દાહોદ-મહેસાણા જિલ્લામાંથી ત્રણ કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
ડાંગરના ભૂસાની આડમાં અને નંબર પ્લેટ વગરના ટ્રકમાં કરાતી હેરાફેરી : બંને જિલ્લામાંથી ૪૪,૮૦૮ બોટલ સાથે બે શખ્સની ધરપકડ કરાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા થઇ રહ્યાં છે. બોર્ડરના જિલ્લાઓમાં છાશવારે કરોડોનો વિદેશી દારૂ ઝડપાઇ રહ્યો છે. ત્યારે ગોધરા અને મહેસાણા જિલ્લામાં ત્રણ કરોડનો દારૂ ઝડપાયો છે.
દાહોદ જિલ્લામાં વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી સામે એલસીબી પોલીસ સતત સક્રિય છે. છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા સઘન અભિયાન દરમિયાન એલસીબીએ વધુ એક મોટો ફટકો આપ્યો છે. ગુજરાત–મધ્યપ્રદેશ સરહદે આવેલા ખંગેલા ચેકપોસ્ટેથી એલસીબી પોલીસે ભારતબેન્ઝ ટ્રક અટકાવી તપાસ કરતાં ડાંગરના ભુસાની આડમાં છુપાવેલ વિદેશી દારૂ તથા બીયરનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે.
ચોક્કસ બાતમીના આધારે ગોઠવાયેલી નાકાબંધી દરમિયાન ટ્રકને કોર્ડન કરી અટકાવવામાં આવ્યો હતો. ટ્રકના ચાલક છોગારામ કાનારામ બિશ્નોઈ (ઉં. 30, રહે. જિલ્લો બાડમેર, રાજસ્થાન)ની પૂછપરછમાં સંતોષકારક જવાબ ન મળતા પોલીસે તલાશી હાથ ધરી હતી.
તપાસ દરમિયાન ટ્રકમાંથી 1,176 પેટીઓમાં ભરેલી 26,784 બોટલો મળી આવી, જેની કિંમત ₹1,84,30,080 આંકવામાં આવી છે. પોલીસે હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ ભારતબેન્ઝ ટ્રક (રજી. નં. RJ04GD1529) કિંમત ₹20,00,000, મોબાઈલ ફોન કિંમત ₹5,000 અને ડાંગરના ભુસા ભરેલા 189 થેલાઓ કિંમત ₹18,900 સહિત કુલ ₹2,04,53,980નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પૂછપરછ દરમિયાન આરોપીએ આ દારૂનો જથ્થો પંજાબમાંથી લાવી ગુજરાતમાં પહોંચાડવાનો હોવાનું સ્વીકાર્યું હતું. આ મામલે કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને શહેર ‘બી’ ડિવિઝન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને વિદેશી દારૂની હેરાફેરીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઊંઝા-મહેસાણા હાઈવે પર દર્શન હોટલ સામે વોચ ગોઠવીને એક આઈસર ટ્રકમાંથી અંદાજે 18,024 નંગ વિદેશી દારૂની બોટલો અને ટીન સાથે કુલ 72.78 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડી આરોપીની ધરપકડ કરી છે.
મહેસાણા LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ રશ્મેન્દ્રસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ આકાશકુમારને સચોટ બાતમી મળી હતી કે, રાજસ્થાન તરફથી એક લાલ કલરની આઈસર ટ્રક (નંબર GJ-19-Y-1013) પર તાડપત્રી ઢાંકીને વિદેશી દારૂનો મોટો જથ્થો મહેસાણા થઈ નંદાસણ તરફ જઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે નાકાબંધી કરી હતી. તપાસ દરમિયાન આઈસર ટ્રકમાંથી 57,74,189ની કિંમતનો વિદેશી દારૂ, 15 લાખની કિંમતનું આઈસર, રોકડ રકમ, મોબાઈલ અને અન્ય સાધનિક કાગળો મળી કુલ 72,78,739નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો.
પોલીસે સ્થળ પરથી આઈસર ચાલક સુરેશકુમાર ઉર્ફે સુર્યા હનુમાનારામ જાટ રહે. ઝાલોર, રાજસ્થાનની ધરપકડ કરી છે. પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ જથ્થો સાંચોરના બિશ્નોઈ પુખરાજે મોકલાવ્યો હતો અને તે પોતે પાયલોટિંગ કરી રહ્યો હતો. આરોપીઓએ પોલીસને છેતરવા માટે ટ્રક પર ખોટી નંબર પ્લેટ લગાવી હતી, જ્યારે ટ્રકની સાચો નંબર પ્લેટ GJ-09-AW-0833 અંદરથી મળી આવી હતી. હાલ પોલીસે પકડાયેલ અને ફરાર આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


