કવાડવા રોડ પર સ્કોર્પિયોમાંથી 216 ટીન બિયર સાથે બે બુટલેગર ઝડપાયા
પીસીબીએ દરોડો પાડી કાર-બિયર સહિત રૂ.7.47 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો, બેડી ગામના સપ્લાયરની શોધખોળ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં દારૂના ગેરકાયદે ધંધા પર કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશનરના આદેશ બાદ શહેર પીસીબી બ્રાન્ચે વધુ એક સફળ દરોડો પાડ્યો છે. કુવાડવા રોડ પર ખેરડી અને મગરવાડા ગામ વચ્ચે સ્કોર્પિયો કારમાં લઈ જવાતો વિદેશી બિયરના મોટા જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા કાર અને બિયર સહિત કુલ રૂ.7.47 લાખના મુદ્દામાલ સાથે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બિયર સપ્લાય કરનાર મુખ્ય શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજકોટ શહેર પીસીબી બ્રાન્ચના પીઆઈ એમ.આર. ગોંડલીયાની સૂચના અને પીઆઈ એમ.જે. હુંણના માર્ગદર્શન હેઠળ પીસીબી સ્ટાફ વિસ્તાર પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન પીસીબીના કર્મચારીઓ યુવરાજસિંહ રાણા અને કુલદીપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે કુવાડવા રોડ પર ખેરડી ગામ અને મગરવાડા ગામ વચ્ચે વોચ ગોઠવવામાં આવી હતી.
વોચ દરમિયાન નંબર પ્લેટ વગરની કાળા રંગની સ્કોર્પિયો કાર પસાર થતી નજરે પડતા તેને અટકાવી તલાસી લેવામાં આવી હતી. કારની તપાસ કરતા અંદરથી કુલ 216 ટીન બિયર મળી આવ્યા હતા, જેની કિંમત અંદાજે રૂ.47,520 થવા જાય છે. વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે બિયર ગેરકાયદે રીતે પરિવહન કરવામાં આવી રહી હતી.
પોલીસે કારમાં સવાર બે શખ્સોને સ્થળ પર જ ઝડપી લીધા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓમાં વનરાજ આંબાભાઈ પરબતાણી (ઉ.વ. 25, રહે. નવાગામ છપ્પનીયાં ક્વાર્ટર્સ) અને રામજી ઉર્ફે રામો બાલાભાઈ સોલંકી (ઉ.વ. 34, રહે. કુવાડવા ગામ, આમલીવાળી શેરી)નો સમાવેશ થાય છે. બંને પાસેથી સ્કોર્પિયો કાર અને બિયરના જથ્થા સહિત કુલ રૂ.7,47,520નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે.
આરોપીઓની પૂછપરછ દરમિયાન તેમણે કબૂલાત આપી હતી કે આ બિયરનો જથ્થો બેડી ગામમાં રહેતા સુરેશ ઉર્ફે ભીમો કાનજીભાઈ પંચાસરા પાસેથી મેળવવામાં આવ્યો હતો. આ આધારે પીસીબી બ્રાન્ચે સપ્લાયર સુરેશ પંચાસરાની ધરપકડ માટે અલગ-અલગ ટીમો દ્વારા શોધખોળ શરૂ કરી છે.
આ સમગ્ર કાર્યવાહીમાં પીઆઈ એમ.આર. ગોંડલીયા, પીઆઈ એમ.જે. હુંણ, પીએસઆઈ પી.બી. ત્રાજિયા, પીએસઆઈ આર.કે. જાડેજા સહિત પીસીબી સ્ટાફના સંતોષભાઈ મોરી, દેવરાજભાઈ કલોતરા, હરદેવસિંહ રાઠોડ, કિરીતસિંહ, રાહુલગીરી, કુલદીપસિંહ જાડેજા, નગીનભાઈ ડાંગર, હિરેન સોલંકી અને હિરેન્દ્ર પરમાર જોડાયા હતા.
શહેરમાં દારૂના ગેરકાયદે વેપાર સામે પોલીસ દ્વારા સતત ચાલી રહેલી કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હોવાનું માનવામાં આવે છે.


