એસ્ટ્રોન ચોકમાં નામાંકિત મોબાઇલના વેપારીઓ પર GST વિભાગના દરોડા
બિલ વિનાના મોબાઇલનું વેચાણ, જૂનામાં કરચોરી અને અન્ય નાણાકીય અનિયમિતતાઓની શંકા : દસ્તાવેજોની ચકાસણી : ધંધાર્થીઓમાં ફફડાટ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના મોબાઇલ ઝોન તરીકે ઓળખાતા એસ્ટ્રોન ચોકમાં આવેલ મોબાઇલના નામાંકિત વેપારીઓ પર જીએસટી વિભાગ દ્વારા રવિવારે રજાના દિવસે જ દરોડા પાડવામાં આવ્યા હતાં. અચાનક ટીમો ત્રાટકતા મોબાઇલના ધંધાર્થીઓમાં દોડધામ મચી ગઇ હતી. સાંજ સુધીમાં જીએસટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.
આ અંગે મળતી વિગતો મુજબ, GST વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલા સાથેની ટીમો અચાનક જુદા-જુદા મોબાઈલ શોરૂમ પર પહોંચી હતી. અધિકારીઓએ દુકાનોમાં પ્રવેશતાની સાથે જ શટર બંધ કરાવી દીધા હતા અને અંદર તપાસ શરૂ કરી દીધી હતી. એસ્ટ્રોન ચોક વિસ્તારમાં રવિવાર અથવા રજાના દિવસે મોટી સંખ્યામાં ગ્રાહકો મોબાઈલની ખરીદી માટે ઉમટી પડતા હોય છે, પરંતુ GSTની રેડને કારણે ગ્રાહકોમાં પણ કુતૂહલ અને મુંઝવણ જોવા મળી હતી. કારણ કે, શટર બંધ હોવા છતાં અંદર દસ્તાવેજો અને સ્ટોકની ચકાસણી કરવામાં આવી રહી હતી.
GST વિભાગ દ્વારા આ તપાસ મુખ્યત્વે કરચોરીના શંકાસ્પદ વ્યવહારોને લઈને કરવામાં આવી રહી છે. વિભાગને આશંકા છે કે આ શોરૂમ્સમાં બિલ વિનાના મોબાઈલ ફોનનું વેચાણ, જૂના મોબાઈલના વ્યવહારોમાં GSTની ચોરી અને અન્ય નાણાકીય અનિયમિતતાઓ આચરવામાં આવી રહી છે. અધિકારીઓ દ્વારા હાલમાં વેચાણના બિલો, જીએસટી રિટર્ન અને ફિઝિકલ સ્ટોકનું મિલાન કરવામાં આવી રહ્યું છે. જો તપાસમાં કોઈ મોટું કૌભાંડ અથવા GST ચોરી પકડાશે, તો વેપારીઓ સામે લાખો રૂપિયા સુધીનો દંડ સહિત કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં અગાઉ પણ બોગસ બિલિંગ અને ટેક્સ ચોરીના કિસ્સાઓ સામે આવ્યા છે, જેના કારણે વિભાગ સતર્ક બન્યું છે. એસ્ટ્રોન ચોકની આ કાર્યવાહીને પગલે આસપાસની અન્ય મોબાઈલ શોરૂમ અને દુકાનોના સંચાલકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાલતી આ તપાસ મોડી રાત સુધી ચાલુ રહે તેવી શક્યતા છે. આ તપાસના અંતે કેટલા કરોડની કરચોરી બહાર આવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.


