પરિણીતાની ઈન્સ્ટાગ્રામ પર પજવણી, અમદાવાદના શખ્સની સાયબર ક્રાઈમે કરી ધરપકડ
મેસેન્જરમાં ગાળો, અલગ-અલગ આઈડીથી હેરાનગતિ અને પતિની સ્ટોરી પર અશ્લીલ કોમેન્ટ; સાયબર ક્રાઈમની ઝડપી કાર્યવાહી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં સોશિયલ મીડિયા મારફતે મહિલાઓની પજવણીના કેસો વધતા જઈ રહ્યા છે. તાજેતરમાં થોરાળા વિસ્તારમાં રહેતી એક 30 વર્ષીય પરિણીતાને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને ગાળો આપવી, અલગ-અલગ આઈડીમાંથી હેરાનગતિ કરવી તેમજ પતિએ મુકેલી સ્ટોરી પર અશ્લીલ કોમેન્ટ કરીને પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસએ ગુનો નોંધી અમદાવાદના શખ્સ પંકજ વાઘેરાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદ અનુસાર, થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી પરિણીતાએ સાયબર ક્રાઈમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. 12-10-2025ના રોજ તેને ઈન્સ્ટાગ્રામ પર ‘કબીર 510’ નામની આઈડી પરથી મેસેજ મળ્યો હતો. અજાણ્યા શખ્સના મેસેજનો જવાબ ન આપતાં પણ સામેવાળાએ સતત મેસેજ કરવાનું ચાલુ રાખ્યું હતું. પરિણીતાએ સ્પષ્ટપણે મેસેજ ન કરવા જણાવ્યું છતાં શખ્સે અશોભનીય ભાષામાં ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું.
પરિણીતાએ હેરાનગતિથી બચવા માટે તે ઈન્સ્ટાગ્રામ આઈડીને બ્લોક કરી દીધી હતી, પરંતુ ઉશ્કેરાયેલા શખ્સે બીજી ‘પંકજ વાઘેરા’ નામની આઈડી પરથી ફરી મેસેજ મોકલી ગાળો આપવાનું ચાલુ રાખ્યું હતું. સતત થઈ રહેલી આ પજવણીને કારણે પરિણીતાની માનસિક પરેશાનીમાં વધારો થયો હતો.
મામલો અહીં અટક્યો નહોતો. બાદમાં પરિણીતાના પતિએ Instagram પર એક સ્ટોરી મૂકી હતી, જેમાં આરોપીએ અશ્લીલ અને અપમાનજનક કોમેન્ટ કરી હતી. આ હરકતથી પરિણીતાની જાતીય સતામણી થવા સાથે તેની સામાજિક પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચ્યું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર ઘટનાથી કંટાળી અંતે પરિણીતાએ સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ટેક્નિકલ તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે મેસેજ અને અશ્લીલ કોમેન્ટ કરનાર શખ્સ અમદાવાદનો રહેવાસી પંકજ વાઘેરા છે. સાયબર ક્રાઈમ પોલીસની ટીમે આરોપીની અટકાયત કરી તેની પુછપરછ શરૂ કરી છે.
પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત આપી હતી કે તેણે ઈન્સ્ટાગ્રામ પર પરિણીતાની પ્રોફાઈલ જોઈ મિત્રતા કેળવવાના ઈરાદે મેસેજ કર્યા હતા. પરંતુ કોઈ પ્રતિસાદ ન મળતાં તે ઉશ્કેરાઈ ગયો અને ગુસ્સામાં આવી અયોગ્ય ભાષાનો ઉપયોગ કરી પજવણી કર્યાનું રટણ કર્યું હતું.
સાયબર ક્રાઈમ પોલીસે સ્પષ્ટ કર્યું છે કે સોશિયલ મીડિયા પર મહિલાઓની હેરાનગતિ, અશ્લીલ કોમેન્ટ્સ કે ગાળો આપવી ગંભીર ગુનો છે અને આવા કિસ્સામાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર સાવચેતી રાખવાની તેમજ કોઈપણ પ્રકારની પજવણી સામે તરત ફરિયાદ નોંધાવવાની જરૂરીયાત ઉપર ભાર મૂક્યો છે.


