ધ્રોલના માર્ગો પર ગૌભક્તોનો હુંકાર: ગાયને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવા રેલી
નાની વાછરડીને મોખરે રાખી રામધૂન સાથે નીકળેલી રેલીમાં હજારો ગૌપ્રેમીઓ ઉમટ્યા; મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
અગ્ર ગુજરાત, ધ્રોલ
ધ્રોલ ભારતીય સંસ્કૃતિના પાયા સમાન ગૌવંશને યોગ્ય સન્માન અને સુરક્ષા મળે તેવા ઉમદા હેતુ સાથે આજે ધ્રોલ ખાતે ‘ગૌ સન્માન આહ્વાન અભિયાન’ અંતર્ગત એક વિરાટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ગૌપ્રેમીઓ અને સંતો-મહંતો ઉમટી પડ્યા હતા અને ગાય માતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો આપવા માટે પ્રચંડ માંગ કરી હતી.
કાર્યક્રમની શરૂઆત ધ્રોલના ત્રિકોણથી શરૂ કરવામાં આવી હતી આ રેલીનું મુખ્ય આકર્ષણ ગાય માતાની એક નાની વાછરડી હતી, જેને રેલીમાં સૌથી આગળ રાખવામાં આવી હતી. ગૌભક્તો દ્વારા વાછરડીનું ભાવપૂર્વક પૂજન કરી ‘ગૌ માતા કી જય’ ના નાદ સાથે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું, જેમાં ગૌપ્રેમીઓ દ્વારા શિસ્તબદ્ધ રીતે રામધૂન બોલાવવામાં આવી હતી.
શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને આ રેલી મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી. મામલતદારને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારને દેશી ગૌવંશની સુરક્ષા, સેવા અને તેમને બંધારણીય દરજ્જો આપવા માટે જોરદાર રજૂઆત કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગૌસેવકોએ જણાવ્યું હતું કે, ગૌમાતા એ ભારતની સંસ્કૃતિનું પ્રતીક છે અને તેમને યોગ્ય સન્માન મળે તે દરેક નાગરિકની ફરજ છે. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ તકે ધ્રોલ અને આસપાસના ગ્રામ્ય પંથકમાંથી ગૌપ્રેમી જનતા હાજર રહી પોતાનો સમર્થન જાહેર કર્યું હતું.


