રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત તા.૪ એપ્રિલથી ફોર્મ ભરવાનો પ્રારંભ
ગત વર્ષ કરતા લેઇટ ટાઇમ ટેબલ જાહેર કરાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો માટે આશાનું કિરણ ગણાતી RTE (રાઈટ ટુ એજ્યુકેશન) યોજનાના શેડ્યૂલમાં થઈ રહેલા વિલંબ અંગે શિક્ષણ વિભાગે ‘વેકેશન મોડ’ છોડીને માત્ર બે જ દિવસમાં શૈક્ષણિક વર્ષ 2026-27 માટે પ્રવેશ પ્રક્રિયાનું સત્તાવાર જાહેરનામું બહાર પાડી દીધું છે.
ગયા વર્ષે (2025માં) ફોર્મ ભરવાની પ્રક્રિયા 28 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ હતી. તેની સરખામણીએ આ વર્ષે તંત્રની સુસ્તીને કારણે પ્રક્રિયા 34 દિવસ મોડી એટલે કે 04 એપ્રિલ 2026થી શરૂ થશે. જોકે મોડે-મોડે પણ જાહેરાત થતા લાખો વાલીઓએ રાહતનો શ્વાસ લીધો છે. વાલીઓએ અત્યારથી જ જરૂરી આધાર-પુરાવા એકઠા કરી લેવા જોઈએ જેથી 4 તારીખે પોર્ટલ ખૂલતાં જ કોઈ પણ ટેક્નિકલ મુશ્કેલી વગર ફોર્મ ભરી શકાય.
ગ્રામ્ય અને શહેરી એમ બંને વિસ્તારના વાલીઓ માટે વાર્ષિક આવક મર્યાદા વધારીને હવે રૂ.6.00 લાખ કરાઇ છે, જે અગાઉ ઓછી હતી. શાળાઓ હવે મનમાની કરીને RTEના બાળકોને પરાણે બપોરની પાળીમાં ધકેલી શકશે નહીં. વાલીઓ પોતે ફોર્મ ભરતી વખતે જ સવાર કે બપોરની પાળી પસંદ કરી શકશે. આ વર્ષથી જ રાજ્યમાં આ નવી સિસ્ટમ અમલી બની છે.
પ્રવેશ માટે 1 જૂન 2026ના રોજ બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ થયેલી હોવી જોઈએ. જન્મનો દાખલો, રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ/ચૂંટણીકાર્ડ), જાતિનો દાખલો, આવકનો દાખલો અને ઇન્કમટેક્સ રિટર્ન (લાગુ પડતું હોય ત્યાં). વાલીઓએ ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ પોતાની પાસે જ રાખવાની રહેશે, તેને ક્યાંય જમા કરાવવા જવાની જરૂર નથી. તેવી પાત્રતા જરૂરી છે.
કુલ 13 કેટેગરી નક્કી કરવામાં આવી છે, જેમાં અનાથ બાળકો, બાળમજૂર, દિવ્યાંગ બાળકો, શહીદ જવાનના સંતાનો અને BPL કાર્ડ ધારકોને પ્રથમ અગ્રતા આપવામાં આવશે. ત્યારબાદ અનુસૂચિત જાતિ (SC), જનજાતિ (ST) અને આર્થિક રીતે પછાત વર્ગોનો સમાવેશ થશે.


