મોરબી રોડ પરની 14 લાખની ચાંદી ચોરીમાં મામા-ભાણેજને દબોચી લેતી ક્રાઈમ બ્રાન્ચ
કારિગર બની ઘરમાં ઘૂસેલા આરોપીઓએ જ આપ્યો દગો ; 4.8 કિલો ચાંદી, 1 લાખ રોકડ અને મોબાઇલ સહિત 6 લાખનો મુદ્દામાલ કબજે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં વિશ્વાસને તોડી નાખતી ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં કામ માટે રાખવામાં આવેલા જ કારીગરોએ માલિકનો ભરોસો તોડી લાખોની ચાંદી પર હાથ ફેરવી દીધો હતો. પોલીસની સતર્ક કામગીરીથી આ કેસનો ભેદ ઉકેલાઈ ગયો છે અને આરોપી મામા-ભાણેજની જોડીને ઝડપી લેવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર શહેરના મોરબી રોડ પર આવેલી તિરૂપતીનગર સોસાયટીમાં રહેતા ચાંદીના કારીગર ભાવેશભાઈના ઘરે ચોરીની ઘટના બની હતી. તેઓ બહાર ગયા હતા ત્યારે બંધ મકાનને નિશાન બનાવી અંદરથી આશરે 14 કિલો ચાંદી ચોરી થઈ હતી, જેની કિંમત અંદાજે 14 લાખ રૂપિયા થાય છે. આ ચાંદી વેપારી બ્રિજેશભાઈ ગજેરાની હોવાનું બહાર આવ્યું છે, જેઓએ કામ માટે આ ચાંદી ભાવેશભાઈ પાસે આપી હતી. ઘટનાનો સૌથી ચોંકાવનારો પાસો એ રહ્યો કે ચોરી કરનાર કોઈ અજાણ્યા નહીં પરંતુ નવા કામે રાખવામાં આવેલા કારીગરો જ હતા. પ્રથમ દિવસે જ વિશ્વાસ મેળવી લીધેલા મામા-ભાણેજે તકનો લાભ લઈ ચોરીને અંજામ આપ્યો અને ફરાર થઈ ગયા.
આ બનાવને ગંભીરતાથી લઈ શહેર પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે વિશેષ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે બે શંકાસ્પદ શખ્સોને ઝડપી પાડ્યા હતા, જેમની પાસેથી ચાંદી અને રોકડ મળી આવતા સમગ્ર ગુનાનો ભેદ ખુલ્યો હતો.
પકડાયેલા આરોપીઓમાં ભેરૂસિંહ ભવરસિંહ ચૌહાણ અને શંકરસિંહ દેવીસિંહ દુલાવતનો સમાવેશ થાય છે, જે મૂળ રાજસ્થાનના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. હાલ તેઓ રાજકોટમાં જ રહેતા હતા. પોલીસે તેમની પાસેથી આશરે 4.8 કિલો ચાંદી, 1 લાખ રૂપિયા રોકડ અને મોબાઇલ ફોન મળી કુલ 6 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અન્ય સંડોવણી અંગે પણ તપાસ શરૂ કરી છે. ચોરીમાં ઉપયોગમાં લેવાયેલા સાધનો અને અન્ય વિગતો મેળવવા માટે આરોપીઓની પૂછપરછ ચાલુ છે. આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ચોક્કસ બાતમી અને ઝડપી કાર્યવાહીથી આરોપીઓને ઝડપવામાં સફળતા મળી હતી, જેના કારણે શહેરમાં બનેલી આ મોટી ચોરીનો ભેદ ઝડપથી ઉકેલી શકાયો છે.


