અમરેલી અને જૂનાગઢ પંથકમાં ચાલતો ડુપ્લીકેટ દૂધનો કાળો કારોબાર ઝડપાયો
ખાંભાના ઇંગોરાળામાં બે મકાનમાં ચાલતુ કારસ્તાન, જૂનાગઢમાં ૮૦૦૦ લીટર ભરેલુ ટેન્કર જપ્ત કરાયું
અગ્ર ગુજરાત, અમરેલી
ગુજરાતમાં જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો ફરી સક્રિય થયા છે. અમરેલીના ખાંભા અને જૂનાગઢમાં તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં મસમોટો નકલી દૂધનો જથ્થો અને તે બનાવવાની સામગ્રી મળી આવતા ચકચાર મચી ગઈ છે. બંને સ્થળેથી સેમ્પલ મેળવી તપાસ અર્થે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) માં મોકલી આપવામાં આવ્યા છે.
અમરેલીના ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામમાં બે રહેણાંક મકાનોમાં નકલી દૂધ બનાવવાનું કારસ્તાન ચાલતું હતું. ખાંભા પોલીસ અને ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમે રાત્રિ દરમિયાન દરોડો પાડ્યો હતો. શંકાસ્પદ દૂધ 220 લિટર દૂધ બનાવવાનો પાવડર 214 કિલો તેમજ વનસ્પતિ તેલ 43 કિલો શંકાસ્પદ દૂધના જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો છે અને પોલીસ સ્ટેશનમાં નોંધ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. વડિયાના ખીજડિયામાં પકડાયેલા 10 હજાર લિટર દૂધના FSL રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે દૂધમાં સોયાબીન, ગ્લુકોઝ પાવડર અને કેમિકલ્સનું મિશ્રણ કરવામાં આવતું હતું.
જૂનાગઢના કાળવાચોક વિસ્તારમાં બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. વહેલી સવારે એક શંકાસ્પદ ટેન્કરને અટકાવતા તેમાંથી અંદાજે 8,000 લિટર દૂધનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ દૂધ લેરિયા ગામની ‘કનૈયા ડેરી’ માંથી આવતું હોવાનું ખુલ્યું છે.ફૂડ વિભાગે નમૂના લઈ તપાસ શરૂ કરી છે અને ટેન્કરને પોલીસ સ્ટેશને ખસેડાયું છે.


