આજના યુગમાં મોટાભાગના લોકો બે પ્રકારનું જીવન જીવે છે. એક વાસ્તવિક જીવન અને બીજું સોશિયલ મીડિયા પર દેખાતું જીવન. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર સફળતા અને ખુશીના દ્રશ્યો જોવા મળે છે, પરંતુ તેની પાછળ ઘણા લોકો એકલતા, નિરાશા અને પીડા સહન કરતા હોય છે. સોશિયલ મીડિયા પર હાલ અત્યારે એક યુવતીનો વીડિયો વાયરલ થઇ રહેલો છે જેમાં આ જ વાર્તાની હકીકતને સામે લાવે છે.
સાચો જીવનસાથી શોધવો બની ગયો છે એક સંઘર્ષ
આજના સમયમાં સાચો અને સમજદાર જીવનસાથી શોધવો એક જંગ સમાન બની ગયો છે. ભારતમાં જ્યાં ઉંમર વધતા જ લગ્નનો દબાણ વધી જાય છે, ત્યાં વિદેશમાં રહેતા લોકો માટે આ સફર વધુ એકલતાભરી બની જાય છે. ડેટિંગ એપ્સ, ટૂંકા સંબંધો અને ભાવનાત્મક અસુરક્ષાએ ઘણા લોકોને એટલા થકાવી દીધા છે કે સિંગલ રહેવું વધુ સુરક્ષિત લાગવા લાગે છે.
15 વર્ષથી સિંગલ: ‘ક્યારેય કોઈએ કહ્યું નથી કે તે મને પ્રેમ કરે છે’
બ્રિસ્બેન UKમાં રહેતી બેકી એક પ્રોજેક્ટ મેનેજર છે. તેણે પોતાના વીડિયોમાં કહ્યું કે તે છેલ્લા 15 વર્ષથી સિંગલ છે. તેના જીવનમાં ક્યારેય કોઈ પુરુષે તેને “હું તને પ્રેમ કરું છું” એવું કહ્યું નથી. બેકી સ્વીકારે છે કે જો ક્યારેય પ્રેમ મળે તો કદાચ તે તેને ઓળખી પણ ન શકે. તેણે ડેટિંગને એક નોકરીના ઇન્ટરવ્યૂ સાથે સરખાવ્યું, એવું ઇન્ટરવ્યૂ જેના માટે તેણે ક્યારેય અરજી જ નથી કરી, છતાં વારંવાર અસ્વીકાર સહન કરવો પડ્યો છે.
ગંભીર બીમારી અને આત્મવિશ્વાસ પર પડેલો પ્રભાવ
બેકીની વાર્તા ત્યારે વધુ ભાવનાત્મક બની જાય છે જ્યારે તે ખુલાસો કરે છે કે અઢી વર્ષ પહેલાં તેને મલ્ટીપલ સ્ક્લેરોસિસ (MS) નામની ગંભીર ન્યુરોલોજીકલ બીમારીનું નિદાન થયું હતું. આ રોગે માત્ર તેના સ્વાસ્થ્યને જ નહીં, પરંતુ તેના આત્મવિશ્વાસ અને સંબંધોને લઈનેના દૃષ્ટિકોણને પણ અસર કરી છે. બેકી કહે છે કે નવા લોકોને મળતી વખતે તેને ડર લાગે છે, કે લોકો પહેલા તેની બીમારીને જોશે, તેને એક વ્યક્તિ તરીકે નહીં. આ ડર તેને ડેટિંગથી વધુ દૂર લઈ ગયો છે.
લાખો લોકોની લાગણી બની બેકીની વાર્તા
બેકીની પ્રામાણિકતા અને સચ્ચાઈએ લાખો લોકોના દિલને સ્પર્શ્યું. હજારો લોકોએ તેના વીડિયોમાં કમેન્ટ કરી અને પોતાની એકલતાની વાર્તાઓ શેર કરી. કોઈએ લખ્યું કે તે દાયકાઓથી સિંગલ છે અને ડરે છે કે આગળના વર્ષો પણ આવા જ રહેશે. તો ઘણા લોકોએ બેકીને આશ્વાસન આપ્યું કે પ્રેમ માટે કોઈ સમયમર્યાદા નથી.
પ્રેમ અંગે બદલાતી વિચારધારા
એકલતા હોવા છતાં, બેકી કહે છે કે તે પોતાના ભાઈ અને તેની ગર્લફ્રેન્ડના સંબંધને જોઈને ખુશ થાય છે. તે પણ એક દિવસ એક સારા સંબંધ બનાવવાની ઈચ્છા રાખે છે. સમય સાથે તેનો પ્રેમ પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાયો છે. બેકી કહે છે, “હું પહેલાં સંબંધોને ખૂબ રોમેન્ટિક રીતે જોતી હતી, હવે હું તેને વાસ્તવિકતાથી જોવું છું. એકલા સૂવાનું ક્યારેક સારું લાગે છે, પરંતુ દરરોજ સવારે એકલા જાગવું એટલું જ દુઃખ આપે છે.” બેકીએ સમાજ પર પણ પ્રશ્ન ઉઠાવ્યો છે કે લગ્ન, ઘર અને પછી બાળકોની એક નક્કી કરેલી સ્ક્રિપ્ટને અનુસરવાનો દબાણ ઘણા લોકો માટે અયોગ્ય અને અન્યાયી છે.


