યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ મોટો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે ગયા એક અઠવાડિયામાં રશિયાએ યુક્રેન પર લગભગ 1300 ડ્રોન એટેક, આશરે 1200 ગાઇડેડ એરિયલ બોમ્બ અને નવ મિસાઇલ છોડી છે. આ હુમલાની સૌથી વધુ અસર દેશના દક્ષિણ વિસ્તારો અને ઓડેસા વિસ્તારમાં જોવા મળ્યો છે. ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ એટલે કે ટ્વીટર પર પોસ્ટ કરીને કહ્યું કે રશિયાની સતત બોમ્બમારો અને ડ્રોન હુમલાઓથી સામાન્ય નાગરિકોના જીવન પર અસર પડી છે, પરંતુ યુક્રેનની ઇમરજન્સી સેવાઓ પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે સતત કામ કરી રહી છે.
ઓડેસામાં ભારે વિનાશ, અનેક લોકોના મોત
યુક્રેનિયન અધિકારીઓના જણાવ્યા મુજબ, શુક્રવાર રાત્રે ઓડેસા વિસ્તારમાં થયેલા રશિયન હુમલામાં આઠ લોકોનાં મોત થયા છે, જ્યારે 27 લોકો ઘાયલ થયા છે. ઇમરજન્સી સેવાઓએ જણાવ્યું કે એક બંદર વિસ્તારને મિસાઇલથી નિશાન બનાવવામાં આવ્યો હતો, જેના કારણે વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે.
યુક્રેનને આંતરરાષ્ટ્રીય સમર્થન
રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ જણાવ્યું કે યુક્રેનને આંતરરાષ્ટ્રીય સ્તરે સતત સમર્થન મળી રહ્યું છે. યુરોપિયન કાઉન્સિલે વર્ષ 2026-27 માટે 90 અબજ યુરોની નાણાકીય સહાય મંજૂર કરી છે. આ ઉપરાંત નોર્વે અને જાપાને પણ સહાય પેકેજ આપવાની જાહેરાત કરી છે. સાથે જ, પોર્ટુગલ સાથે સમુદ્રી ડ્રોનના સંયુક્ત ઉત્પાદન અંગે કરાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ આ દેશમાં જો લાલ લિપસ્ટિક લગાવશો તો થઈ જશે જેલ, કાયદો છે ખૂબ જ કડક!


