સૌરાષ્ટ્ર યુનિ.ની પ્રીશા ટાંકનો રાષ્ટ્રીય સ્વિમીંગમાં ઉત્કૃષ્ટ દેખાવ
અત્યાર સુધીમાં ૮ મેડલ અને . ટ્રોફી મેળવ્યા
અગ્ર ગુજરાત,રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જસાણી કોલેજ, રાજકોટમાં B.A. પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી પ્રતિભાશાળી સ્વિમર પ્રીશા રિતેશભાઈ ટાંકએ રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરની વિવિધ સ્વિમિંગ સ્પર્ધાઓમાં ઉત્તમ પ્રદર્શન કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે. સૌરાષ્ટ્ર ઇન્ટર કોલેજ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં પ્રીશાએ અલગ–અલગ ઇવેન્ટ્સમાં ભાગ લઈ ૫ ગોલ્ડ મેડલ તેમજ ચેમ્પિયનશિપ ટ્રોફી જીતી શ્રેષ્ઠતા સાબિત કરી હતી.
આ ઉપરાંત પોરબંદર ઓપન વોટર સી સ્વિમિંગ નેશનલ ચેમ્પિયનશિપમાં ૧ કિ.મી. ઇવેન્ટમાં ત્રીજો ક્રમ તથા ૫ કિ.મી. ઇવેન્ટમાં બીજો ક્રમ મેળવી મેડલ અને ટ્રોફી પ્રાપ્ત કરી હતી. દીવ ખાતે યોજાયેલી ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ – નેશનલ ચેમ્પિયનશિપમાં ઓપન વોટર સી સ્વિમિંગમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી પ્રીશાએ ઉત્કૃષ્ટ પ્રયાસ સાથે ૧૨મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો, જે ખેલો ઇન્ડિયા સિલેક્શન માટે મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાય છે.
તે ઉપરાંત વડોદરા ખાતે યોજાયેલા ખેલ મહાકુંભમાં અલગ–અલગ ઇવેન્ટ્સમાં ભાગ લઈ ૨ ગોલ્ડ મેડલ તથા ૧ સિલ્વર મેડલ મેળવી પોતાની પ્રતિભાનો વધુ એક વખત પરિચય આપ્યો. આ રીતે માત્ર એક મહિના દરમિયાન પ્રીશા રિતેશ ટાંકે કુલ ૮ મેડલ તથા ૩ ટ્રોફી જીતવાની પ્રશંસનીય સિદ્ધિ હાંસલ કરી છે.


