મેકસિકોની નેવીનું એક વિમાન ગેલ્વેસ્ટન નજીક અચાનક ક્રેશ થયું છે. વિમાનમાં એક બીમાર યુવક સહિત અન્ય સાત લોકો હાજર હતા. આ વિમાન દુર્ઘટનામાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે. જ્યારે ટેક્સાસ કિનારે પાણીમાં બાકી લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.
અકસ્માતનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી
પ્લેનમાં ચાર નૌસેનાના અધિકારીઓ પણ હાજર હતા. આ ઉપરાંત એક બાળક સહિત ચાર સામાન્ય નાગરિકો પણ વિમાનમાં હતા. મેકસિકોની નેવીએ નિવેદન જાહેર કરીને જણાવ્યું કે આ અકસ્માતમાં કોણે જીવ ગુમાવ્યો છે, તે સ્પષ્ટ રીતે જણાવવું હાલ મુશ્કેલ છે. અમેરિકન કોસ્ટ ગાર્ડે વિમાન ક્રેશમાં પાંચ લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે. જોકે, આ અકસ્માતનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
મેડિકલ મિશન પર હતું વિમાન
આ પ્લેન ક્રેશ ગેલ્વેસ્ટન નજીક સોમવાર બપોરે થયો હતો. મેકસિકોની નેવીએ જણાવ્યું કે વિમાન મેડિકલ મિશન પર હતું અને એક બીમાર યુવકને હોસ્પિટલ લઈ જઈ રહ્યું હતું. ઘટનાની માહિતી મળતાં જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ગેલ્વેસ્ટનના શેરીફ ઓફિસ અનુસાર, અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે વધુ માહિતી મળતાં જ જાહેર કરવામાં આવશે.
અકસ્માતનું કારણ ખરાબ હવામાન ?
ઉલ્લેખનીય છે કે ગેલ્વેસ્ટન એક આઇલેન્ડ છે, જે તેના સુંદર સમુદ્રી બીચ માટે જાણીતું છે. છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં ધુમ્મસ છવાયેલો છે. જોકે, હજુ સુધી સ્પષ્ટ નથી કે વિમાન ક્રેશનું કારણ ખરાબ હવામાન હતું કે નહીં. મેકસિકોની નેવી આ બાબતે તપાસમાં લાગી ગઈ છે.
આ પણ વાંચોઃ US: ત્રીજા વિશ્વયુદ્ધની તૈયારી! અમેરિકા બનાવવા જઇ રહ્યુ છે ઇતિહાસનું સૌથી યુદ્ધ જહાજ…


