ગુરુવારે તાઇવાનના હુઆલિયન શહેરથી અંદાજે 18 કિલોમીટર દૂર 5.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આંચકાઓ તીવ્ર હતા, જોકે તાત્કાલિક મોટા નુકસાનના અહેવાલ મળ્યા નથી. આ સાથે અફઘાનિસ્તાન અને ભારતના મણિપુર રાજ્યમાં પણ ધરતી કંપનની અસર નોંધાઈ હતી.
22 કિમી ઊંડાઈએ 4.0ની તીવ્રતાનો ભૂકં
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ગઈકાલે મોડી રાત્રે અફઘાનિસ્તાનમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર માત્ર 10 કિલોમીટર ઊંડાઈએ હોવાથી આફ્ટરશોક્સની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અફઘાનિસ્તાનમાં અગાઉ 15 ડિસેમ્બરે પણ 22 કિમી ઊંડાઈએ 4.0ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.
અત્યંત સક્રિય ભૂકંપીય ઝોન
રેડ ક્રોસ અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ મુજબ, અફઘાનિસ્તાન ખાસ કરીને હિંદુકુશ વિસ્તારમાં અત્યંત સક્રિય ભૂકંપીય ઝોનમાં આવેલું છે. 4 નવેમ્બરે ઉત્તર અફઘાનિસ્તાનમાં આવેલા 6.3ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપમાં ઓછામાં ઓછા 27 લોકોના મોત થયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા. આ ભૂકંપ છીછરી ઊંડાઈએ આવ્યો હોવાથી તેની અસર વધુ ગંભીર રહી હતી. દેશ ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટોના અથડામણ ક્ષેત્રમાં આવતો હોવાથી ભૂકંપ માટે સંવેદનશીલ ગણાય છે.
ભારતમાં પણ આંચકા
ભારતમાં પણ આંચકાની અસર જોવા મળી. NCS મુજબ, મણિપુરના ઉખરુલ જિલ્લામાં 2.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ ભારતીય સમય મુજબ સવારે 2:58 વાગ્યે આવ્યો હતો અને તેની ઊંડાઈ અંદાજે 35 કિલોમીટર હતી. કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ સિવાય, મ્યાનમારમાં 4.4ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જેનું કેન્દ્ર લગભગ 100 કિમી ઊંડાઈએ હતું. તિબેટમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ 90 કિમી ઊંડાઈએ આવ્યો હતો. ભારતમાં લદ્દાખના લેહ વિસ્તારમાં પણ 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો, જેનું કેન્દ્ર આશરે 10 કિમી ઊંડાઈએ હતું.


