જીએસટીની ચોરી માટે રેલવે પાર્સલનો સહારો
વારાણસીથી રાજકોટ આવેલો 14.53 લાખનો કોપરનો જથ્થો ઝડપાયો
1321 કિલો કોપરનો જથ્થો બિલ વિના મંગાવ્યાની આશંકા, ઉદય કાર્ગોનું નામ ખુલ્યું, રેલવે પોલીસે શકપડતી મિલકત તરીકે માલ કબજે કર્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
જીએસટીની મોટી રકમ ભરવામાંથી બચવા માટે હવે રેલવેના પાર્સલ વિભાગનો ઉપયોગ થતો હોવાની આશંકા વચ્ચે રાજકોટ રેલવે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. વારાણસીથી રેલવે પાર્સલ મારફતે રાજકોટ મોકલવામાં આવેલા 1321 કિલો કોપરના જથ્થાને પોલીસે ઝડપી લીધો છે. આ ધાતુની બજારકિંમત રૂ.14.53 લાખ હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં આ જથ્થો રાજકોટના સંત કબીર રોડ પર આવેલા ઉદય કાર્ગોના સંચાલક પ્રકાશભાઈ દ્વારા મંગાવવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે. જીએસટીની ભરપાઈથી બચવા માટે જરૂરી બિલિંગ વિના માલ મંગાવવામાં આવ્યો હોવાની શંકા સેવાઈ રહી છે. આથી રેલવે પોલીસ હવે જીએસટી વિભાગને સાથે રાખીને આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરશે.
પ્રાપ્ત વિગતો મુજબ, દિવાળીના તહેવારો દરમિયાન ટ્રેન મારફતે દારૂ, માદક પદાર્થો કે અન્ય શંકાસ્પદ ચીજવસ્તુઓની હેરાફેરી અટકાવવા પશ્ચિમ રેલવે પોલીસ દ્વારા વિશેષ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અધિક મહાનિર્દેશક કે.એન. ડામોર અને એસપી યશપાલ જગાણીયાના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ ડીવાયએસપી એચ.એમ. રાણાની રાહબરીમાં પીએસઆઇ બી.જે. જાડેજા, કે.યુ. વાળા સહિતની ટીમ રેલવે પાર્સલો પર પણ નજર રાખી રહી હતી. આ દરમિયાન કોન્સ્ટેબલ દેવેન્દ્રભાઈ અને સાગરભાઈને રેલવેના પાર્સલ મારફતે શંકાસ્પદ સામાનની હેરફેર થતી હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસ ટીમે તપાસ કરતાં પાર્સલમાંથી 1321 કિલો કોપરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તેની કિંમત રૂ.14,53,100 આંકી હતી. માલની હેરફેર અંગે યોગ્ય દસ્તાવેજો અને બિલિંગની વિગતો શંકાસ્પદ જણાતાં પોલીસે સમગ્ર જથ્થો શકપડતી મિલકત તરીકે કબજે કર્યો હતો.
પોલીસે આ મામલે તપાસનો દોર લંબાવતાં વારાણસીથી મોકલવામાં આવેલું આ પાર્સલ રાજકોટના સંત કબીર રોડ સ્થિત ઉદય કાર્ગો સાથે સંકળાયેલું હોવાનું સામે આવ્યું હતું. કાર્ગોના સંચાલક પ્રકાશભાઈ દ્વારા આ જથ્થો મંગાવવામાં આવ્યો હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે. જીએસટીની જવાબદારીથી બચવા માટે બિલ વિના કોપર મંગાવવામાં આવ્યું હોવાની આશંકા છે. જોકે, આ સમગ્ર વ્યવહારમાં કોની કેટલી સંડોવણી છે અને જીએસટીની કેટલી રકમની ચોરી થઈ છે તે દિશામાં હવે તપાસ કરવામાં આવશે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલે જીએસટી વિભાગને સાથે રાખીને જરૂરી દસ્તાવેજો, પાર્સલની બુકિંગ વિગતો અને માલના વ્યવહારની તપાસ કરવામાં આવશે. તપાસમાં ગેરરીતિ સાબિત થાય તો સંબંધિતો સામે આકરી કાર્યવાહી થઈ શકે છે.
આ સમગ્ર મામલામાં વધુ એક ચોંકાવનારી બાબત એ છે કે, ઉદય કાર્ગોનું રેલવેના પાર્સલ વિભાગમાં લીઝ કનેક્શન હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ પણ આ કાર્ગો સર્વિસ મારફતે શંકાસ્પદ ધાતુની હેરફેર થઈ હોવાની વિગતો સામે આવી હતી. આશરે બે મહિના પહેલાં પણ શંકાસ્પદ ધાતુનો જથ્થો પકડાયો હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે. આથી હવે માત્ર પકડાયેલા કોપરના જથ્થા પૂરતી તપાસ સીમિત ન રહેતાં અગાઉના પાર્સલ વ્યવહારો પણ તપાસના દાયરામાં આવી શકે છે. જો કાર્ગો સર્વિસની લીઝનો દુરુપયોગ થયાનું બહાર આવશે તો તેની લીઝ રદ કરવા સહિતની કાર્યવાહી પણ થઈ શકે છે. આમ, રૂ.14.53 લાખના કોપરના જથ્થાની તપાસ હવે રેલવે પાર્સલ વ્યવસ્થામાં થતી શંકાસ્પદ હેરફેર અને જીએસટી બિલિંગની ગેરરીતિઓ સુધી પહોંચે તેવા સંકેતો મળી રહ્યા છે.
આ કામગીરીમાં એએસઆઈ શક્તિસિંહ, હેડ કોન્સ્ટેબલ સાગરભાઈ, મેહુલભાઈ, મનસુખભાઈ, વિપુલભાઈ, જયવીરસિંહ, વનરાજસિંહ, દિવ્યરાજસિંહ સહિતના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.


