બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય અને સામાજિક તણાવ વધતો જઈ રહ્યો છે. આવા માહોલ વચ્ચે કટ્ટરવાદની એક વધુ ભયાનક ઘટના સામે આવી છે. મૈમનસિંઘ જિલ્લાના ભાલુકા ઉપજિલ્લાના દુબાલિયા પરા વિસ્તારમાં એક ટોળાએ હિન્દુ યુવકની નિર્દયતાથી હત્યા કરી હોવાનો આરોપ છે.
મૃતકની ઓળખ અને ક્યાંનો છે?
મૃતકની ઓળખ દીપુ ચંદ્ર દાસ તરીકે થઈ છે. દીપુ એક કાપડના કારખાનામાં કામ કરતો હતો અને ભાડાના મકાનમાં રહેતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ગુરુવારે રાત્રે લગભગ 9 વાગ્યે સ્થાનિક લોકોના એક જૂથે તેના પર હુમલો કર્યો હતો. ટોળાએ તેના પર પયગંબર મુહમ્મદ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો હતો.
આરોપ શું છે ?
આરોપ છે કે પહેલા દીપુ ચંદ્ર દાસને બેરહેમીથી માર મારવામાં આવ્યો, જેના કારણે તેનું મોત થયું. ત્યારબાદ ટોળાએ તેના મૃતદેહને ઝાડ સાથે બાંધી દીધો અને આગ લગાવી દીધી. ઘટના અંગે જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, પરિસ્થિતિને કાબૂમાં લીધી અને મૃતદેહનો કબજો લીધો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મૈમનસિંહ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે હાલ સુધી આ મામલે કોઈ ઔપચારિક FIR નોંધાઈ નથી. અધિકારીઓ મૃતકના પરિવારજનોને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ફરિયાદ મળ્યા બાદ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું છે.
એક બાજુ હિંસક વિરોધ
આ ઘટના એવા સમયે બની છે જ્યારે બાંગ્લાદેશના અનેક ભાગોમાં હસીના વિરોધી નેતા શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ બાદ વ્યાપક હિંસક વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. આ દરમિયાન અખબારની ઓફિસો, આવામી લીગના નેતાઓના ઘરો તેમજ ઐતિહાસિક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હોવાના અહેવાલો છે. ઢાકા અને ચિત્તાગોંગમાં ભારત વિરોધી સૂત્રોચ્ચાર થયા હતા અને ભારતીય રાજદ્વારી પરિસર પર પથ્થરમારાની ઘટનાઓ પણ સામે આવી છે.
ગુનેગારોને ટૂંક સમયમાં સજા
બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે રાષ્ટ્રને સંબોધન કરતાં જણાવ્યું હતું કે શરીફ ઉસ્માન હાદીની હત્યામાં સામેલ ગુનેગારોને ટૂંક સમયમાં સજા આપવામાં આવશે. સાથે જ હિંસા અને તોફાનમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી હતી. હાલમાં, દીપુ ચંદ્ર દાસની હત્યાની ઘટના માત્ર એક વ્યક્તિની હત્યા નથી, પરંતુ તે બાંગ્લાદેશમાં વધી રહેલા ધાર્મિક તણાવ, કટ્ટરવાદ અને અલ્પસંખ્યકોની સુરક્ષા અંગે ગંભીર ચેતવણીરૂપ બની છે.
આ પણ વાંચો : Bangladeshમાં શરીફ ઉસ્માન હાદીના મોત બાદ હિંસા ફાટી નીકળી, જાણો કોણ હતા આ યુવા નેતા


