કાર રિવર્સ લેતા બોર્ડ સાથે અથડાઇ, બાદ બોર્ડને મૂળમાંથી ઉખેડવા પ્રયાસ કર્યો
રાજકોટના એથ્લેટિક્સ ગ્રાઉન્ડ પાસે ગઈ રાત્રિના એક અજીબ ઘટના જોવા મળી હતી. એક ‘EX MLA GUJARAT’ લખેલી મર્સિડીઝ કારને પાર્ક કરવા ડ્રાઈવરે રોડ પર કોર્પોરેશન દ્વારા લગાવેલું સાઈનબોર્ડ ઉખેડવાનો પ્રયાસ કર્યો હતો, જોકે એ નીકળતું નથી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે ડ્રાઈવર મર્સિડીઝમાંથી ઊતરે છે અને આજુબાજુ જુએ છે. બાદમાં સાઈનબોર્ડને જડમૂળમાંથી ઉખેડવાનો પ્રયત્ન કરે છે. બાદમાં બોર્ડ ન ઊખડતાં ફરી કારમાં જતો રહે છે.
‘EX MLA GUJARAT’ લખેલી મર્સિડીઝ કાર નંબર G J18 BJ 6763 નંબરની કાર પૂર્વ નાણામંત્રી અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાની હોવાનું સામે આવ્યું હતું. આ કાર અમીન માર્ગ રોડ પર આવેલા વજુભાઈ વાળાના નિવાસસ્થાને હાજર હતી.
ડ્રાઈવરે જણાવ્યું હતું કે એથ્લેટિક્સ ગ્રાઉન્ડ પાસે કારનું પાર્કિંગ કરવાનું હોવાથી એ જગ્યાએ સાઈનબોર્ડ લગાવવામાં આવ્યું ન હતું, જે નડતરરૂપ હતું, તેથી એને હલાવ્યું, પરંતુ ઉખેડ્યું નથી. એ સાઈનબોર્ડને કારણે કારમાં નુકસાન પણ પહોંચ્યું હતું, જોકે તે વ્યક્તિએ પોતાનું નામ ન આપ્યું અને જતી રહી. આ ડ્રાઈવરનું નામ રણવીરભાઈ હોવાનું સામે આવ્યું છે.
ડ્રાઈવર દ્વારા કોર્પોરેશન બોર્ડને નુકસાન પહોંચાડવા મામલે વીડિયો ઉતારનારી વ્યક્તિ પરેશ જોશીએ જણાવ્યું હતું કે ગઈકાલે સાંજે હું વોકિંગ કરતો હતો ત્યારે આ ઘટના બની હતી. મર્સિડીઝ કાર પાર્કિંગ કરતા સામે રિવર્સ લેતાં બોર્ડ સાથે અથડાઈ હતી, જેથી કારમાંથી એક વ્યક્તિ નીચે ઊતરીને બોર્ડને મૂળમાંથી ઉખેડવા લાગી હતી.આ અંગે વજુભાઇ વાળાએ જણાવ્યું હતું કે મારા ડ્રાઇવર બદલતા રહે છે. વાયરલ થયેલા વીડિયોમાં તે વ્યકિત કોણ છે તેનો ખ્યાલ નથી પરંતુ તે બાબતે હું પૂછી લઇશ. ડ્રાઇવરને ઠપકો પણ આપીશ.


