યાજ્ઞિક રોડ પર માલાબર ગોલ્ડ શો રૂમમાં 4.72 લાખના દાગીનાની ચોરી
બપોરે ખરીદીના બહાને આવેલી અજાણી મહિલાએ ટ્રેમાંથી સોનાનો ચેઈન સરકાવ્યો, CCTV આધારે તપાસ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ વિસ્તારમાં આવેલ જાણીતા માલાબર ગોલ્ડ એન્ડ ડાયમંડસના શોરૂમમાંથી લાખોની ચોરીનો બનાવ સામે આવતાં પોલીસ હરકતમાં આવી છે. બપોરના સમયે ખરીદીના બહાને આવેલી એક અજાણી મહિલાએ શોરૂમના ડિસ્પ્લે ટ્રેમાંથી મોંઘો સોનાનો ચેઈન ચોરી કરી ફરાર થઈ ગઈ હોવાનો ખુલાસો થયો છે. ચોરી ગયેલા દાગીનાની કિંમત અંદાજે રૂ.4.72 લાખ હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, યાજ્ઞિક રોડ પર ડી.એચ. કોલેજની બાજુમાં આવેલા માલાબર ગોલ્ડ એન્ડ ડાયમંડસના શોરૂમમાં આ ઘટના 23 તારીખે બની હતી. રોજની જેમ સાંજના સમયે શોરૂમ બંધ કર્યા બાદ સ્ટાફ દ્વારા દાગીનાની સ્ટોક ગણતરી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન 27.59 ગ્રામ વજનનો, 22 કેરેટનો એક સોનાનો ચેઈન સ્ટોકમાં ન મળતાં શોરૂમ સંચાલનમાં ખળભળાટ મચી ગયો હતો.
આ અંગે કાલાવડ રોડ વિસ્તારમાં રહેતા અને છેલ્લા દસ વર્ષથી માલાબર ગોલ્ડ શોરૂમમાં મેનેજર તરીકે ફરજ બજાવતા વિજયભાઈ સંતોષભાઈ ભુલચંદાણીએ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ સ્ટાફના સભ્યોને પૂછપરછ કર્યા છતાં કોઈ સ્પષ્ટ જવાબ ન મળતાં શોરૂમના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા.
સીસીટીવી ફૂટેજમાં 23 તારીખે બપોરના આશરે 4:50 વાગ્યે એક અજાણી મહિલા શોરૂમમાં પ્રવેશી હતી અને ડિસ્પ્લે ટ્રેમાંથી સોનાનો ચેઈન ચતુરાઈથી સરકાવી લેતી નજરે પડી હતી. ચોરી કર્યા બાદ મહિલા શોરૂમમાંથી સહેજ પણ શંકા ન જાય તે રીતે બહાર નીકળી ગઈ હોવાનું ફૂટેજમાં દેખાઈ રહ્યું છે.
ફૂટેજના આધારે શોરૂમના ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી. એ.ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી લીધો છે અને સીસીટીવીમાં દેખાતી મહિલા તસ્કરને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોના વધુ સીસીટીવી ફૂટેજ એકત્ર કરીને મહિલા કયા માર્ગે ફરાર થઈ તેની શોધખોળ કરવામાં આવી રહી છે. દિવસ દરમિયાન વ્યસ્ત વિસ્તારમાં થયેલી આ ચોરીને કારણે જ્વેલરી શોરૂમોની સુરક્ષા વ્યવસ્થા અંગે ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે.


