ગોંડલમાં પેટ્રોલ-ડીઝલની અફવાઓ પર તંત્રની લાલ આંખ; પોલીસ દ્વારા પંપો પર સઘન ચેકિંગ
તંત્ર હરકતમાં આવ્યું: પુરતો જથ્થો હોવાનો દાવો
અગ્ર ગુજરાત, ગોંડલ
છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા ફેલાઈ રહેલી પેટ્રોલ-ડીઝલની અછતની અફવાઓને પગલે ગોંડલ શહેરમાં તંત્ર હરકતમાં આવ્યું છે.
જનતામાં ફેલાયેલા ડર અને પંપો પર થતી ભીડને નિયંત્રિત કરવા માટે રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાય, જિલ્લા SP વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ ગોંડલ DYSP કે.જી. ઝાલાની સૂચનાથી ગોંડલ શહેર A ડિવિઝન અને B ડિવિઝન પોલીસ દ્વારા સંયુક્ત રીતે શહેરના વિવિધ પેટ્રોલ પંપોની મુલાકાત લેવામાં આવી હતી.
જનતાએ પેટ્રોલ કે ડીઝલ ખૂટી જવાની કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન આપવું નહીં. ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. વાહનચાલકોને વિનંતી છે કે જરૂરિયાત મુજબ જ ઇંધણ ભરાવવું. પ્લાસ્ટિકના કેન કે અન્ય સાધનોમાં બિનજરૂરી સ્ટોક કરવો નહીં. પંપના માલિકો અને સંચાલકોને તાકીદ કરવામાં આવી છે કે કોઈ પણ સંજોગોમાં કાળાબજારી ન થાય તેનું ધ્યાન રાખવું. પંપના સ્ટાફને સૂચના અપાઈ છે કે ગ્રાહકો સાથે નમ્રતા અને શાંતિપૂર્ણ રીતે વર્તવું અને તેમને સાચી પરિસ્થિતિ સમજાવવી.
પંપ પર કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. જનતાને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે. પોતાના વાહનોને પંપ પર એક જ લાઇનમાં રાખવા. પંપને કારણે મુખ્ય માર્ગો કે શેરીઓમાં ટ્રાફિક જામ ન થાય તેની તકેદારી રાખવી. વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્રને પૂરતો સહયોગ આપવો. જો કોઈ વ્યક્તિ અફવા ફેલાવતા અથવા કાળાબજારી કરતા પકડાશે, તો તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.


