એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ
ગુજરાતી સાહિત્યની સંગીતની એક યાદગાર રચનામાં એક સુંદર વાત કરી છે,
‘તન છોટુ પણ મન મોટું, છે ખમીરવંતી જાતિ. ભલે લાગતો ભોળો પણ છેલ છબીલો ગુજરાતી.’
આ વાત અત્યારે એટલા માટે યાદ આવી કારણ કે આવા જ ખમીરવંતા મોટા મનના માનવીની વાત મારે તમને અત્યારે કહેવી છે વાત ઘણી નાનકડી છે. કદાચ કોઈ એને અવગણી પણ નાખે પણ દીર્ઘદ્રષ્ટિથી જોઈએ તો ખરેખર આ પ્રેરણા લેવા જેવો પ્રસંગ.
નાના બાળકોના નાનકડા શોખ એટલે જાતજાતના રમકડા થી રમવુ અને વાહનમાં ચક્કર મારવુ. કોઈ આત્મીય જનની ઘરે ગયા હોઈએ અને ત્યાંથી નીકળતી વખતે નાનું બાળક તોતડા અવાજમાં બોલે છે, ‘ચક્કલ માલવુ છે.’ બાળકની આ નિર્દોષ માગણી સહર્ષ સ્વીકારી બાળકને ચક્કર મરાવી આપણે પણ મનમાં આનંદની લહેરખી અનુભવીએ છીએ.
બાળકને ચકરડીમાં બેસવુ પણ ખુબ ગમે. વિમાન, ગાડી જેવા અનેક પ્રકારના અલગ અલગ આકારવાળી ચકરડીઓ બાળકને સહજ આકર્ષે છે, અને તેમાંથી આવતા જાતજાતના અવાજથી બાળક આશ્ચર્યચકિત થઈ જાય છે. ચકરડીમાં બેસી અવર્ણનીય આનંદ અનુભવી બાળકનો ચહેરો ખીલી ઉઠે છે. પછી તો એવુ પણ બને કે ચકરડી નો અવાજ સાંભળી બાળક ઘરમાંથી બહાર દોડી આવવાની ઈચ્છા પણ કરે. અને હવે તો અલગ અલગ જગ્યાએ ચકરડીઓ પણ ગોઠવાયેલી જ રહે છે, જેથી બાળકને ઘરથી બહાર નીકળ્યા હોય તો પણ આ આનંદ મેળવવાની મજા આવે છે.
હું આ એક સત્ય ઘટના વિષે વાત કહી રહી છું, એ થોડા સમય પહેલાની વાત છે. ત્યારે પણ આવી જ રીતે પોતાની માતા સાથે ઘરની બહાર એકાદ વર્ષની નાનકડી ઢીંગલી નામે ખુશી ચકરડી પ્રતિ આકર્ષાઈ અને પોતાના નાનકડા હાથ ચકરડી તરફ ફેલાવ્યા. ‘અરે દાદા આ તરફ આવો ને.’ ખુશીના મમ્મી માનસી બેને ચકરડી વાળા જૈફ વયના દાદાને બોલાવ્યા. આખા દિવસના થાક પછી પોતાના ઘર તરફ જતા એ દાદા શેરીમાં વળ્યા અને ખુશીના ઘર સામે આવીને ઊભા રહ્યા. ક્ષણ બે ક્ષણ ખુશી ચકરડી સામે અને જૈફ વયના દાદા સામે જોઈ રહી. માનસી બેને હળવેથી ખુશીને ચક્કરડીમાં બેસાડી, અને દાદાએ ચકરડી ફેરવવાની શરૂઆત કરી. ‘અરે વાહ! તુ તો પ્લેનમાં બેઠી ઢીંગલી!’ રમતિયાળ ખુશી અમારા પાડોશમાં રહેતી અને તેની સાથે અમે લોકો પણ ઘણીવાર રમતા. ખુશી ચકરડીમાં બેઠી ત્યારે અમે પણ ત્યાં હતા.
એકાદ ચક્કર માર્યા બાદ ખુશીના ચહેરા પરની ખુશી કંઈક અદ્રશ્ય થવા લાગી. એમ લાગ્યુ હમણાં રડી પડશે. અને બન્યુ પણ એવુ જ. તેણે પોતાના નાનકડા હાથ માનસી બેન તરફ લંબાવી દીધા અને ચકરડીમાં વધુ ન બેઠી. પછી તો ફરી બેસાડવાનો પ્રયત્ન પણ વ્યર્થ ગયો. આ તો બાળક એના મનનું કોઈ થોડું નક્કી હોય કે ક્યારે હર્ષ અનુભવે અને ક્યારે રિસાઈ જાય! ચકરડીમાં બેસવા માટે ફરી પ્રયત્ન કર્યો, તો ખુશીએ વિરોધ સાથે ચીસ પાડી અને માનસી બેને ચકરડીનો વિચાર પડતો મુક્યો. “દાદા કેટલા પૈસા થયા?” માનસીબેને એ ભાઈને પૂછ્યુ. “અરે કંઈ નહીં બેન. આટલામાં શું?!” એ દાદાએ લાગણી નીતરતી આંખે ખુશી સામે જોયુ અને બોલ્યા. માનસી બેન ના વારંવાર ના આગ્રહ પછી પણ તેમણે પૈસા ન જ લીધા. “તમે તો સીધા ઘરે જતા હતા. તમારે ખાસ આ તરફ આવવુ પડ્યુ, આટલી વાર સુધી તમે ખોટી થયા. તમારે પૈસા લઈ લેવા જોઈએ. કેટલા પૈસા થયા એ તો કહો.” “મારે પૈસા નથી લેવા.” કહી પોતાની ચકરડીની રેકડી લઈ એ ભાઈ આગળ ચાલવા લાગ્યા અમે બધાએ ઘટનાના સાક્ષી બની રહ્યા. હજી પણ દુનિયામાં માત્ર પૈસાને જ મહત્વ આપનાર નહીં, લાગણીને પણ મહત્વ આપનાર વ્યક્તિઓ છે.
અને ત્યારે મને વિચાર આવ્યો, કે આપણી આજુબાજુ આવા ખમીરવંતા લોકો કેટલા બધા હોય છે. આ તો એક વ્યક્તિ અને એનો પરિચય આપણને મળ્યો. બાકી આપણે આવા ઘણા બધા લોકો આપણી આજુબાજુ જ જોતા હોઈએ છીએ. તો આપણે આપણા બાળકોને આવા ખમીરવંતા લોકોનો પરિચય કરાવો જોઈએ કે નહીં? તમારુ શું કહેવુ છે મિત્રો?
ડૉ. ચારૂતા ગણાત્રા ઠકરાર
એમ.ડી.(હોમીયોપેથી)
કન્સલ્ટીંગ હોમીયોપેથ, રાજકોટ.


