વિડીયો ગેમ્સની દુનિયામાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. લાખો ગેમર્સના પ્રિય ગેમ ડેવલપર વિન્સ ઝામ્પેલા 55 વર્ષની વયે એક દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓ દક્ષિણ કેલિફોર્નિયાના એન્જલસ ક્રેસ્ટ હાઈવે પર પોતાની ફેરારી કારમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. કાર અચાનક નિયંત્રણ ગુમાવી રોડ પરથી લપસી ગઈ અને કોંક્રિટ બેરિયર સાથે અથડાઈ હતી, જેના કારણે કારમાં ભયાનક આગ લાગી ગઈ હતી.
અકસ્માત ક્યારે સર્જાયો ?
અકસ્માત સમયે કારમાં બે લોકો સવાર હતા. ઘટના એટલી ગંભીર હતી કે વિન્સ ઝામ્પેલાનું સ્થળ પર જ મોત થયું હતું. કારમાં હાજર બીજા મુસાફરને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું પણ અવસાન થયું હતું. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે, જોકે અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. ઝડપ, યાંત્રિક ખામી અથવા અન્ય કોઈ કારણ જવાબદાર હતું કે કેમ તે અંગે તપાસ ચાલુ છે.
ઉદ્યોગને એક નવી દિશા આપી
આ દુઃખદ ઘટનાના પગલે ઇલેક્ટ્રોનિક આર્ટ્સ (EA) તરફથી એક સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવે છે. નિવેદનમાં વિન્સ ઝામ્પેલાને ગેમિંગ ઉદ્યોગના એક સારા ગેમ ડવલોપર તરીકે યાદ કરવામાં આવ્યા છે. કંપનીએ જણાવ્યું કે વિન્સે બનાવેલી રમતો માત્ર મનોરંજન પૂરતી જ નહોતી, પરંતુ તેણે ગેમિંગ પ્રત્યે લોકોની દૃષ્ટિ બદલી નાખી અને ઉદ્યોગને એક નવી દિશા આપી.
ગેમિંગ ઉદ્યોગમાં એક આઇકોનિક વ્યક્તિત્વ
વિન્સ ઝામ્પેલાનું નામ ખાસ કરીને સીમાચિહ્નરૂપ Call of Duty ગેમ સાથે જોડાયેલું છે, જેના વિશ્વભરમાં 500 મિલિયનથી વધુ નકલો વેચાઈ હોવાનું કહેવાય છે. બાદમાં તેમણે રેસ્પોન એન્ટરટેઈનમેન્ટની સ્થાપના કરી અને સ્ટાર વોર્સ: જેડી: ફોલન ઓર્ડર તથા જેડી: સર્વાઈવર જેવી સફળ ગેમ બનાવી છે. તેમની રચનાત્મકતા અને નવીન વિચારોને કારણે તેઓ ગેમિંગ ઉદ્યોગમાં એક આઇકોનિક વ્યક્તિત્વ બની ગયા હતા.
સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો
વિન્સ ઝામ્પેલાના નિધન બાદ ગેમિંગ ઉદ્યોગની અનેક જાણીતી હસ્તીઓ અને લાખો ફેન્સએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે. ઘણા લોકોનું કહેવું છે કે વિન્સ માત્ર એક ગેમ ડેવલપર જ નહોતા, પરંતુ તેમણે આવનારી પેઢીઓ માટે ગેમિંગનો ચહેરો બદલી નાખ્યો હતો. તેમનું અવસાન વિડીયો ગેમ જગત માટે એક ન ભરવાપાત્ર નુકસાન તરીકે જોવામાં આવી રહ્યું છે.
Call of Duty ગેમમાં શું છે?
Call of Duty એક ફર્સ્ટ-પર્સન શૂટર પ્રકારની વિડીયો ગેમ છે, જેમાં ખેલાડી સૈનિકના દૃષ્ટિકોણથી યુદ્ધમાં ભાગ લે છે. ગન ફાઈટ, મિશન અને ઝડપી એક્શનથી ભરપૂર આ ગેમ વિશ્વયુદ્ધ, આધુનિક યુદ્ધ અને ભવિષ્યની લડાઈઓનું ચિત્રણ કરે છે. ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે રમાઈ શકે તેવી આ ગેમમાં મલ્ટિપ્લેયર મોડ પણ છે, જેમાં વિશ્વભરના ખેલાડીઓ એકબીજા સામે સ્પર્ધા કરે છે. આ ગેમની સફળતામાં વિન્સ ઝામ્પેલાના દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વનો મોટો ફાળો રહ્યો છે.


