અલગ–અલગ નંબરથી ફોન કરી બદનામી, પરિજનો અને શાળાના વાઇસ પ્રિન્સિપાલને પણ સંપર્ક; અંતે શિક્ષિકાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી
ગોંડલ શહેરમાં ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી એક પરિણીતાને તેના પૂર્વ ઓળખીતાએ એકતરફી પ્રેમના નામે સતત માનસિક ત્રાસ આપતા આખરે પોલીસ ફરિયાદ નોંધાવવાની ફરજ પડી છે. આરોપી દ્વારા વારંવાર અલગ–અલગ મોબાઈલ નંબરથી ફોન કરી પરાણે સંબંધ રાખવા દબાણ કરવામાં આવતું હતું. એટલું જ નહીં, મહિલાના પતિ, સગા સંબંધીઓ, મિત્રવર્તુળ અને શાળાના વાઇસ પ્રિન્સિપાલને પણ ફોન કરી તેણીને બદનામ કરવાનો પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
બનાવ અંગે મૂળ રાજસ્થાનના જયપુરની રહેવાસી અને હાલ ગોંડલમાં વસવાટ કરતી 47 વર્ષીય પરિણીતાએ ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે દીપેશ રમાકાંત ડ્રોલિયા (રહે. માનસરોવર, જયપુર, રાજસ્થાન)નું નામ આપ્યું છે.
ફરિયાદ મુજબ, શિક્ષિકાના લગ્ન આશરે 23 વર્ષ પહેલા થયા હતા. લગ્ન પૂર્વે જ્યારે તેણી પોતાના માતા–પિતા સાથે જયપુરમાં રહેતી હતી ત્યારે ભાઈના મિત્ર દીપેશ ડ્રોલિયા સાથે તેની ઓળખાણ થઈ હતી. દીપેશ તેમના પિતાના ઘરની બાજુમાં રહેતો હોવાથી ઘર આવન–જાવન દરમિયાન બંને વચ્ચે મિત્રતાનો સંબંધ બંધાયો હતો અને તે સમયગાળા દરમિયાન ફોન પર વાતચીત પણ થતી હતી.
પરંતુ બાદમાં તેણીના લગ્ન ગોંડલમાં થતા તમામ પ્રકારના સંબંધો પૂર્ણ કરી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ દીપેશ સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક નહોતો. તેમ છતાં આરોપી આ હકીકત સ્વીકારવા તૈયાર ન હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ તા.31/10/2025થી દીપેશે ફરીથી શિક્ષિકાને ફોન કરવાનું શરૂ કર્યું હતું અને તેની સાથે વાતચીત કરવા દબાણ કરતો હતો.
ફોન પર વાત ન કરતાં આરોપી અશ્લીલ અને અપમાનજનક શબ્દો બોલતો, ગોંડલ આવી તારો પીછો કરીશ તેવી ધમકી આપતો હતો. દીપેશ પાસે શિક્ષિકાના પરિવારજનો અને સગા–વ્હાલાઓના નંબર હોવાના કારણે તે અવારનવાર તેના પતિને પણ ફોન કરતો હતો. એક પ્રસંગે પતિએ “તમે કોણ?” એમ પૂછતાં આરોપીએ પોતાનું નામ જણાવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. “હું ગોંડલ આવીને તને મારી નાખીશ” જેવી વાતો કરીને પતિને ભયમાં મૂક્યો હતો.
આટલેથી પણ સંતોષ ન માનતા આરોપીએ શિક્ષિકાની મિત્રોને ફોન કરી તેની સાથે વાત કરવા દબાણ કરવું શરૂ કર્યું. ઉપરાંત, તેણી જે ખાનગી શાળામાં ફરજ બજાવે છે ત્યાંના વાઇસ પ્રિન્સિપાલને પણ ફોન કરી “તેણી સાથે વાત કરાવો” તેવી માગણી કરી, જેથી શાળામાં પણ તેણીની છબી ખરાબ કરવાનો પ્રયાસ થયો હતો.
ફરિયાદમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તા.24/12/2025ના રોજ આરોપીએ શિક્ષિકાના દિયરને પણ ફોન કરી તેણી સાથે વાત કરાવવાની માગણી કરી હતી. આ પહેલાં પણ અલગ–અલગ અજાણ્યા નંબરોથી સતત ફોન કરી માનસિક દબાણ બનાવવામાં આવતું હતું. લાંબા સમયથી ચાલતા આ ત્રાસ અને બદનામીના ભયથી કંટાળી જઈને અંતે શિક્ષિકાએ પોલીસનો સહારો લીધો હતો.
ફરિયાદના આધારે ગોંડલ બી ડિવિઝન પોલીસે આરોપી દીપેશ ડ્રોલિયા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા કોલ ડિટેલ્સ, ધમકીભર્યા ફોન અને અન્ય પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ઘટનાએ ફરી એક વખત દર્શાવ્યું છે કે એકતરફી પ્રેમ અને અસ્વીકારને સ્વીકારવામાં નિષ્ફળ લોકો કેવી રીતે મહિલાઓના જીવનમાં ભય અને અસુરક્ષા ઊભી કરે છે. પોલીસે પણ સ્પષ્ટ કર્યું છે કે આવા કિસ્સાઓમાં કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે, જેથી પીડિતાને ન્યાય મળી શકે અને ભવિષ્યમાં આવા બનાવો પર અંકુશ આવી શકે.


