીજા ચાઇનીઝ બિઝનેસમેનો પણ વધુ બાળકો પેદા કરી રહ્યા છે. અમેરિકામાં મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. ચીનમાં સરોગસી પર પ્રતિબંધ છે. ચીનમાં પોતાનું ધાર્યું થતું નથી એટલે ચીનીઓ અમેરિકામાં બાળકો પેદા કરી રહ્યા છે. અમેરિકાના એક અહેવાલમાં એવું બહાર આવ્યું છે કે, 2014થી 2021 દરમિયાન અમેરિકામાં સરોગસીથી જન્મતા બાળકોના પ્રમાણમાં ચાર ગણો વધારો થયો છે. તેમાં ચીનના લોકોનો હિસ્સો સૌથી વધુ 42 ટકા છે. અમેરિકામાં સરોગસી માટે રીતસરની એજન્સીઓ કામ કરી રહી છે. સરોગસીથી બાળક મેળવવા ઇચ્છતા લોકો માટે આવી એજન્સીઓ ફર્ટિલિટી ક્લિનિક, બ્રોકર્સ, લો ફર્મ સહિત જરૂરી તમામ સુવિધાઓ કરી આપે છે. એટલું જ નહીં, બાળકોની સંભાળ માટે નેનીની વ્યવસ્થા પણ આ એજન્સીઓ કરી આપે છે. કાયદાનો સહારો લઇને આ બાળકોને અમેરિકન સિટીઝનશીપ આપવામાં આવે છે. બાળકો થોડાક મોટા થાય એટલે એને ચીન મોકલી દેવામાં આવતા હોવાની વાતો પણ થઇ રહી છે.
શું છે 100 બાળકોના પિતા શૂ બો નો ઇરાદો?
સૌથી મોટો સવાલ એ છે કે, આખરે શૂ બો ને 100 બાળકો જોઇએ છે શા માટે? શૂ બો કહે છે કે, તેને ભવિષ્યમાં પોતાનો બિઝનેસ અનેકગણો વિસ્તારવો છે. પોતાના બાળકો જ બિઝનેસ સંભાળે એવી તેની ઇચ્છા છે. શૂ બો એ પોતાના બાળકો માટે એક મોટું મકાન ભાડે રાખ્યું છે. આ મકાનમાં નેનીઓ અને બીજા માણસોને રોકી બાળકોનો ઉછેર કરવામાં આવે છે. શૂ બો ની એક ભૂતપૂર્વ પ્રેમિકા તાંગ જિંગે એવો દાવો કર્યો છે કે, શૂ બો 100 નહીં પણ તેનાથી વધારે બાળકોનો પિતા છે. શૂ બો નો ઇરાદો તો 300 બાળકોના પિતા બનવાનો છે. તાંગ જિંગે કહ્યું કે, મેં જ શૂ ના 11 બાળકોની સંભાળ લીધી હતી. શૂ બો અને તાંગ જિંગ વચ્ચે અત્યારે બે બાળાઓની કસ્ટડી માટે કોર્ટ કેસ પણ ચાલી રહ્યો છે. વર્ષ 2022માં એક વીડિયો વાઇરલ થયો હતો. એક મોટા ઘરમાં કેટલાંયે બાળકો ઊભા હતા. જેમ જેમ કેમેરો ફર્યો એમ એમ એ બાળકો ડેડી કહીને દોડતા હતા. આ વીડિયો શૂ બો ના ઘરનો હોવાનું કહેવામાં આવે છે.
જૂ બો પોતાની સરખામણી એલન મસ્ક સાથે કરે છે!
જૂ બો કહે છે કે, એલન મસ્કે મને 100 બાળકોના પિતા બનવાની પ્રેરણા આપી છે. એલન મસ્ક અગિયાર બાળકોનો પિતા છે. જૂ બો એ તો ત્યાં સુધીની વાત કરી કે, હું એવું ઇચ્છું છું કે મારા બાળકો મોટા થઇને એલન મસ્કના સંતાનો સાથે પ્રેમમાં પડે અને મેરેજ કરે. શૂ બો એ અમેરિકાના કેલિફોર્નિયાની અદાલતમાં અપીલ કરીને આ બાળકોના મા-બાપનો દરજ્જો પણ માંગ્યો છે. શૂ બો એ વર્ષ 2023માં એવું કહ્યું હતું કે, તે પચાસ હાઇ ક્વોલિટી દીકરાઓ ઇચ્છે છે, જે તેનો બિઝનેસ સંભાળે. તેણે એમ પણ કહ્યું હતું કે, દીકરાઓ દીકરીઓ કરતા બહેતર હોય છે. તેની આ વાતની બહુ ટીકા પણ થઇ હતી. શૂ બો પોતાનું સામ્રાજ્ય ખડું કરવા ઇચ્છે છે. શૂ બો ની માનસિકતા જોઇને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, શૂ બો 100 બાળકોની જિંદગી સાથે રમત રમે છે. અત્યારે તો ઠીક છે કે, તેની પાસે સંપત્તિની કોઇ કમી નથી પણ ભવિષ્યમાં શું થાય એ કોઇ કહી શકે એમ નથી. ખુદ શૂ બો એ કહ્યું છે કે, તે બિઝી રહેતા હોવાથી બાળકોને મળવા જઇ શકતા નથી. તેના વિશે પણ એવું કહેવાઇ રહ્યું છે કે, એ 100 બાળકોને નથી માતાનો પ્રેમ મળ્યો કે નથી પિતાનો પ્રેમ. શૂ બો એ પોતાના બિઝનેસના ભાગ રૂપે જ એ બધાને જન્મ આપ્યો છે. બાળકો પેદા કરવા પાછળ શૂ બો ની દાનત જ સારી નથી. એવું પણ શક્ય છે કે, મોટા થઇને આ બાળકો જ શૂ બો સામે મોરચો માંડે કે, અમને આવી જિંદગી આપવાનો અધિકાર તમને કોણે આપ્યો?
અમેરિકામાં આ મુદ્દે કાનૂની ચર્ચાઓ પણ ચાલુ થઇ છે
આ રીતે બાળકોને જન્મ આપવા દેવો વાજબી છે? સરોગસીથી પણ બાળકોને જન્મ આપવાની કોઇ મર્યાદા તો હોવી જોઇએ કે નહીં? બાળકો કંઇ તમારી ગેરવાજબી ઇચ્છાઓ પૂરી કરવાનું સાધન નથી. કેટલાંક લોકો સરોગસીના કાયદાનો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે. સરોગસી વિશે પણ એવું કહેવાઇ રહ્યું છે કે, મહિલાઓ કંઇ બાળકો પેદા કરવાનું મશીન નથી. સરોગસીના નામે અમેરિકામાં જે ચાલી રહ્યું છે એના પર ફરીથી વિચાર થવો જોઇએ. શૂ બો નો મામલો અમેરિકામાં તૂલ પકડી રહ્યો છે. આ વિવાદ કાયદાઓ બદલાવવા સુધી પહોંચે એવી શક્યતાઓ પણ વર્તાઇ રહી છે. અત્યારે તો એની તપાસ ચાલી રહી છે કે, સરોગસીથી કોણે કેટલા બાળકો કર્યા છે અને તેમના ઇરાદા શું છે? વાત હજુ વધુ વકરવાની છે!
ચીનમાં એક જ બાળકને જન્મ આપવાનો કાયદો હતો, તેના કારણે સ્થિતિ બગડી છે
ચીનની સરકારે પોતાના દેશમાં વસતિ નિયંત્રણ કરવા માટે વર્ષ 1979માં એક જ બાળકને જન્મ આપવાનો કાયદો બનાવ્યો હતો. કોઇ કપલ એક કરતા વધુ બાળકને જન્મ આપે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થતી. એક બાળકના કાયદાએ ઘણી સમસ્યાઓ સર્જી. એક બાળકમાં દીકરો જ હોય એના માટે ચીનની છોકરીઓ ગર્ભ પરીક્ષણ કરીને દીકરાને જ જન્મ આપતી હતી. તેના કારણે ચીનમાં છોકરીઓનું પ્રમાણ ઘટી ગયું. બીજું, યુવાનોની સરખામણીમાં વૃદ્ધોની સંખ્યા વધવા લાગી. એક બાળકનો કાયદો ચીનમાં 35 વર્ષ લાગુ રહ્યો. 2016માં સરકારે આ કાયદો બદલાવીને વધુ બાળકોને જન્મ આપવાની છૂટ આપી. ત્યાં સુધીમાં લોકોની માનસિકતા એક જ બાળકની થઇ ગઇ હતી. ચીનમાં વર્ષ 2001થી સરોગસી પર પણ પ્રતિબંધ છે. જે ચીનીઓ ખમતીધર છે એ અમેરિકા અને બીજા દેશમાં જઇ બાળકોને પેદા કરી રહ્યા છે!


