વિરાટ કોહલી હાલમાં ભારતમાં છે, વિજય હજારે ટ્રોફીમાં દિલ્હી તરફથી રમી રહ્યો છે. દિલ્હી અને આંધ્રપ્રદેશ વચ્ચેની મેચ 24 ડિસેમ્બરે બેંગલુરુમાં રમાઈ રહી છે. આ મેચમાં વિરાટે 1 રન બનાવતાની સાથે જ ઈતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવી દીધું. વિરાટ કોહલી હવે સચિન તેંડુલકરની પાછળ લિસ્ટ A ક્રિકેટમાં બીજા નંબરે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે.
વિરાટ કોહલીની ઐતિહાસિક સિદ્ધિ
આંધ્રપ્રદેશ સામે માત્ર 1 રન બનાવીને વિરાટ કોહલી લિસ્ટ A ક્રિકેટમાં 16,000 રન બનાવનાર બીજો ભારતીય બેટ્સમેન બન્યો. સચિન તેંડુલકરે આ પહેલા લિસ્ટ A ક્રિકેટમાં 16,000 રનનો આંકડો પાર કર્યો હતો. સચિને લિસ્ટ A ક્રિકેટમાં 21,999 રન બનાવ્યા છે. આ સાથે વિરાટ કોહલી હવે 16,000 રન સાથે બીજા સ્થાને પહોંચી ગયો છે.
આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે. તેને 26 બોલમાં 37 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા છે. પહેલા બેટિંગ કરતા આંધ્રપ્રદેશે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 298 રન બનાવ્યા. ટીમ તરફથી રિકી ભુઈએ 105 બોલમાં 122 રનની ઈનિંગ રમી.
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની ટીમે 11 ઓવરમાં 1 વિકેટે 111 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીની સાથે પ્રિયાંશ આર્ય 38 બોલમાં 72 રન બનાવીને ઈનિંગની આગેવાની કરી રહ્યા હતા.
રોહિત શર્માએ ફટકારી સદી
આ દરમિયાન રોહિત શર્મા પણ વિજય હજારે ટ્રોફીમાં મુંબઈ તરફથી રમી રહ્યો છે. તેને 62 બોલમાં સદી ફટકારી છે. રોહિતે અત્યાર સુધીમાં 8 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા છે.
આ પણ વાંચો: Shubman Gillને લઈને છલકાયું દિગ્ગજ ખેલાડીનું દુ:ખ, કહ્યું- ‘તેને ટીમમાં સ્થાન…’


