AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ની માતૃભાષા સજ્જતા અને સંરક્ષણ પર થનારી અસરો
AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ના સમયમાં ગુજરાતી ભાષાની સજ્જતા માટે કાળજી લેવામાં નહીં આવે તો; ભાષાવિજ્ઞાનીઓની સેંકડો વર્ષોની ભારે મહેનત પર પાણી ફરી વળશે.
અભણ માણસો પણ ‘AI’નો સરળતાથી ઉપયોગ કરી શકે તેમ છે. હોર્ડિંગ્સ, આમંત્રણ પત્રિકાઓ, પેમ્ફ્લેટ, સાઇનબોર્ડ, વગેરેની ભૂલોને સરળતાથી અને ઝડપથી સુધારવા માટે ‘AI’ ખૂબ ઉપયોગી થઈ શકે તેમ છે. ફોટોગ્રાફ કે PDF અપલોડ કરીને વૉઇસ પ્રોમ્પ્ટ આપીને પણ ભૂલો શોધીને તેમાં સુધારો કરી શકાય.
AIને યોગ્ય પ્રોમ્પ્ટ આપીને આપણું લખાણ સુધારવા કહીશું તો 80-90% ભૂલો સેકંડોમાં સુધારી આપશે.
AIના સદુપયોગથી માતૃભાષા સજ્જતા અને સંરક્ષણ ક્ષેત્રે ક્રાંતિ થઈ શકે તેમ છે, પણ તે માટે આપણી જાગૃતિ ખૂબ જરૂરી છે.

………………………………………………………………..
હાલમાં સૌથી વધારે ચર્ચા AI(આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ની થાય છે. AIને કારણે હજારો લોકો નોકરી ગુમાવશે એવું વારંવાર સાંભળવા અને વાંચવા મળે છે. AIને કારણે અનેક કાર્યો ઝડપથી અને સરળતાથી થઈ રહ્યાં છે, એવું પણ અનુભવાઈ રહ્યું છે. કાગળમાં લેખ લખનારા લેખકો આજે વૉઇસ ટાઇપિંગ કરી રહ્યા છે !
મોબાઇલમાં ગુજરાતીમાં વૉઇસ ટાઇપિંગની સુવિધા ઉપલબ્ધ થતાં, વૉઇસ ટાઇપિંગ કરનારની સંખ્યામાં ઘણો વધારો થયો છે. વૉઇસ ટાઇપિંગમાં તેમજ સોશિયલ મીડિયામાં ગુજરાતી લખાણમાં ખૂબ ભૂલો જોવા મળે છે. આ ભૂલોને ધ્યાનમાં રાખીને મેં એક લેખમાં લખ્યું હતું કે, AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ના સમયમાં ગુજરાતી ભાષાની સજ્જતા માટે કાળજી લેવામાં નહીં આવે તો; ભાષાવિજ્ઞાનીઓની સેંકડો વર્ષોની ભારે મહેનત પર પાણી ફરી વળશે. આ લેખ લખ્યા પછી મેં ‘AI’નો ઘણો ઉપયોગ કર્યો. તેના પરથી ખ્યાલ આવ્યો કે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) બેધારી તલવાર છે. આપણે વારંવાર ખોટું લખીને સ્વીકારી લઈએ તો, AI તેને સાચું માની લેશે અને અપાર ભૂલોવાળું લખાણ મળશે. યોગ્ય પ્રોમ્પ્ટ આપીને આપણું લખાણ સુધારવા કહીશું તો 80-90% ભૂલો સેકંડોમાં સુધારી આપશે.
AI વિશે જાણવા-શીખવા માટે મેં ઘણો સમય વીતાવ્યો. તેની આછેરી ઝલક જોઈએ.
AI ને ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં જાણી જોઈને નીચેની ભૂલોવાળું લખાણ આપ્યું :
નીચે આપેલાં ગુજરાતી -અંગ્રેજી વાક્યોમાં જોડણી, અનુસ્વાર, શું ભેગું -શું છૂટું રાખવું અને સ્પેલિંગ વગેરેની ભૂલો છે. તેને સુધારી આપવા વિનંતી.
(1) તમારો દિકરો અહી છે.
Your son is hire.
(2) હુ વિદ્યાર્થી છુ.
I am an studant.
(3) આજે ગુરૂવાર છે.
Today is Tharsday.
(4) મારી શાળા માં રમત નુ મોટુ મેદાન છે.
There is an playgraund in my school.
AI દ્વારા સુધારા કરીને આપવામાં આવેલ માહિતી :
ગુજરાતી વાક્ય (સુધારેલું) English Sentence (Corrected)
(1) તમારો દીકરો અહીં છે. Your son is here.
(2) હું વિદ્યાર્થી છું. I am a student.
(3) આજે ગુરુવાર છે. Today is Thursday.
(4) મારી શાળામાં રમતનું મોટું મેદાન છે. There is a playground in my school.
આપ જોઈ શકો છો કે, ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં ભૂલો સુધારી આપી છે. આ ઉપરાંત તેણે સમજૂતી પણ આપી તે શબ્દશ: નીચે આપેલ છે.
મુખ્ય સુધારાઓની સમજૂતી:
ગુજરાતી જોડણી:
દીકરો: ‘દી’ હંમેશા દીર્ઘ આવે.
અહીં / હું / છું: આ શબ્દો પર હંમેશા અનુસ્વાર (ટપકું) આવે.
ગુરુવાર: ‘ગુરુ’ માં ‘રુ’ હ્રસ્વ આવે (ગુરુવાર).
શાળામાં: જ્યારે કોઈ સ્થળની ‘અંદર’ ની વાત હોય ત્યારે ‘માં’ શબ્દની સાથે ભેગો લખાય છે.
મોટું: અહીં પણ અનુસ્વાર જરૂરી છે.
English Corrections:
Here vs. Hire: ‘Here’ એટલે અહીં, જ્યારે ‘Hire’ એટલે ભાડે રાખવું.
A vs. An: ‘Student’ વ્યંજન (s) થી શરૂ થાય છે, તેથી તેની આગળ ‘a’ આવે, ‘an’ નહીં.
Thursday: સાચો સ્પેલિંગ ‘Thursday’ છે.
Playground: આ એક આખો શબ્દ છે અને તેનો સ્પેલિંગ ‘Playground’ થાય.
શું તમારે આવા બીજા કોઈ વાક્યોનું ભાષાંતર અથવા શુદ્ધિકરણ કરવું છે?
નિયમો સાથેની સમજૂતી વાંચીને મને ઘણો આનંદ થયો. તો આપને થશે કે, AI આટલું સરસ કામ કરી આપે છે, તો 80-90% ભૂલો સુધારી આપે છે એમ શા માટે લખ્યું ? હા, તેનો જવાબ એ છે કે, “શું તમારે આવા બીજા કોઈ વાક્યોનું ભાષાંતર અથવા શુદ્ધિકરણ કરવું છે?” આ વાક્યમાં બે ભૂલો રહેલી છે. વાક્ય – નપુંસકલિંગ હોવાથી આવાં
લખવું જોઈએ. શુદ્ધિ શબ્દ સાચો છે, પણ શુદ્ધીકરણ સાચું છે. તેનો નિયમ : શબ્દના છેડે ‘કૃત’, ‘ભૂત’, ‘કરણ’, ‘ભવન’ આવે ત્યારે વચ્ચે ઉમેરાતી ‘ઈ’ દીર્ઘ હોય છે. (તેને ‘ચ્વિ’ રૂપ કહેવામાં આવે છે.)
ત્યાર પછી માત્ર ગુજરાતીમાં આપેલાં બે વાક્યો જોઈએ…
(1) જીલ્લા શિક્ષણ અને તાલીમભવન સુરત આયોજીત કલા મહોત્સવ મા આપનુ હાર્દિક સ્વાગત છે
(2) મીઠા મધુ ને મીઠાં મેહુલા રે લોલ.
હવે, AI દ્વારા મળેલ જવાબ જોઈએ…
સુધારેલું:
(1) જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત આયોજિત કલા મહોત્સવમાં આપનું હાર્દિક સ્વાગત છે.
(2) મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ.
(નોંધ: કવિ બોટાદકરની મૂળ પંક્તિમાં ‘મીઠાં’ મધુ માટે વપરાયું છે કારણ કે ‘મધુ’ નપુંસક લિંગ છે, અને ‘મેહુલા’ પુલ્લિંગ હોવાથી ત્યાં ‘મીઠા’ વપરાય છે.)
મુખ્ય સુધારાઓની સમજૂતી:
જિલ્લા: ‘જિલ્લો’ શબ્દમાં ‘જિ’ હંમેશા હ્રસ્વ (અડધી ઇ) આવે છે.
તાલીમ ભવન: આ બંને શબ્દો છૂટા રાખવા વધુ યોગ્ય છે, અથવા ‘તાલીમભવન’ તરીકે લખો તો પણ ચાલે, પણ વ્યાકરણની દ્રષ્ટિએ ‘તાલીમ ભવન’ વધુ સ્પષ્ટ લાગે છે.
આયોજિત: ‘આયોજિત’ શબ્દમાં ‘જિ’ હ્રસ્વ આવે છે.
મહોત્સવમાં: અહીં ‘માં’ (અંદરના અર્થમાં) હંમેશા શબ્દની સાથે ભેગું લખાય અને તેના પર અનુસ્વાર આવે.
આપનું: ‘આપનું’ માં ‘નુ’ પર અનુસ્વાર આવે કારણ કે તે માલિકી દર્શાવતો પ્રત્યય છે.
મીઠાં/મીઠા: ગુજરાતી વ્યાકરણ મુજબ વિશેષણના લિંગ-વચન બદલાય છે. ‘મધુ’ (મધ) માટે ‘મીઠાં’ અને ‘મેહુલા’ (વરસાદ) માટે ‘મીઠા’ યોગ્ય છે.
અહીં AIના ઉપયોગની માત્ર આછેરી વાત કરી છે. મેં અનેક પ્રકારનાં વાક્યો, ફોટોગ્રાફ, PDF વગેરે અપલોડ કરીને તેને ભૂલો જણાવવા અને સુધારવા કહ્યું; તેનાં ઘણાં સુખદ પરિણામો પ્રાપ્ત થયાં.
માત્ર AI એ આપેલ તમામ માહિતી સાચી માની શકાય નહીં. ઉપરના વાક્યમાં હંમેશા લખ્યું છે, તે અમાન્ય (અશુદ્ધ) જોડણી છે; હમેશ, હંમેશ, હંમેશાં,હમેશાં માન્ય જોડણી છે, પણ હંમેશા માન્ય જોડણી નથી.
વારંવાર વપરાતા શબ્દોની શુદ્ધ – અશુદ્ધ જોડણી લખીને તેને છૂટા પાડવા કહ્યું, તેનો સચોટ જવાબ મળ્યો હતો. ‘AI’ના ઉપયોગ પછી એ તારણ પર આવ્યો છું કે, અભણ માણસો પણ ‘AI’નો સરળતાથી ઉપયોગ કરી શકે તેમ છે. હાલમાં મોટાં મોટાં હોર્ડિંગ્સ, આમંત્રણ પત્રિકાઓ, પેમ્ફ્લેટ, સાઇનબોર્ડ, કચેરીઓ વગેરે અનેક જગ્યાએ અપાર ભૂલોવાળું લખાણ જોવા મળે છે. આ ભૂલોને સરળતાથી અને ઝડપથી સુધારવા માટે ‘AI’ ખૂબ ઉપયોગી થઈ શકે તેમ છે. ફોટોગ્રાફ કે PDF અપલોડ કરીને વૉઇસ પ્રોમ્પ્ટ આપીને પણ ભૂલી શોધી શકાય અને તેને દૂર કરી શકાય.
આપણે કરોડો રૂપિયાના ખર્ચે ભવ્ય ભવનોનું નિર્માણ કરીએ છીએ. તેમાં ઉપયોગમાં લેવાતી નાનામાં નાની ચીજવસ્તુની પસંદગીમાં કરવામાં ખૂબ કાળજી રાખીએ છીએ, જે સારી બાબત છે. બીજી તરફ આપણે શબ્દને બ્રહ્મ માનીએ છીએ, પણ સાચો શબ્દ પસંદ કરવા કાળજી રાખતા નથી, જે ભારે દુ:ખદ બાબત છે.
AIનો વ્યવસાયમાં ખૂબ કરવામાં આવી રહ્યો છે. AIનો માતૃભાષા સજ્જતા અને સંરક્ષણ માટે ઉપયોગ કરવામાં આવે તો ક્રાંતિ થઈ શકે તેમ છે. તે માટે આપણી જાગૃતિ ખૂબ જરૂરી છે. તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં માતૃભાષા સજ્જતા અને સંરક્ષણ માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે, થોડી કાળજી લેવામાં આવે તો સદીઓ સુધીમાં જે કાર્ય થઈ શક્યું નથી, તે કાર્ય AIના સદુપયોગથી થોડાં વર્ષોમાં થઈ શકે.
શબ્દસિંધુ
આપણે શબ્દને બ્રહ્મ માનીએ છીએ, પણ સાચો શબ્દ પસંદ કરવા કાળજી રાખતા નથી, જે ભારે દુ:ખદ બાબત છે.


