નિયમનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવા હુકમ : રિપોર્ટ બાબતે જરા પણ ઢીલાશ નહી ચલાવવા કઠોર ટકોર
ઉત્તરાયણ 2026ને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે ચાઈનીઝ દોરી, નાયલોન માંઝા અને તુક્કલ જેવી જીવલેણ સામગ્રી સામે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલાંની ગંભીર સમીક્ષા કરી છે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપ્યો છે કે આવી પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ, સંગ્રહ કે ઉપયોગ કરનાર કોઈપણ વ્યક્તિ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.
કોર્ટે રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડાઓને નિર્દેશ આપતા જણાવ્યું છે કે પ્રતિબંધિત દોરી અને તુક્કલના વેચાણ અંગે રોજિંદો (ડે-ટુ-ડે) અહેવાલ રજૂ કરવો ફરજિયાત રહેશે. આ મામલે ઢીલાશ ચલાવી લેવામાં નહીં આવે તેવી પણ કડક ટિપ્પણી હાઈકોર્ટે કરી છે.
ગુજરાત સરકારના ગૃહ વિભાગના મુખ્ય સચિવ દ્વારા હાઈકોર્ટ (High Court) માં સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. સોગંદનામામાં જણાવ્યા મુજબ રાજ્યભરમાં ચાઈનીઝ (Chinese) માંઝા, નાયલોન દોરી, પ્લાસ્ટિક કોટિંગવાળા દોરા, કાચથી કોટેડ દોરા (પરંપરાગત માંઝા સિવાય) તેમજ ચાઈનીઝ (Chinese) સ્કાય ફાનસ (તુક્કલ) સામે કડક અમલીકરણ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
સરકારી માહિતી મુજબ 21 નવેમ્બરથી 10 ડિસેમ્બર 2025 દરમિયાન પ્રતિબંધિત દોરીના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને ઉપયોગ સંબંધિત કુલ 59 ગુનાઓ નોંધાયા છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે 12,066થી વધુ પ્રતિબંધિત દોરા અને સંબંધિત સામગ્રી જેમ કે રીલ, સ્પૂલ, બોબિન્સ અને કટ દોરા જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલ સામગ્રીની અંદાજિત કિંમત રૂ. 36.80 લાખ જેટલી હોવાનું જણાવાયું છે. સમગ્ર રાજ્યમાં આ કેસોમાં કુલ 73 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
જાહેર સુરક્ષા માટે રાજ્ય તંત્ર દ્વારા વ્યાપક જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. શાળાઓ, કોલેજો, બજારો અને જાહેર સ્થળોએ કુલ 116 જાગૃતિ બેઠકો યોજાઈ છે. આ ઉપરાંત અખબારોમાં જાહેર સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે તેમજ જિલ્લા પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા X, Facebook, Instagram અને WhatsApp જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 230થી વધુ સત્તાવાર પોસ્ટ્સ શેર કરવામાં આવી છે. ઘણા જિલ્લાઓમાં ઓછામાં ઓછી 8 ભાડે લેવામાં આવેલી ઓટો-રિક્ષા મારફતે જાહેર સંબોધન કરીને લોકોને ચાઈનીઝ દોરી અને તુક્કલના જોખમ વિશે સચેત કરવામાં આવ્યા છે.
હાઈકોર્ટે રાજ્ય સરકારને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ઉત્તરાયણ દરમિયાન કોઈ પણ કિંમતે માનવ જીવન જોખમમાં ન પડે તે માટે કાયદાની સંપૂર્ણ અમલવારી સુનિશ્ચિત કરવામાં આવે.


