દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
‘રા’ એટલે રામાયણ ‘મ’ એટલે મહાભારત, રામનો જાપ કરવાથી રામાયણ-મહાભારતનો પાઠ થઇ જશે
અતિશય પ્રેમમાં જડતા (સ્થંભિતતા) આવી જાય છે!
વિશ્વનો મોટામાં મોટો એક માત્ર ધર્મ પ્રેમ છે, સૌને પ્રેમ કરો
ભકત, શુરવિર અને દાતાઓની અવાઝ એવી ધરતી કચ્છ-માધાપરમાં પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘માનસ મુકુરાષ્ટક’ના પાંચમા દિવસના કથા પ્રેમસંવાદને આગળ ધપાવતા પ્રિય બાપુએ કહ્યું કે પ્રેમ વૈરાગ્યનો બાપ છે અને પ્રિતી વૈરાગ્યની જનની છે. એક દિકરીને ફિલ્મ જોવાનો ખૂબ જ શોખ. ખૂબ ફિલ્મો જોવે. એકની એક દિકરી, એના પિતાએ કિધું કે બેટા, આટલી બધી ફિલ્મો ન જોવાય! પણ દિકરી તો માને નહીં અને ખૂબ ફિલ્મ જોવે, પછી તો પિતાએ પણ કહેવાનું બંધ કર્યુ. દિકરી મોટી થઇ, એનું સગપણ થયું. લગ્ન લેવાયા ત્યારે દિકરીના બાપે જમાઇને વિનંતી કરી કે બેટા મારી દિકરીને ફિલ્મો જોવાની ટેવ છે. શકય હોય તો એને ફિલ્મો જોવા લઇ જજો. દિકરી સાસરે આવી, જમાઇ પણ સારો હતો. દિકરીને દર શુક્રવારે ફિલ્મમાં લઇ જાય. સમય જતાં એ દિકરીને ત્યાં બાળકનો જન્મ થાય છે. બાળક દિવસે ન વધે એટલો રાતે વધે, રાતે ન વધે એટલો દિવસે વધે એમ દિકરી પોતાના બાળકના પ્રેમમાં ડૂબી જાય છે. જમાઇ રાજે દિકરીને કિધુ કે શુક્રવાર છે ફિલ્મમાં જશુ? ત્યારે દિકરી કહે છે ના આ બાળકમાં એનો જીવ પરોવાય છે. આ છે પ્રેમ. ફિલ્મો માટે અરૂચિ નથી પણ બાળકમાં પ્રેમને કારણે સ્થિતિ બદલાય છે. આ પ્રેમની તાકાત છે. પ્રેમ જડને ચેતન અને ચેતનને જડ બનાવી દયે છે. અતિશય પ્રેમમાં જડતા (સ્થંભિતતા) આવી જાય છે. વિશ્વમાં સૌથી મોટામાં મોટો ધર્મ પ્રેમ છે.
કચ્છને વિનંતી કરૂ છું કે સૌને પ્રેમ કરો. આજના વાતાવરણમાં પ્રેમ જ જરૂરી છે. સૂફી સંત રૂમી કહે છે કે મેં દિલ તો આપી દીધું છે, જાન પણ આપી દીધી છે, હું તમને દર્પણ આપુ છું.
તુલસીજીએ માનસમાં પાંચ મહાપાપ બતાવ્યા છે. (૧) બ્રહ્મહત્યા મહાપાપ છે (૨) મદ્યપાન પણ મહાપાપ છે. હું આપ સૌને વિનંતી કરૂ કે બાપ ન પિવા જેવું પિતા હો તો છોડી દેજો! (3) ચોરી કરવી મહાપાપ છે (૪) કોઇનું લીધું હોય એ ન દેવું એ મહાપાપ છે. શાહબુદ્દીનભાઇ કહે છેને કે એક ભાઇ મને પૂછતા હતા કે મારે સમાજ સેવા કરવી છે. ત્યારે મેં એને કિધું કે જેના લીધા હોય એ એને પાછા આપી દે! તો એ સમાજ સેવા જ છે. (૫) ગુરૂપત્ની પર કુદ્રષ્ટિ કરવી એ પણ મહાપાપ છે. ત્રણ પ્રકારના દર્પણ, અરિસા છે. (૧) દેહ: સ્થૂળ લૌકિક દર્પણ (૨) દેહિ : મન અને (3) વિદેહી આત્મા તન એટલે કે દેહ લૌકિક દર્પણ છે. દેહી એટલે મન એ દર્પણ છે અલૌકીક છે. અને વિદેહી એટલે કે આત્મા પરલૌકિક દર્પણ છે. ભિન્ન-ભિન્ન વસ્તુઓ આપણા મન દર્પણને મેલું કરે છે.
‘રા’ એટલે રામાયણ અને ‘મ’ એટલે મહાભારત. ‘રામ’ નામનો જપ કરો. એ જપ કરવાથી રામાયણ અને મહાભારતનો પાઠ થઇ જશે.
કથા રત્નો
(૧) ગાન (ગાયન) મોટુ ઔષધ છે, ગાવાથી દુ:ખ ઓછા થાય છે માટે ગાઓ, ગાઓ, ગાઓ
(૨) મેં દિલ આપી દીધું છે, જાન પણ આપી દીધી છે, હું તમને દર્પણ આપું છું. સૂફી સંત રૂમી
(3) પ્રેમ: જડને ચેતન બનાવે અને ચેતનને જડ બનાવે છે
તોરા મન દર્પણ કહેલાયે
કથા સંવાદ દરમ્યાન કેન્દ્રીય વિષય ‘મુકુરાષ્ટક’ સંદર્ભે પ્રિય બાપુએ એક ફિલ્મ ગીત રચના (લતા મંગેશકર દ્વારા ગવાયેલી) પ્રસ્તુત કરી અને એ ફિલ્મ ગીતનો અધ્યાત્મિક અર્થ વિસ્તારથી સમજાવ્યો હતો અને કહ્યું કે ભલે આ ગીત ફિલ્મનું છે પણ ગીતમાં શાસ્ત્રોની જ વાત ઉતરી છે, બાપ…
તોરા મન દર્પણ કહેલાયે..
ભલે-બૂરે સારે કરમો કો
દેખે ઔર દિખાયે….તોરા મન…
મન હિ દેવતા, મન હિ ઇશ્વર
મન સે બડા ન કોઇ…
જગ સે ચાહે ભાગ લે પ્રાણી,
મન સે ભાગ ન પાયે..
તોરા મન દર્પણ કહલાયે…
સુખ કી કલિયાં, દુ:ખ કે કાંટે
મન સબ કા આધાર…
મન સે કોઇ બાત છીપે ના,
મન કે નૈન હજાર…
ઇસ ઉજરે દર્પન પ્રાણી,
ધુલ ન જમને પાયે….
તોરા મન દર્પણ કહેલાયે….


